Gujarati News

Gujarati News

News of Wednesday, 29th July 2020

એસીબીનો સપાટો :સરકારી યોજનાનાં કૌભાંડી 8 અધિકારી અને કર્મચારીની 19 કરોડની અપ્રમાણસર મિલકત મળી !

અધિકારીઓ પર સરકારની ખેત-સિમ તલાવડી-પાણી ટાંકા યોજનામાં કૌભાંડ!

અમદાવાદઃ ગુજરાત રાજ્ય જમીન વિકાસના 8 અધિકારી અને કર્મચારીઓની એન્ટી કરપ્શન બ્યુરોની ટીમે 19 કરોડની અપ્રમાણસર મિલકત શોધી કાઢી છે. ACBની ટીમનાં ઓપરેશનમાં નિવૃત્ત મદદનિશ નિયામક કૃષ્ણકુમાર ઉપાધ્યાયની 4 કરોડની અપ્રમાણસર મિલકત મળી હતી. તમામ અધિકારીઓએ સરકારની ખેત અને સિમ તલાવડી અને પાણી ટાંકા યોજનામાં કૌભાંડ આચર્યાનાં આક્ષેપ હતાં.

ગુજરાત રાજ્ય જમીન વિકાસ નિગમ દ્વારા રાજ્ય સરકારની વિવિધ યોજના પૈકી ખેત અને સિમ તલાવડી અને પાણી ટાંકા યોજનાનું કામ કરવામાં આવ્યું હતું. જેમાં ગેરરીતિ આચર્યાનું ખુલતાં ગુના દાખલ કરવામાં આવ્યાં હતાં. જેમાં સંડોવાયેલા 8 અધિકારી અને કર્મચારી વિરુદ્ધ અપ્રમાણસર મિલકત વસાવ્યા અંગે તપાસ કરવામાં આવતા તમામ અધિકારીઓની રૂ.18.64 કરોડની ગેરકાયદે રીતે એકત્ર કરેલી મિલકત મળી આવી હતી.

 

આ અધિકારીઓમાં જમીન વિકાસ નિગમનાં તાપી,વ્યારા નિવૃત મદદનીશ નિયામક કૃષ્ણકાંત ગોરેલાલ ઉપાધ્યાય (ઉં,59)ની વિરુદ્ધમાં સરકારની ખેત તલાવડી, સિમ તલાવડી અને પાણી ટાંકા બનાવવાની યોજનામાં ગેરરીતિ અંગે વર્ષ 2018ની સાલમાં 14 ગુના દાખલ થયા હતાં.

ACBની તપાસમાં કૃષ્ણકાંત, તેમનાં પરિવારના સભ્યોની બેન્ક ખાતા વિગતો, મિલકતના દસ્તાવેજી પુરાવા અને વિવિધ સરકારી યોજનાના દસ્તાવેજો અને નાણાંકીય વ્યવહારોનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. તપાસમાં કૃષ્ણકુમાર અને તેમના પરિવારની કાયદેસરની આવક રૂ. 4,88,50,183 અને જેની સામે તેઓએ કરેલ ખર્ચ,રોકાણ રૂ.9,50,36,030 નો સર્વરો મળ્યો હતો.

આમ, આરોપીએ આવક કરતા રોકાણ અને ખર્ચ રૂ 4,12,57,669ની અપ્રમાણસર સંપત્તિ વસાવ્યાનુ ખુલ્યું હતું. આમ કૃષ્ણકુમાર ઉપાધ્યાયે પોતાના હોદાનો દુરુપયોગ કરી ધનવાન થવા ગેરકાયદે રીતે આવક મેળવી પોતાના અને પરિવારના નામે રોકાણ કર્યાનું ખુલ્યું હોવાથી તેઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

(9:15 am IST)