Gujarati News

Gujarati News

News of Wednesday, 29th July 2020

રેમડેસીવીરના કાળા બજાર મામલે બાંગ્લાદેશી સહિત 7 વિરુદ્ધ ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાઈ

બાંગ્લાદેશના શબ્બીર પાસેથી અમદાવાદની નીલકંઠ Elixirના સંચાલક પતિ-પત્નીએ કોરોનાના ઈન્જેકશન ખરીદ્યા

અમદાવાદ: કોરોનાના ઈન્જેકશન રેમડેસીવીર(Remdesivir) બાંગ્લાદેશથી ગેરકાયદેસર રીતે આયાત કરી કોઈ પણ પ્રકારના બિલ વગર સોદા બાજી કરી તેના કાળા બજાર કરી ઉંચા ભાવે વેચવાના રેકેટ અંગે ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાઈ છે.સમગ્ર કૌભાંડમાં સંડોવાયેલા બાંગ્લાદેશી નાગરિક શબ્બીર, અમદાવાદની નીલકંઠ Elixirના સંચાલક પતિ-પત્ની સહિત 7 લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ છે.

ક્રાઈમ બ્રાન્ચમાં અમદાવાદ ઝોન-2ના ખોરાક અને ઔષધ નિયમન વિભાગના ઔષધ નિરિક્ષક આશીષ ભગવાન બસેટાએ 7 લોકો વિરુદ્ધ ફરિયાદ કરી છે. જેમાં વૈશાલી પાર્થ ગોયાની, પાર્થ બાબુલાલ ગોયાની, દર્શન સુરેશ સોની, શેખર રતિલાલ અદરોજા, સંદીપ ચંદુભાઈ માથુકીયા, યશ રાજેશ માથુકીયા અને બાંગ્લાદેશી નાગરિક શબ્બીરનો સમાવેશ થાય છે.

ઔષધ વિભાગના અધિકારીઓ કોરોના દર્દી માટે ઉપયોગમાં આવતાં Remdesivirનું કાળા બજારમાં ઉંચા ભાવે વેચાણની ફરિયાદ મળી હતી. જેના પગલે ઔષધ નિયમન કચેરીએ બોગસ ગ્રાહક ઉભો કરી સંદીપ માથુકિયાનો ટેલિફોનિક સંપર્ક કરી બે ઈન્જેકશન મંગાવ્યા હતા. જે ઈન્જેકશન આપવા સુરત કતારગામ-વેડ રોડ પેર આવેલા સંદીપના પિત્તરાઈ ભાઈ યશને ગ્રાહકે રૂ. 36000 હજાર ચૂકવતા તેને બે ઈન્જેકશન આપ્યા હતા. જેના આધારે અધિકારીઓએ યશને ઝડપી પૂછપરછ કરતા આરોપીએ તેના ભાઈ સંદીપની વિગતો આપી હતી.

યશ પાસેથી મળેલા ઇન્જેક્શનની બાંગ્લાદેશી ચલણમાં લખેલી કિંમત ચેકી નાંખી હતી. તેની પાસેથી બીજા Tocilizumab ઈન્જેકશન સ્વિઝરલેન્ડના મળી આવ્યા હતા. સંદીપ ઇન્જેક્શનો અમદાવાદના મકરબા ખાતે સિદ્ધિ વિનાયક બિઝનેસ ટાવરમાં આવેલી નીલકંઠ Elixir LLP પેઢીના સંચાલકો પાર્થ, તેની પત્ની વૈશાલી, પાર્થનો મિત્ર શેખર, દર્શન પાસેથી લેતો હતો.

આથી ઔષધ અધિકારીઓને સિદ્ધિ વિનાયક ટાવરની ઓફિસમાં પહોંચ્યા, ત્યારે પાર્થ સહિતના તમામ લોકો ત્યાં મળી આવ્યા હતા. આરોપીની ઓફિસમાંથી ઔષધ નિયમન અધિકારીઓને Remdesivir ઇન્જકેશનના બે જૂદા-જૂદા નંબરના બેચનો જથ્થો મળી આવ્યો હતો.

નીલકંઠ પેઢીના જવાબદાર વ્યક્તિ પાર્થએ જણાવ્યું હતું કે, આ જથ્થો તેને બાંગ્લાદેશી નાગરિક શબ્બીર પાસેથી ખરીદી કર્યો હતો. પાર્થની કંપની પાસે દવાઓના જથ્થા બંધ વેચાણ અંગેના 2020બી અને 2121બી પરવાના છે, પણ ખરીદ અંગેના કોઈપણ પ્રકારના ઈમ્પોર્ટ લાઈસન્સ ન હોવાનું ખુલ્યું છે. જેના પગલે આરોપીઓ વિરુદ્ધ ક્રાઈમ બ્રાન્ચમાં ગુનો નોંધી તપાસ હાથ ધરાઈ છે.

(11:14 am IST)