Gujarati News

Gujarati News

News of Wednesday, 29th July 2020

ગોરાના આદિવાસી યુવાને સરકાર પર ગંભીર આક્ષેપ કરી ઝેરી દવા પીધી : પોલીસ તપાસમાં નવો વળાંક : પ્રેમ પ્રકરણ ખુલ્યું

પ્રેમિકાએ આ ઘટનાના બે દિવસ પેહલા લગ્ન કરવાની ચોખ્ખી ના પાડી દીધી હતી

રાજપીપળા: નર્મદા ખાતે આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં તાર-ફેનસિંગ કામગીરી મામલે સ્થાનિક આદિવાસી ઓ ઘણો વિરોધ કરી રહ્યા છે. ગત 22/7/2020 ના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં આવેલા ગોરા યુવાન રાજેન્દ્ર ભાઈ નારણભાઈ તડવીએ કપાસમાં છાંટવાની દવા પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. યુવાને ઝેરી દવા પીવાનું કારણ એ આપ્યું હતું કે “પોતાની ખેતી પર ગેરકાયદેસર રીતે ગુજરાત સરકાર અને સરદાર સરોવર નર્મદા નિગમ દ્વારા તાર ફેન્સીંગ વાડ લગાવી હોવાથી પોતાનાં પરિવારનું દુઃખ જોઈ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો. જ્યારે પોલીસે તપાસ શરૂ કરી તો આદિવાસી યુવાન નું પ્રેમ પ્રકરણ સામે આવ્યુ છે.

કેવડિયા નજીકના ગોરા ગામની જમીનો પર સ્ટેચ્યુ ઓફ યુનીટી સત્તામંડળ રચીને હાલ ગુજરાત સરકાર અને સરદાર સરોવર નર્મદા નિગમ દ્વારા ખેતીની જમીનો જે વર્ષોથી જીવન ગુજારતાં આદિવાસીઓને ખેતી કરવા દેવામાં આવતી નથી. જો ખેતી કરવા જાય તો પોલિસ કેસ કરવામાં આવે છે, તેમનાં ઓજારો જપ્ત કરવામાં આવે છે. જેથી હવે પોતાનો પરિવાર કેવી રીતે જીવશે તેવા ડરથી આદિવાસી યુવાને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હોવાની વાતો વહેતી થઈ હતી.

દરમિયાન એ યુવાનને સારવાર અર્થે વડોદરા ખસેડાયો હતો. ગરુડેશ્વર પોલીસે યુવાનના આત્મહત્યા કરવાના પ્રયાસનું કારણ શોધવા ખાનગી રાહે તપાસ હાથ ધરતા ચોંકાવનારૂ તથ્ય બહાર આવ્યું હતું. રાજેન્દ્ર ભાઈ નારણભાઈ તડવીને એના જ ગામની એક યુવતી સાથે પ્રેમ સંબંધ હતો, એની પ્રેમિકાએ આ ઘટનાના બે દિવસ પેહલા લગ્ન કરવાની ચોખ્ખી ના પાડી દીધી હતી. હું તારા વગર જીવી નહિ શકું અને તારા લગ્ન પણ બીજી જગ્યાએ થવા નહિ દઉં એમ રાજેન્દ્ર તડવી એની પ્રેમિકાને ગુસ્સામાં કહીને ત્યાંથી ચાલ્યો ગયો હતો અને ઝેરી દવા પીધી હતી, આ તથ્ય પોલીસ તપાસમાં સામે આવ્યું હતું.

(1:45 pm IST)