Gujarati News

Gujarati News

News of Wednesday, 29th July 2020

જથ્થાબંધ કિંમતોમાં વધારો થતા ચાની ચુસ્કી મોંઘી પડશે

લોકડાઉન-આસામમાં પૂરના કારણે ભાવમાં વધારો : કોરોના મહામારીના કાળમાં મોંઘવારીએ માઝા મુકી છે ત્યારે જીવનજરૂરી ચાના ભાવ વધતા શહેરીજનોને ફટકો

અમદાવાદ, તા. ૨૮ગુજરાતીઓની સવાર ચાની ચુસ્કી સાથે થાય છે, પરંતુ હવે આજ ચાની ચુસ્કી માટે ગુજરાતીઓને વધારે કિંમત ચુકવવી પડશે. કોરોનાકાળમાં લોકડાઉન પગલે ચાના પાકને ભારે નુકશાન થયુ છે. જેથી ચાના ભાવમાં ૬૦ ટકા સુધી વધારો થવાની સંભાવના છે. માર્ચ-એપ્રિલ મહિનામાં ચાના પાકની સિઝન હોય છે પણ સમયગાળા દરમિયાન કોરોના મહામારીએ દસ્તક આપી છે. જેથી સમગ્ર દેશમાં લોકડાઉન અમલમાં મુકાયું હતું. જેની અસર ચાના ઉત્પાદન પર પણ પડી હતી. ઉપરાંત આસામમાં ભંયકર પૂર આવ્યુ છે. આમ આસામ પર કુદરતની બેવડી માર પડી છે. જેના લીધે વિશ્વમાં બીજા ક્રમના ચાના સૌથી વધુ ઉત્પાદક ભારતના ચાના ઉત્પાદનમાં ફટકો પડયો છે. જેના કારણે ચાના જથ્થાબંધ ભાવમાં ૬૦ ટકાનો વધારો નોંધાયો છે.

           જેની અસર ચાના રિટેલ ભાવમાં પડી છે અને ૨૦ ટકા વધારો થયો છે. તેના લીધે ચાની કીટલી પર મળતા ચાના કપમાં રૂા. ૨થી રૂા.૩નો વધારો થવાની શક્યતા છે. ગુજરાત ટી એસોસિયેશનના પ્રમુખે જણાવ્યું કે, "કોરોના મહામારી વકરવાને પગલે માર્ચ મહિનામાં લોકડાઉન અમલી બન્યા બાદ આસામના ચાના બગીચા બંધ થઈ ગયા હતા. ચાના બગીચામાં કોઈપણ ચાના પાંદડા ચૂંટવા અથવા કન્સાઈનમેન્ટ લેવા આવતા નહોતા. માસ્ક પહેરવા, સોશિયલ ડિસ્ટન્સિંગ, ચાના એસ્ટેટમાં રહેવાની ફરજ, સહિત કડક પગલાંને કારણે ચાના પત્તા ચૂંટવા માટે મોટાભાગે મહિલા સહિત કર્મચારીઓ મળતા નહોતા." ચાના વ્યવસાયીઓનું કહેવું છે કે, ગત વર્ષ ૨૦૧૯ની સરખામણીએ વખતે ૨૦૨૦માં ચાનું ઉત્પાદન લગભગ ૧૭૦ મિલિયન કિલો ઓછું થયું છે. રિટેઈલરોએ ચાના ભાવમાં ૧૫ થી ૪૦ ટકાનો વધારો કર્યો છે અને દુર્ગા પૂજાના તહેવાર પછી ચાના ભાવ વધે તેવી શક્યતા છે અને નવેમ્બરમાં જથ્થાબંધ ભાવ બમણા થવાની ધારણા છે. લોકડાઉન અને આસામમા પૂરના કારણે પ્રીમિયમ ટીનો વ્યવસાય સંપૂર્ણપણે ધોવાઈ ગયોછે.

(10:31 pm IST)