Gujarati News

Gujarati News

News of Wednesday, 29th July 2020

કરોડોની રદ નોટોની ગણતરી પરોઢ સુધી ચાલીઃ બેંકમાંથી નોટો ગણવાના મશીન મંગાવાયા

એટીએસ-પંચમહાલ પોલીસનું સંયુકત ઓપરેશન સફળઃ ૪.૭૬ કરોડની રદ નોટો કોની? કોણે મોકલેલી ? તપાસનો ધમધમાટ : નોટોનો જથ્થો સુરક્ષીત રીતે પોલીસ મથકમાં ખસેડાયોઃ એસપી લીના પાટીલ-ડીવાયએસપી દેસાઇના માર્ગદર્શન હેઠળની એસઓજી ટીમ દ્વારા તપાસનો ધમધમાટ

રાજકોટ, તા., ૨૯: ગુજરાત એટીએસ અને પંચમહાલ એસઓજીના સંયુકત ઓપરેશનમાં ગોધરાના મેડ સર્કલથી ગરનાળા તરફ જતા રોડ પર ફારૂક ઇશાક છોટાની દુકાન પાસે ઉભેલી એક કારમાંથી રદ થયેલી ચલણી નોટોની રૂ. પ૦૦ અને ૧૦૦૦ના દરની કુલ ૪.૭૬ કરોડની નોટો કબ્જે કરી જુબેર ઇન્દ્રીશ હયાત અને ફારૂક ઇશાકની ધરપકડ કરવા સાથે ફરારી બનેલ સુલેમાનને શોધવા માટે પંચમહાલ એસઓજી ટીમ કાર્યરત બની હોવાનું ગોધરાના ડીવાયએસપી રમેશભાઇ દેસાઇએ અકિલા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.

જુની ચલણી નોટો ઝડપાયાના પગલે તુર્ત જ ગોધરા એસપી લીના પાટીલ તથા ડીવાયએસપી દેસાઇ સહીતનો કાફલો તુર્ત જ ઘટના સ્થળ પર દોડી ગયો હતો. અકિલા સાથેની વિશેષ વાતચીતમાં ડીવાયએસપી શ્રી દેસાઇએ જણાવેલ કે રદ થયેલ તમામ નોટોનો જથ્થો એસપી લીના પાટીલના આદેશ મુજબ સુરક્ષીત રીતે બી ડીવીઝન પોલીસ મથકમાં ખસેડવામાં આવ્યો હતો.

ખુબ જ મોટી રકમ હોવાથી આ નોટો ગણવા માટે બેંકમાંથી નોટો ગણવાના મશીન મંગાવવામાં આવ્યા હતા. જેની ગણતરી આજ પરોઢ સુધી ચાલી હતી. આ કાર્યવાહીમાં એસઓજી પીઆઇ કે.પી.જાડેજા ટીમે ખુબ જ મહત્વની ભુમીકા ભજવી હતી.

જુની ચલણી નોટો રદ થયાને લાંબો સમય થવા છતાં આવી ચલણી નોટો કયાંથી આવી? કોને મોકલી? તે દિશામાં એસઓજી દ્વારા તપાસનો ધમધમાટ ચાલી રહયો છે. તાજેતરમાં નવસારીમાં પણ આજ પ્રકારે રદ થયેલી ચલણી નોટો ઝડપાઇ હતી.

આવા પ્રકારે ઝડપાતી રદ થયેલી ચલણી નોટો એ બાબતની ચાડી ખાઇ છે કે નોટો રદ થઇ ત્યારે નોટબંધી સમયે ભલે જોઇએ તેટલી નોટો પરત ન આવી પરંતુ ગુજરાતના વિવિધ ક્ષેત્રના મોટા માથાઓ પાસે આ પ્રકારનું કાળુ નાણુ સંઘરાયેલુ છે. આ કાળુ નાણુ કોનુ છે? તે દિશામાં પણ અભિયાન હાથ ધરાનાર હોવાનું ટોચના સુત્રોએ અકિલા સાથેની વાતચીતમાં પોતાના નામો જાહેર ન કરવાની શરતે જણાવ્યું છે.

રાજકોટના પુર્વ અને હાલના ગોધરાના  ડીવાયએસપી રમેશભાઇ દેસાઇને ડીજીપી પ્રશંસા એવોર્ડ એનાયત

રાજકોટઃ રાજકોટ રૂરલમાં પ્રસંશનીય ફરજ બજાવી અનેક અટપટા ગુન્હાઓનો ભેદ ઉકેલી ઉપરી અધિકારીઓની તથા લોકોની ભારે પ્રસંશા મેળવનાર ગોધરા(પંચમહાલ)ના   ડીવાયએસપી રમેશભાઇ દેસાઇનો ડીજીપી  પ્રશંસા એવોર્ડમાં સમાવેશ કરી તેઓનું બહુમાન કરવામાં આવતા વિશાળ શુભેચ્છકો-મિત્રો દ્વારા રૂબરૂ તથા મોબાઇલ નં.૯૮રપ૦ પર૪૦૬ પર અભિનંદન વર્ષા થઇ રહી છે. શ્રી દેસાઇની ગણના રાજય પોલીસ તંત્રના કાર્યદક્ષ અને ફરજ નિષ્ઠ અધિકારીઓમાં થાય છે.

(12:07 pm IST)