Gujarati News

Gujarati News

News of Wednesday, 29th July 2020

સુરતના અલથાણામાં યુ.એસ.ડોલર વટાવવાની લાલચ આપી પૈસા પડાવનાર આંતરરાજ્ય ગેંગના 3 સભ્યોની ધરપકડ

સુરત: શહેરના અલથાણના યુવાનને યુ.એસ ડોલર એક્સચેન્જ કરવાના બ્હાને રોકડા રૂા. 4.50 લાખ પડાવી લઇ ડોલરની નોટને બદલે પેપરની ગડ્ડી પધરાવતી આંતરરાજય ગેંગના ત્રણ ભેજાબાજને અઠવાલાઇન્સ પોલીસે ઝડપી પાડી તેમની પાસેથી અમેરિકન ડોલર, રોકડા રૂા. 56,610 અને મોબાઇલ ફોન વિગેરે કબ્જે લીધા છે. જયારે તેમના ત્રણ સાથીદારોને વોન્ટેડ જાહેર કરી તેમની શોધખોળ હાથ ધરી છે.
અઠવાલાઇન્સ પોલીસ મથકના હે. કોન્સ્ટેબલ મોહસીન હુસૈન અને પો. કોન્સ્ટેબલ પૃથ્વીરાજસિંહને મળેલી બાતમીના આધારે નાનપુરા ડક્કા ઓવાર પાસેથી ભરીમાતા-ફુલવાડી સ્થિત મદીના મસ્જિદ નજીક દિલસાદ અંસારીના મકાનમાં રહેતા આરીફખાન રોહીમ અંસારી (.. 30 મૂળ રહે. આરટ ગામ, તા. મનકછાર, જિ. ધુબરી, અસમ), મોહમદ સુમોન મો. અત્તીવાર ખલીફા (.. 34 મૂળ એક્સટન ગલી 4, કિશનકુંજ, લક્ષ્મીનગર, દિલ્હી તથા સલવા ગામ, જિ. ઉત્તર ચાલીસા, પં. બંગાળ) અને નરેશકુમાર મુજીકુમાર મંડલ (.. 24 મૂળ રહે. તૈમુર નગર, રાનીબાગ ઝુંપડપટ્ટી, દિલ્હી) ને ઝડપી પાડી તેમની પાસેથી 20 અમેરિકન ડોલરની 9 નંગ નોટ (ભારતીય ચલણ મુજબ રૂા. 13,456), રોકડા રૂા. 56,160, 5 નંગ મોબાઇલ ફોન કિંમત રૂા. 6500 અને ન્યુઝ પેપરની બનાવેલી ગડ્ડી કબ્જે લીધી હતી. ઉલ્લેખનીય છે કે અલથાણ-ભીમરાડ કેનાલ રોડ સ્થિત સેંટેસો હાઇટ્સમાં રહેતા મનિષ કમલેશ પાંડેને નવી સિવિલ હોસ્પિટલ ચાર રસ્તા પાસે મની એક્સચેન્જ ઓફિસ કયાં આવી છે તે અંગેની પૃચ્છા કરી વાતચીતમાં વિશ્વાસ કેળવી રૂા. 4.50 લાખ રોકડા આપો તો 20 યુ.એસ ડોલરની 1664 નોટ આપી દઇશ તેમ કહી નાનપુરા જીંગા સર્કલ પાસે બોલાવી રોકડા રૂા. 4.50 લાખ પડાવી લીધા હતા. પોલીસે ઝડપાયેલા ઉપરોકત ત્રણના વધુ ત્રણ સાથીદાર બબલુ ઉર્ફે ગણેશ શેખ, સલીમ મહાજન અને સાહીલ ઉર્ફે ભોલાને વોન્ટેડ જાહેર કર્યા છે. પ્રાથમિક પુછપરછમાં ઝડપાયેલા ત્રણેય છેલ્લા એક વર્ષથી સુરતમાં રહે છે અને ફ્રુટની લારી ચલાવે છે. જયારે તેમની ગેંગનો લીડર સલીમ મહાજન હોવાની કબૂલાત કરી છે.

(7:12 pm IST)