Gujarati News

Gujarati News

News of Wednesday, 29th July 2020

કોરોના કાળ વચ્ચે રોપડા ગામમાં ડિઝીટલ શિક્ષણ સાથે શિક્ષકો દ્વારા અભિનવ પ્રયોગ

ગામડી પે સેન્ટર શાળાનાં શિક્ષકોએ બનાવ્યું વોટ્સએપ ગ્રુપ: શનિ-રવિ પણ ચાલેલા કાર્યક્રમની લીંક મૂકી બાળકોનો અભ્યાસ

 

અમદાવાદઃ જિલ્લાનાં નાનકડા એવા રોપડા ગામમાં ડિઝીટલ શિક્ષણ અપાઇ રહ્યું છે. ભગવતીબેન આમ તો ઓછું ભણેલા છે પરંતુ 4 બાળકોને ઘરેથી ગૃહકાર્ય કરાવે છે. એટલું નહીં પડોશમાં રહેતા તેમના ભાઈનાં અને અન્ય પરિવારના 8 બાળકોને ઘરેથી ગૃહકાર્ય કરાવવાની જવાબદારી ભગવતીબેન રોપડાએ ઉપાડી લીધી છે. કોરોના મહામારી વચ્ચે પણ ગામમાં ઓનલાઇન ડિઝીટલ શિક્ષણ અપાઇ રહ્યું છે.

ગામનાં જાગૃત વાલીઓ પૈકીનાં એક છે કે જેઓ પોતાના બાળકોને સમયસર ઘરેથી અભ્યાસ સાથે સહાભ્યાસિક પ્રવૃતિઓ પણ કરાવે છે. બાળકોને વાચન લેખનની સાથે કેટલીક પ્રવૃત્તિઓ કરાવી તેઓ એક ઉત્તમ ઉદાહરણ રૂપી કાર્ય કરી રહ્યાં છે.

કોવિડ 19ની વિશ્વ મહામારીનાં કપરા સમયમાં વિશ્વને ઘણું વેઠવું પડ્યું છે. આમાં શિક્ષણ પર ઘણી અસર થઈ છે. અમદાવાદ જિલ્લા પંચાયત હસ્તકની શાળાઓ આવા કપરા સમયમાં પણ ખૂબ સુંદર કાર્ય કરી રહી છે.

શાળા બંધ છે પણ શિક્ષણ નહિ…’ નાં ધ્યેય સાથે ગામડી પે સેન્ટર શાળાનાં શિક્ષકોએ એક વોટ્સએપ ગ્રુપ બનાવ્યું છે. જેનાં દ્વારા બાળકોને કેવી રીતે કાર્ય કરવું તેનાં દરરોજ મેસેજ આપીને સમજાવવામાં આવે છે. કેટલાં બાળકો કયા માધ્યમ દ્વારા શિક્ષણ મેળવી રહ્યાં છે…? તે જાણવા ફોન કોલ પણ કરવામાં આવે છે. બાળકોને ઘેર-ઘેર જઈ હોમ લર્નિંગ સ્ટડી મટીરીયલ પૂરું પાડવાની સાથે સાથે પાઠ્યપુસ્તકો સાથે એકમ કસોટીની બુક પણ બાળક દીઠ પૂરી પડાઇ છે.

શાળાનાં આચાર્ય શ્રી નિશીથભાઈ કહે છે કે, “આજે ડિઝીટલ શિક્ષણની જરૂરિયાત ઉભી થઈ છે ત્યારે અમારી શાળાનાં શિક્ષકોએ નવતર પ્રયોગ કરી બાળકો અને વાલીઓને સહાયરૂપ બનવાનો પ્રયાસ કર્યો છે. દૂરદર્શન ડીડી ગિરનાર પરથી પ્રકાશિત થનાર શૈક્ષણિક કાર્યક્રમ નિહાળવા માટે બાળકોના વાલી સાથે સંપર્ક કરવામાં આવે છે અને વોટ્સએપ ગ્રુપમાં યુટ્યુબ લીંક પણ મોકલવામાં આવે છે.”

જો કોઈ બાળકો કોઈ કારણસર સળંગ અઠવાડિયા સુધી કાર્યક્રમ નિહાળી ના શકે તો શનિવાર અને રવિવારે અત્યાર સુધી ચાલેલા કાર્યક્રમની લીંક મૂકી બાળકોને અભ્યાસ કરાવાય છે. ત્યાર બાદ મૂલ્યાંકન માટે ગૂગલ ફોર્મ માધ્યમે બાળકોને એકમ અનુરૂપ પ્રશ્નો પૂછી મૂલ્યાંકન કરાય છે. બાળકો ડિજિટલ માધ્યમે હોમવર્ક પણ કરે છે.”

બાળકો ઘરે રહી નોટબુક કે ચોપડીમાં જે અભ્યાસ કરે છે તે કાર્યનો ફોટો પણ ગ્રુપમાં મંગાવી તેની ચકાસણી કરી બાળકોને માહિતગાર કરાય છે. બાળકો સાથે વિવિધ એપનાં માધ્યમ કે સોશિયલ મીડિયાના માધ્યમથી ઓનલાઇન શિક્ષણ સાથે કેટલીક વાતો જાણવા ઓનલાઇન શિક્ષણ પણ અપાઇ રહ્યું છે. જેમાં બાળકો જોડાઈને પોતાની રજૂઆત કરી શિક્ષણ પણ મેળવી રહ્યાં છે.

(10:32 pm IST)