Gujarati News

Gujarati News

News of Wednesday, 29th July 2020

બાંગ્લાદેશથી રેમડેસિવીર અગરતલા એરપોર્ટ અને ત્યાંથી અમદાવાદ એરપોર્ટ આવ્યા: તપાસમાં ચોંકાવનારા ખુલાસા

બાંગ્લાદેશી શબ્બીરને બોપલના P.M.આંગડિયામાં રૂ.25 લાખ મોકલ્યા

અમદાવાદ: ગુજરાતમાં કોરોનાના દર્દીને આપવામાં આવતા રેમડેસિવીર ઇન્જેક્શનના કાળા બજારી કરી ઊંચી કિંમતે વહેચવાના ગેરકાયદેસર કૃત્યમાં નવો ઘટસ્ફોટ થયો છે. બાંગ્લાદેશથી શબ્બીર અહેમદે રેમડેસિવીર ઈન્જેકશન ફલાઈટમાં ત્રિપુરાના અગરતલા એરપોર્ટ પર મોકલ્યા હતા. અગરતલાની હોટલ ઝિંઝરમાં શબ્બીર અહેમદના માણસે સંદીપ માથુકિયાને ઇન્જેક્શનની ડિલિવરી આપી હતી. સંદીપ આ ઈન્જેકશન લઈ અગરતલાથી ફલાઈટમાં અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યો હતો. ઇન્જેકશનનું રૂ.25 લાખનું પેમેન્ટ બોપલની પી.એમ.આંગડિયા પેઢી થકી મોકલવામાં આવ્યા હોવાનું ખુલ્યું છે.

ઔષધ નિરીક્ષક આશિષ બસેટાએ ક્રાઈમ બ્રાન્ચમાં રેમડેસિવીર ઇન્જેક્શનનો જથ્થો ગેરકાયદેસર રીતે આયાત કરી કોઈ પણ પ્રકારના બિલ વગર તેનું ઉંચા ભાવે વેચાણ કરવા બદલ બાંગ્લાદેશના શબ્બીર સહીત સાત લોકો વિરૂધ્ધ ફરિયાદ કરી છે. જેમા શબ્બીર અહેમદ ઉપરાંત મકરબાના સિદ્ધિવિનાયક બિઝનેસ ટાવરમાં નીલકંઠ Elixir પેઢીની ઓફીસના સંચાલકો પાર્થ બાબુલાલ ગોયાણી, તેની પત્ની વૈશાલી, મિત્ર શેખર રતિલાલ આદરોજા તમામ રહે બોપલ સિલ્વર સ્ટ્રોક એપાર્ટમેન્ટ, દર્શન સુરેશ સોની રહે શાશ્વત એપાર્ટમેન્ટ સનસીટી સાઉથ બોપલ, પેઢીના કમિશન એજન્ટ સંદીપ ચંદુભાઈ માથુકિયા રહે, પાર્થ ઇન્દ્રપ્રસ્થ ટાવર વસ્ત્રાપુર, યશ રાજેશ માથુકિયા રહે, પ્રગતિ પાર્ક સોસાયટી, કતારગામ, સુરત અને શબ્બીર અહેમદના નામ છે.

તપાસમાં ખૂલેલી વિગતો મુજબ આરોપીઓએ બાંગ્લાદેશની બેકસીમકો ફાર્મા કંપનીના રેમડેસિવીર ઇન્જેક્શન આયાતનું કોઈ પણ પ્રકારનું લાઈસન્સ ન હોવા છતાં આયાત કર્યા હતા. આરોપીઓએ ગત તા .7 જુલાઈના રોજ રૂ. 8.28 લાખના 69 ઇજેક્શનનો મંગાવ્યા જે રકમ બોપલના આમ્રપાલી મોલમાં આવેલી પી.એમ.આંગડિયા પેઢી થકી કોલકતા આંગડિયા પેઢીમાં શબ્બીરને મોકલી હતી. ગત તા. 12 જુલાઈના રોજ 16.80 લાખના 140 vial ઇન્જેક્શનો મંગાવ્યા હતા. જેનું પેમેન્ટ પણ પી.એમ. આંગડિયા પેઢીમાંથી કોલકત્તા આંગડિયા પેઢીમાં શબ્બીરને મોકલ્યું હતું.

આમ બાંગ્લાદેશના ઉત્પાદકતાની ખરાઈ કર્યા વગર ગેરકાયદે રીતે મંગાવેલા 209 રેમડેસિવીર ઇન્જેક્શનમાંથી આરોપીઓએ બિલ અને વેચાણની વિગતો રાખ્યા વગર 111 ઈન્જેકશન સુરત અને અમદાવાદમાં જુદા જુદા ડોકટર અને દર્દીના સગાને વેચી માર્યા હતા. આ રીતે ઉત્પાદકતાની ખરાઈ કર્યા વગર મંગાવેલા ઈન્જેકશન વેચી કોરોના દર્દીની જિંદગી આરોપીઓએ ભયમાં મૂકી હતી. પાર્થ ગોયાણીએ આ સીવાય અન્ય દવા પણ આયાત કર્યાનું ખુલ્યું છે.ક્રાઈમબ્રાન્ચે આ અંગે ગુનો દાખલ કરી આરોપીઓ સામે કાર્યવાહી કરી હતી. કેટલાસક આરોપીઓની પોલીસ દ્વારા પૂછપરછ શરૂ કરાઇ છે.

(1:36 pm IST)