Gujarati News

Gujarati News

News of Wednesday, 29th July 2020

પેટ કરાવે વેઠ! નોકરી ન મળતા એન્જિનિયર યુવાનોએ કર્યું સમસ્યા સાથે સમાધાન : સીકયુરીટીમેનની નોકરી સ્વીકારી

નોકરીના અભાવે બેકાર રખડવા કરતા પરિવારને ટેકો કરવા એન્જિનિયરે સિકયુરિટી મેનની નોકરી સહર્ષ સ્વીકારી લીધી છે

 અમદાવાદ,તા.૨૯:એકતરફ મંદી અને બીજીતરફ કોરોનાના માહોલમાં યુવાનો બેરોજગાર બની રહ્યા છે. હદ તો ત્યારે થઈ કે એન્જિનિયરની ડિગ્રી હાથમાં હોવા છતાં નોકરી મળતી નથી. તેવામાં પસ્તીનો કાગળ બની ગયેલી ડિગ્રી કયારેક તો કોલ લેટર બનશે તેવા વિશ્વાસ  અને કયારેક તો નોકરી મળશે તેની આશમાં યુવાનો અન્ય વ્યવસાય સ્વીકારી સમસ્યા સાથે સમાધાન કરી લીધુ છે. 

 આનંદ નગર વિસ્તારમાં રહેતા મિતાંગ રાઠોડએ ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટીમાં બેચલર ઓફ ઓટો મોબાઈલ એન્જિનિયરિંગ કર્યું છે .તે વાતને એક વર્ષ થઈ ગયું છે પણ નોકરી નથી. નોકરીના અભાવે બેકાર રખડવા કરતા પરિવારને ટેકો કરવા સિકયુરિટી મેનની નોકરી સહર્ષ સ્વીકારી લીધી છે.

 જોકે, તે હિંમત હાર્યો નથી તે સ્પર્ધાત્મક પરીક્ષા માટે સખત મહેનત કરી રહ્યો છે તેને આશા છે કે, કયારેક તો એવી નોકરી મળશે જેનાથી તેનું એન્જિનિયરીંગ ભણેલું લેખે લાગે

 પરિવારની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાથી પિતાની જેમ મિતાંગએ પણ સિકયુરિટીની જોબ કરવાનું મુનાસીબ માની લીધું છે. પણ એન્જીનીયર દીકરાને નોકરી નહિ મળવાનું દર્દ તેની માતાના આંખના આંસુ બયાન કરી રહ્યા છે.

 માતા કહે છે કે, મને વિશ્વાસ છે કે, એક દિવસ તો મારા દીકરાની મહેનત રંગ લાવશે. એન્જિનિયર થવા છતાં નોકરી નથી એ વ્યથા માત્ર મિતાંગની નથી તેના જેવા કેટલાય યુવાનોની છે.

 એવો જ એક યુવાન છે, અવિનાશ પ્રજાપતિ. જે શહેરના છેવાડે આવેલા વટવાના રોપડા ગામમા રહે છે. અવિનાશએ પોતે BCA કર્યું છે છતાં જોઈએ તેવી નોકરી મળતી નથી. જોકે, મિતાંગની જેમ અવિનાશ એ પણ હિંમત હાર્યા કે નાસીપાસ થયા વગર ખુદનો વ્યવસાય કરવાનું પસંદ કર્યું.

 અવિનાશ હાલ સીસીટીવી કેમેરા ઈન્સ્ટોલેશનનું કામ કરે છે. તે પણ કહે છે કે, સરકાર તેના જેવા યુવાનો માટે અભ્યાસ સમક્ષ જોબ ક્રિએટ કરે તો જ બેરોજગાર યુવાનોની નોકરીની સમસ્યા હલ થશે. અવિનાશના પિતા રસિકભાઈ પ્રજાપતિ પોતે ઓછું ભણ્યા હોવા છતાં દીકરાઓને એન્જિનિયર બનાવ્યા. દેવું કરીને દીકરાઓ ને ભણાવ્યા. પણ હવે રસિકભાઈ બીમારીના લીધે રીટાયર્ડ છે. પણ પરિવારનું ગુજરાન ચલાવવા દીકરાઓને  યોગ્ય નોકરી પણ ઇચ્છી રહ્યા છે.

 બીજીતરફ તેને  ભણાવનારા શિક્ષક નિશિથ આચાર્ય પણ કહી રહ્યા છે કે, સરકારે આવા યુવાઓનું કંઈક કરવું જોઈએ. તો આ છે વ્યથા આજના શિક્ષિત યુવાનોની. અશિક્ષિત યુવાનો કે જેઓ પોતાનો અવાજ બુલંદ કરી ને રોજગારી તો માંગી શકે છે પણ આ સમસ્યા એવા યુવાનોની છે જેમની પાસે ડિગ્રી છે હુન્નર છે પણ નોકરી નથી. જેઓ અન્ય લોકોની જેમ બહાર આવીને સરકાર સામે બંડ તો પોકારી શકતા નથી પણ આવા યુવાનો એવી આશા સાથે જ જાત સાથે સમાધાન કરી લીધું છે કે, કયારેક તો કોઈ સરકારનો આત્મા જાગશે જે આવા ટેલેન્ટેડ યુવાનો માટે રોજગારી ઉભી કરશે.

(10:15 am IST)