Gujarati News

Gujarati News

News of Monday, 29th July 2019

સભ્ય વૃદ્ધિ હેઠળના કાર્યક્રમની હાથ ધરાયેલી વિસ્તૃત સમીક્ષા

શિવરાજસિંહ ચૌહાણે અને જીતુ વાઘાણી ઉપસ્થિત રહ્યા : હરિકૃષ્ણ એક્સ્પોર્ટની મુલાકાત લઇ ૫૦૦૦ કર્મચારીઓ સાથે વાતચીત : વૃક્ષારોપણ કાર્યક્રમનું કરાયેલું આયોજન

અમદાવાદ,તા.૨૯ : ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે કે, ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં આજરોજ સવારે સુરત શહેરના ''પંડિત દીનદયાળ ભવન'', ભાજપા કાર્યાલય ઉધના ખાતે સંગઠન પર્વ અંતર્ગત સદસ્યતા વૃધ્ધિ અભિયાનના અત્યાર સુધી થયેલ કાર્યક્રમોની સમિક્ષા તેમજ માર્ગદર્શન માટે દક્ષિણ અને મધ્ય ઝોનમાં આવતાં જીલ્લા/શહેરના અગ્રણીઓ તથા ભાજપા આગેવાનઓની સંયુક્ત બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુ દલસાણીયા, પ્રદેશ ઉપાધ્યક્ષ અને સંગઠન પર્વના ઇન્ચાર્જ ભાર્ગવભાઈ ભટ્ટ, પ્રદેશ મહામંત્રીઓ ભરતસિંહ પરમાર, કેસી પટેલ, શબ્દશરણભાઈ બ્રહ્મભટ્ટ, પ્રદેશ સંગઠન પર્વના સહ-ઇન્ચાર્જ રજનીભાઈ પટેલ, મંત્રી ગણપતસિંહ વસાવા સહિતના ભારતીય જનતા પાર્ટીના આગેવાનઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ બેઠકમાં ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ ભાજપાના સંગઠન પર્વના સદસ્યતા વૃધ્ધિ અભિયાન અંગે સૌને માર્ગદર્શન આપ્યુ હતુ. તે પૂર્વે સવારે સુરતના હજીરા સ્થિત ઇચ્છાપોર ખાતે સંગઠન પર્વના રાષ્ટ્રીય સંયોજક અને મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ તથા ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ  શ્રી હરિકૃષ્ણ એક્ષ્પોર્ટની મુલાકાત લઇ ૫૦૦૦ થી વધુ યુવા કર્મચારીઓ સાથે ''સદસ્યતા વૃધ્ધિ અભિયાન'' અંતર્ગત માર્ગદર્શન આપી વાર્તાલાપ કર્યો હતો તથા સૌ યુવા કર્મચારીઓને ભાજપાના વિકાસવાદી અને રાષ્ટ્રવાદી વિચારધારા સાથે જોડી ભાજપાના સદસ્ય બનાવ્યા હતા. ત્યારબાદ ''પર્યાવરણ બચાવો પૃથ્વી બચાવો'' માટે ચાલી રહેલા વૃક્ષારોપણ અભિયાન અંતર્ગત સૌએ સાથે મળીને વૃક્ષારોપણ કર્યું હતું.

(9:28 pm IST)