Gujarati News

Gujarati News

News of Wednesday, 29th July 2020

વલસાડ જિલ્લામાં ગણેશ મહોત્‍સવ સહિત વિવિધ ધાર્મિક ઉત્‍સવો માટે પ્રતિબંધાત્‍મક આદેશ જાહેર :કોરોનાનું ગ્રહણ

દરેક ધાર્મિક ઉત્‍સવોની ઉજવણી સરકારની માર્ગદર્શિકા મુજબ કરવાની રહેશે, ભંગ કરનાર પર કાર્યવાહી થશો

(કાર્તિક બાવીશી ) વલસાડ જિલ્લામાં દર વર્ષે અંદાજિત મોટા અને નાના ગણપતિજીની મૂર્તિઓની સ્‍થાપના મોટા પ્રમાણમાં થાય છે ત્‍યારબાદ અલગ-અલગ સ્‍થળોએ શોભાયાત્રા સાથે આ મૂર્તિઓનું વિસર્જન થાય છે. શ્રીજી વિસર્જન તા૧/૯/૨૦૨૦ના રોજ થનાર છે. પરંતુ હાલમાં કોરોના ચેપી વાઇરસની મહામારીને ધ્‍યાને લઇ જાહેર સ્‍થળોએ જો મોટાપાયે શ્રીજી ગણપતિજીની મૂર્તિઓનું સ્‍થાપન થાય તો દર્શન માટે ખૂબ મોટી સંખ્‍યામાં ભીડ એકત્ર થાય તેવી સંભાવના છે

  . કેન્‍દ્ર અને રાજ્‍ય સરકારના ગૃહ મંત્રાલય દ્વારા પ્રસિદ્ધ કરાયેલા જાહેરનામાને ધ્‍યાને લેતાં જિલ્લામાં કોરોના સંક્રમણને અટકાવવાના હેતુસર અનલોક-૨નું ચુસ્‍તપણે અમલ કરવાનું હોઇ આ તહેવારની ઉજવણી દરમિયાન જાહેર જનતાની શાંતિ અને સલામતી તેમજ કાયદો અને વ્‍યવસ્‍થાની પરિસ્‍થિતિ જળવાઇ રહે તે માટે જિલ્લા મેજિસ્‍ટ્રેટ આર.આર.રાવલે ફોજદારી કાર્યરીતિ અધિનિયમ અંતર્ગત તેમને મળેલી સત્તાની રૂએ સાવચેતીના પગલાંરૂપે તાત્‍કાલિક અસરથી તા.૨/૯/૨૦૨૦ સુધી કેટલાક પ્રતિબંધાત્‍મક આદેશો જારી કર્યા છે. જે અનુસાર શ્રીજી ગણપતિજીની પ્‍લાસ્‍ટર ઓફ પેરિસની કોઇ પણ સાઇઝની મૂર્તિ, તેમજ માટીની મૂર્તિ બે ફૂટ કરતાં વધારે ઊંચાઇને બનાવવા વેચવા તેમજ સ્‍થાપના કરવા તથા જાહેર માર્ગ ઉપર પરિવહન કરવા અને નદી-તળાવ સહિત કોઇપણ કુદરતી, કૃત્રિમ જળસ્રોતોમાં વિસર્જન કરવા ઉપર, તાજિયા બેઠક સહિતની બે ફૂટ કરતાં વધારે ઊંચાઇની બનાવવા, વેચવા, સ્‍થાપના કરવા તથા જાહેર માર્ગ ઉપર પરિવહન કરવા ઉપર, દશામાં વ્રત, જન્‍માષ્‍ટમી, ગણેશ ઉત્‍સવ, શ્રાવણમાસ, બકરી ઇદ, મોહરમ અંગે કોઇ પણ પ્રકારના જુલુસ વિસર્જનયાત્રા, શોભાયાત્રા કાઢવા ઉપર પ્રતિબંધ રહેશે.

 મૂર્તિકારો જે જગ્‍યાએ મૂર્તિ બનાવવાની કામગીરી કરે છે તે જગ્‍યા તથા વેચાણ માટે રાખે છે તે જગ્‍યાની આજુબાજુ તથા નજીકમાં કોઇ પણ પ્રકારની ગંદકી ન કરવા તથા કોઇપણ પ્રકારની મૂર્તિ રોડ ઉપર જાહેરમાં ટ્રાફિકમાં અડચણ થાય તે રીતે ખુલ્લી રાખવા ઉપર, દશામા માતાજી, ભગવાન શ્રીકૃષ્‍ણ, શ્રીગણેશજીની મૂર્તિઓના સ્‍થાપના દિવસ બાદ મૂર્તિકારોએ વેચાણ ન થયેલી તથા બનાવટ દરમિયાન ખંડિત થયેલી મૂર્તિઓને બિનવારસી હાલતમાં મૂકવા ઉપર, કોઇપણ ધર્મના લોકોની લાગણી દુભાય એવા કોઇ ચિન્‍હો કે નિશાનીવાળી મૂર્તિઓ બનાવવા, ખરીદવા, વેચવા અને સ્‍થાપના કરવા ઉપર, મૂર્તિઓની બનાવટ પાણીમાં સરળતાથી ઓગળી ન શકે તેવા ઝેરી કેમિકલયુક્‍ત રંગોના ઉપયોગ કરવા ઉપર, ગોકુળ આઠમ તથા છડી નોમના તહેવાર નિમિત્તે જાહેરમાં મટકીફોડ કાર્યક્રમ કરવા ઉપર પણ પ્રતિબંધ રહેશે.
કોઇપણ જાતના સામાજિક કે ધાર્મિક કાર્યક્રમ/ મેળાવડા ઉપર પણ પ્રતિબંધ હોઇ દશામા માતાજી, ભગવાન શ્રીકૃષ્‍ણ
જન્‍મોત્‍સવ તથા શ્રી ગણેશ મહોત્‍સવના અનુસંધાને જાહેરમાં મંડપ કે પંડાલ બાંધવા નહીં તેમજ સોસાયટીના કોમન પ્‍લોટમાં, રસ્‍તા-શેરી-મહોલ્લા જેવા બહારના સ્‍થળોએ મૂર્તિ સ્‍થાપના કરવી નહીં તથા જાહેરમાં કોઇ પણ પ્રકારની ધાર્મિક વિધિ કે સમૂહ જમણવાર કરવા નહીં તેમજ ભેગા થવું નહીં. ઉપરોક્‍ત તહેવારો દરમિયાન કે તહેવારની તૈયારીના ભાગરૂપે મોટી સંખ્‍યામાં લોકોને એકઠા કરી જાહેરમાં ઉજવણી કરવી નહીં. વિસર્જન, શોભાયાત્રા, જુલુસ કાઢવા નહીં અને ઘરે જ મૂર્તિનું વિજર્સન/ તાજીયા ઠંડા કરવાના રહેશે. કેન્‍દ્ર અને રાજ્‍ય સરકારની માર્ગદર્શિકા અને વહીવટીતંત્ર દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામાનું ચુસ્‍તપણ પાલન કરવાનું રહેશે.
વન અને પર્યાવરણ વિભાગ દ્વારા સેન્‍ટ્રલ પોલ્‍યુશન કંટ્રોલ બોર્ડ તરફથી દરિયા, નદી, તળાવના પાણી તથા પર્યાવરણમાં થતા પ્રદૂષણને અટકાવવા માટે આપેલા સૂચનો તથા ધી નેશનલ ગ્રીન ટ્રીબ્‍યુનલના હુકમને આધારે આ પ્રતિબંધો સમગ્ર વલસાડ જિલ્લામાં બહારથી દશામા, જન્‍માષ્‍ટમી ગોકુળ આઠમમાં કૃષ્‍ણની તથા ગણેશજીની મૂર્તિઓ લાવી વેચતા મૂર્તિકારોને પણ લાગુ પડશે.આ હુકમનો ભંગ કરનાર ભારતીય ફોજદારી અધિનિયમન હેઠળ બિનજામીનપાત્ર ગુના માટે શિક્ષાને પાત્ર થશે.

(7:21 pm IST)