Gujarati News

Gujarati News

News of Wednesday, 29th July 2020

સસ્તા અનાજની દુકાનના કર્મચારીનું કોરોનાથી મૃત્યુ થાય તો ૨૫ લાખ સહાય

મુખ્યમંત્રી રાહતનીધિમાંથી મદદ કરવા અંગે સુધારા પરિપત્ર પ્રસિધ્ધ

રાજકોટ તા. ૨૯ : રાજ્યમાં સસ્તા અનાજની દુકાન પરના કર્મચારીનું કોરોનાથી મૃત્યુ થાય તો વારસદારોને રૂ. ૨૫ લાખ ચૂકવવાની સરકારની જાહેરાત અંગે નાગરિક પુરવઠા વિભાગે ગઇકાલે નાયબ સચિવ નયના પટેલની સહીથી પરિપત્ર પ્રસિધ્ધ કર્યો છે.

નોવેલ કોરોના વાયરસના સંક્રમણના સંજોગોમાં આવશ્યક ચીજવસ્તુઓના વિતરણ માટેની સરકાર માન્ય વાજબી ભાવની દુકાનના દુકાનદારોને તેમજ વાજબી ભાવની દુકાન પર તોલાટ, ડેટા એન્ટ્રી ઓપરેટર અને સહાયક તરીકે કામગીરી બજાવતા સહાયકોને સેવાઓના ભાગરૂપે બજાવેલ ફરજો દરમિયાન સંક્રમણને કારણે થયેલ અવસાનના કિસ્સામાં તેઓના આશ્રિત કુટુંબને રૂ. ૨૫ લાખની સહાય મુખ્યમંત્રીશ્રીના રાહત નીધિમાંથી ચુકવવાનું નિયત કરવામાં આવેલ છે.

'આ સહાય અંગેની દરખાસ્ત આ વિભાગને મળ્યેથી દરખાસ્ત પરત્વે નાણા વિભાગના પરામર્શમાં જરૂરી હુકમો કરી, સહાયની રકમ આપવા અંગેની કામગીરી એક માસમાં પુર્ણ કરવાની રહેશે.' તેમ દર્શાવવામાં આવેલ છે તેને બદલે 'આ સહાય અંગેની દરખાસ્ત આ વિભાગને મળ્યેથી દરખાસ્ત પરત્વે નાણા વિભાગના પરામર્શમાં જરૂરી હુકમો કરી, સહાયની રકમનું ચૂકવણું કરવા અંગેની કાર્યવાહી મહેસુલ વિભાગે કરવાની રહેશે તેમજ આવી સહાય આપવા અંગેની કામગીરી એક માસમાં પૂર્ણ કરવાની રહેશે.' તે મુજબનો સુધારો બહાર પાડવામાં આવે છે. તેમ પરિપત્રમાં જણાવાયું છે.

(11:37 am IST)