Gujarati News

Gujarati News

News of Wednesday, 29th July 2020

નેટવર્કની રામાયણઃઝાડ ઉપર ચડીને ઓનલાઈન ભણવા બાળકો બને છે મજબૂર

ભર બપોરે ઘરની અગાસીઓ ઉપર બાળકો ભણે છે

પાલનપુરઃ કોરોનાકાળમાં હાલમાં શાળાઓ અને કોલેજો બંધ છે અને બાળકો ઘરેથી ઓનલાઈન અભ્યાસ કરી રહ્યા છે. ત્યારે ગામડાઓમાં બાળકો માટે બપોરે ભર તડકામાં ઘરની છત પર અથવા ઝાડ પર ચડીને અભ્યાસ કરવાની મજબૂરી છે.

બનાસકાંઠા જીલ્લાના અમીરગઢ અને દાંતા તાલુકાના કેટલાય ગામોના વિદ્યાર્થીઓ માટે નબળુ ઈન્ટરનેટ પરેશાનીનો વિષય છે. આ વિદ્યાર્થીઓએ ઝાડ પર ચઢીને અભ્યાસ કરવો પડે છે કેમ કે ભરબપોરે ત્યાં બાળકોને છાંયો પણ મળે છે અને જેવું તેવું ઈન્ટરનેટ પણ મળી જાય છે. ખાસ વાત એ છે કે બાળકોની સાથે વાલીઓએ પણ ઝાડ પર બેસવું પડે છે કેમ કે નહીંતર બાળકોના પડી જવાનો ભય રહે છે.

નેટવર્કની સમસ્યાથી પરેશાન વાલીઓએ ઈન્ટરનેટ કંપનીઓ સહિત તાલુકા વિકાસ અધિકારીને પણ ફરિયાદ કરી છે પણ હજુ સુધી કોઈ નિરાકરણ નથી આવ્યું. ઝાડ પર બેસીને અભ્યાસ દરમ્યાન વિદ્યાર્થીઓના વાલીઓ ઝાડ પર જ બેસે છે અથવા મહિલા હોય તો બાળકોની સુરક્ષા માટે ઝાડની નીચે જ બેસીને અભ્યાસ પુરો થવાની રાહ જુવે છે. આટલું કરવા છતાં ઈન્ટરનેટ અવારનવાર જતું રહેવાના કારણે બાળકોનો અભ્યાસ બરાબર નથી થઈ શકતો.

(4:23 pm IST)