Gujarati News

Gujarati News

News of Wednesday, 29th July 2020

ગાંધીનગર:ચિલોડા પોલીસે ચંદ્રાલા નજીકથી બસમાં સવાર બે મુસાફરોને દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યા

ગાંધીનગર:રાજયમાં દારૂબંધી હોવા છતાં પરપ્રાંતમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ગુજરાતમાં ઘુસી રહયો છે ત્યારે સરકારી એસટી અને ખાનગી લકઝરી બસોમાં પણ દારૂની હેરાફેરી વધી છે. ચિલોડા પોલીસે છેલ્લા ર૪ કલાક દરમ્યાન ચંદ્રાલા પાસેથી બસમાં સવાર વધુ બે મુસાફર પાસેથી દારૂનો જથ્થો ઝડપી લીધો છે. છેલ્લા એક મહિનામાં માર્ગ ઉપર ૧ર કરતાં વધુ મુસાફરો દારૂ સાથે પકડાઈ ચુકયા છે.  

ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પરપ્રાંતમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો રાજયમાં ઘુસાડવામાં આવી રહયો છે ત્યારે રાજસ્થાન તરફથી આવતો દારૂ અમદાવાદ, ગાંધીનગર સુધી પહોંચાડવા માટે ચિલોડા હિંમતનગર હાઈવે બુટલેગરો માટે ફેવરીટ બની ગયો છે. ખાસ કરીને હવે બોર્ડર ઉપર ચેકપોસ્ટ નહીં રહેવાના કારણે બુટલેગરો ખાનગી વાહનોમાં દારૂ ઘુસાડતાં હોય છે પરંતુ જિલ્લાઓની ચેકપોસ્ટ ઉપર દારૂ ભરેલા વાહનો પકડાઈ જતાં હોય છે. આવી સ્થિતિમાં બુટલેગરોએ નવો કીમીયો છેલ્લા થોડા સમયથી અપનાવી દીધો છે જેમાં રાજસ્થાનથી ગુજરાત તરફ આવતી ખાનગી લકઝરી અને સરકારી એસટી બસમાં મુસાફરોના સ્વાંગમાં ખેપિયાઓને બેસાડી દેવામાં આવતાં હોય છે જે દારૂનો જથ્થો લઈને મુસાફરની રીતે બસમાં બેસીને ગાંધીનગર અમદાવાદ સુધી પહોંચી દારૂની ડીલીવરી આપતાં હોય છે ત્યારે ચિલોડા પોલીસ દ્વારા ચંદ્રાલા પાસે ખાસ વાહન ચેકીંગ કરવામાં આવી રહયું છે. જેમાં આવી બસો સવાર મુસાફરના સ્વાંગમાં ખેપિયાઓને પકડવામાં આવી રહયા છે. છેલ્લા એક મહિનામાં ૧ર જેટલા મુસાફરો દારૂ સાથે ઝડપાઈ ગયા છે ત્યારે છેલ્લા ર૪ કલાકમાં ચિલોડા પોલીસે વધુ બે મુસાફરોને પકડયા હતા. અંબાજીથી અમદાવાદ જતી એસટી બસમાં સુરેન્દ્રનગરમાં રહેતા અમિત ધનજીભાઈ પટેલ પાસેથી વિદેશી દારૂની ૧૭ બોટલ મળી આવી હતી. જયારે ખાનગી લકઝરી બસમાંથી રાજકોટ રૈયા રોડના સન્ની સુરેશભાઈ બલોખરીયા પાસેથી વિદેશી દારૂની ર૪ બોટલ મળી આવી હતી

(6:10 pm IST)