Gujarati News

Gujarati News

News of Wednesday, 29th July 2020

આરટીઓ - નગર પાલીકા - મહાનગર પાલીકા - રૂડા હવે એસીબીની પ્રથમ પ્રાયોરીટી

લોકોને જે ખાતા સાથે કાયમી પનારો રહે છે તેવા ખાતાઓ વિરૂધ્ધની ફરીયાદોથી એસીબી વડા કેશવકુમાર ચોંકી ઉઠયા : ડીકોઇ ટ્રેપ (સામેથી છટકા) ગોઠવવાની ટ્રીક પર ભાર મુકાયોઃ કચ્છ-ભુજ-રાજકોટ શહેર જીલ્લામાં અમલવારી શરૂ

રાજકોટ, તા., ૨૯: લોકોને જે સરકારી 'ખાતાઓ' સાથે રોજબરોજનો પનારો રહે છે તે પૈકીના ચોક્કસ ખાતાઓમાં લાંચ વગર કોઇ કામો ભાગ્યે જ થતા હોવાની વ્યાપક ફરીયાદો ધ્યાને લઇ સીબીઆઇનું બેક ગ્રાઉન્ડ ધરાવતા રાજયના લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોના નિયામક કેશવકુમાર દ્વારા આવા ચોક્કસ ખાતાઓને નિશાને લેવાનો મહત્વનો નિર્ણય લઇ આવા વિભાગોમાં સામેથી છટકા (ડિકોઇ ટ્રેપ)  ગોઠવવા રાજયભરના યુનીટોને ખાનગીમાં સુચનાઓ આપી હોવાની ચર્ચાઓ  વિવિધ સરકારી ખાતાઓમાં ચાલી રહી છે.

મિલ્કતના દસ્તાવેજના દસ્તાવેજો રજીસ્ટર્ડ કરાવવા તથા નકલો આપવા માટે લેવાઇ રહેલી લાંચ સંદર્ભે ચોંકી ઉઠેલા એસીબી વડા કેશવકુમાર દ્વારા આવા વિભાગો ઉપર ચાંપતી નજર રાખવા સુચના આપ્યાની  બાબત જાણીતી છેે.

સુત્રોમાંથી સાંપડતા નિર્દેશ મુજબ એસીબીના નિશાને હવે આરટીઓ, નગર પાલીકાઓ, મહાનગર પાલીકાઓ, રૂડા સહીતના વિવિધ વિભાગો હોવાનું બહાર આવ્યું છે.

એસીબી વડાના મતે ડીકોઇ ટ્રેપ ખુબ જ મહત્વની હોય છે. લોકો તરફથી આવતી ફરીયાદ સંદર્ભે ગોઠવાતા છટકા કરતા ડીકોઇ ટ્રેપ ખુબ જ અગત્યની ગણાય છે. રાજકોટ એસીબીના મદદનીશ નિયામક હિમાંશુ દોશી તથા રાજકોટ ગ્રામ્યના પીઆઇ  આર.આર. સોલંકી તથા કચ્છ-ભુજ બોર્ડર રેન્જના કૃષ્ણકુમારસિંહ ગોહીલ દ્વારા થયેલી ડેકોઇ ટ્રેપની કામગીરીની નોંધ એસીબી હેડ કવાર્ટર સુધી લેવામાં આવી છે.

(12:08 pm IST)