Gujarati News

Gujarati News

News of Wednesday, 29th July 2020

અનલોક-3માં થિયેટરો અને જિમ શરૂ શરુ થવાની શકયતા : 25 ટકા સીટો સાથે થિયેટર ચાલુ કરવાની મંજૂરી મળી શકે

અનલોક-3ની તૈયારી : સરકાર કરી શકે છે જાહેરાત : જાણો શું મળશે છુટછાટ

અમદાવાદ : કોરોના વાયરસના કહેરના કારણે સંપૂર્ણ દેશમાં લોકડાઉન અમલમાં મૂકવામાં આવ્યુ હતુ, ત્યાર બાદ લોકોને થોડી રાહત આપવા માટે અનલોક-1 અને અનલોક-2 જાહેર કરવામાં આવ્યુ. હવે અનલોક-2 31 જુલાઈના રોજ પુરુ થઈ રહ્યુ છે. ગુજરાતમાં અનલોક-3ની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.

હવે કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારોએ અનલોક-3ની તૈયારી શરૂ કરી દીધી છે. અનલોક-3માં થિયેટરો અને જિમ શરૂ થવાની સંભાવના છે. સોશિયલ ડિસ્ટન્સિંગની સાથે 25 ટકા સીટો સાથે થિયેટર શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી શકે છે.

અનલોક-3માં આ નિર્ણયના લીધે મલ્ટીપ્લેક્સના સંચાલકોમાં નારાજગી જોવા મળી રહી છે. મલ્ટીપ્લેક્સના સંચાલકો 50 ટકા સીટો સાથે થિયેટર શરૂ કરવા માટે સહમત છે. જો 25 ટકા સીટો સાથે થિયેટરો ચાલુ કરવામાં આવશે, તો વધુ નુકશાન થશે તેવું સંચાલકો માની રહ્યા છે. જેના કારણે ગુજરાતમાં પણ મુશ્કેલી ઉભી થઈ શકે છે.

 અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં 200 જેટલા થિયેટરો હાલ સંપૂર્ણ બંધ છે. અનલોક-3માં થિયેટરો ખોલવા ગૃહ મંત્રાલયને પ્રસ્તાવ મોકલાવી દેવામાં આવ્યો છે.

થિયેટરના માલિકો 50 ટકા સીટો સાથે સિનેમાહોલ શરૂ કરવા તૈયાર છે, પરંતુ સરકાર ફક્ત 25 ટકા સીટો સાથે મંજૂરી આપવા માંગે છે. જેથી દેશના અનેક થિયેટરના માલિકો 25 ટકા ક્ષમતા સાથે સિનેમાહોલ શરૂ કરવા તૈયાર નથી થઈ રહ્યાં.

કેન્દ્ર સરકાર ઓગસ્ટ મહિનાથી અનલોક-3ની જાહેરાત કરીને કેટલીક છૂટછાટ આપી શકે છે. ખાસ કરીને મલ્ટિપ્લેક્સ, સિંગલ સ્ક્રિન થિયેટર અને જિમ ખોલવાની મંજૂરી સંચાલકોને મળી શકે છે. જો કે દેશભરની શાળાઓ અને મેટ્રો સેવા અગાઉની જેમ જ બંધ રહેશે.

આ પણ વાંચો: સુરતમાં વધુ 199 પોઝિટિવ કેસ, શહેરમાં કુલ 10,233 લોકો કોરોનાથી સંક્રમિત

27મી જુલાઇએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક બોલાવી છે. જેમાં વધતા કેસો અને અનલોક-3 અંગેની ચર્ચા થશે. 31મી જુલાઇએ અનલોકનો બીજો તબક્કો પૂરો થઇ રહ્યો છે, ત્યારે આગામી રણનીતિ અંગે પણ વિચારણા થઇ શકે છે.

ઉલ્લેખનીય છે કે, લોકડાઉન પછી જાહેર કરાયેલા અનલોક દરમિયાન કોરોનાના કેસોમાં ભયંકર વધારો થયો છે. દેશમાં અત્યાર સુધી કુલ કોરોના સંક્રમિતોનો આંકડો 14,35,453 પર પહોંચ્યો છે. જ્યારે અત્યાર સુધી કુલ 32,771 કોરોના સંક્રમિતોએ પોતાનો જીવ ગુમાવ્યો છે

(7:33 pm IST)