Gujarati News

Gujarati News

News of Monday, 29th July 2019

દક્ષિણ, ઉત્તર ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદ

રાજ્યના ૧૯૮ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાઈ ગયો : બનાસકાંઠાના વાવમાં ૧૦ ઇંચ સુધીનો વરસાદ પડ્યો : વલસાડના કપરાડામાં કલાકોમાં જ સાડા ચાર ઇંચ : પારડી, સાપુતારા ખાતે ૩ ઇંચથી વધુ વરસાદ

અમદાવાદ,તા.૨૯ : ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના જુદા જુદા ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાના કારણે મોટાભાગના વિસ્તારો જળબંબાકાર થઇ ગયા છે. ઉત્તર ગુજરાત અને ખાસ કરીને બનાસકાંઠામાં સૌથી ભારે વરસાદ થયો છે. બનાસકાંઠાના વાવ તાલુકામાં ૧૦ ઇંચ સુધીનો વરસાદ ખાબકી ગયો છે. બીજી બાજુ સુરત, ડાંગ, વલસાડમાં પણ જુદા જુદા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થતાં જનજીવન ખોરવાઈ ગયું છે. તમામ જગ્યાઓ ઉપર પાણી ભરાઈ ગયા છે. સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારમાં પણ છેલ્લા ૨૪ કલાક દરમિયાન વરસાદ થયો છે.

          બીજી બાજુ છેલ્લા ૨૪ કલાક દરમિયાન વાવમાં ૧૦ ઇંચ સુધીનો વરસાદ નોંધાઈ ગયો છે. રાજ્યના વલસાડ જિલ્લાના કપરાડામાં આજે કલાકોના ગાળામાં જ પાંચ ઇંચ સુધીનો વરસાદ ખાબકી ગયો હતો. ભારે વરસાદના કારણે વલસાડ જિલ્લામાં મધુવન ડેમની સપાટીમાં વધારો થતાં આઠ દરવાજા ખોલવામાં આવ્યા છે. આજે સવારથી જ વલસાડ અને ડાંગ જિલ્લામાં ધોધમાર વરસાદ થઇ રહ્યો છે. વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે સાડા ચાર ઇંચથી વધુ વરસાદ થયો છે. પારડીમાં સાડા ત્રણ ઇંચથી વધુ અને વલસાડમાં બે ઇંચ સુધીનો વરસાદ થયો છે. સાપુતારામાં પણ બે ઇંચથી વધુ વરસાદ નોંધાઈ ગયો છે. વલસાડમાં એનડીઆરએફની ટીમો તૈનાત કરવામાં આવી છે. ઓલપાડમાં પણ એનડીઆરએફની ટીમ તૈનાત છે. છેલ્લા ૨૪ કલાકમાં આંકડાની વાત કરવામાં આવે તો તમામ જગ્યાઓએ ઉલ્લેખનીયરીતે વરસાદ થયો છે. રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદી માહોલ રહ્યો છે.

             કુલ ૧૯૮ તાલુકામાં ઉલ્લેખનીય વરસાદ થયો છે જે પૈકી ૬૩ તાલુકાઓમાં એક ઇંચ, ૨૧ તાલુકાઓમાં બે ઇંચ જ્યારે ૧૧ તાલુકાઓમાં ત્રણ ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે. ચોટીલા, રાજકોટ, ભરુચ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ થયો છે. રાજયમાં છેલ્લા ચોવીસ કલાકમાં દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના મોટાભાગના જિલ્લાઓ- તાલુકાઓમાં ધોધમાર વરસાદ જોવા મળ્યો છે. છેલ્લા ચોવીસ કલાક દરમિયાન બનાસકાંઠા જિલ્લાનાં વાવ તાલુકામાં ૨૩૦ મીમી એટલે કે સવા નવ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. રાજ્યના ૩૩ જિલ્લાઓના ૧૬૮ તાલુકાઓમાં વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.

             રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તારીખ ૨૯ જુલાઇ ૨૦૧૯ના રોજ સવારે છ કલાકે પુરા થતાં ૨૪ કલાક દરમિયાન ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના થરાદમાં ૧૭૧ મીમી એટલે સાત ઇંચ અને દિયોદર તાલુકામાં ચાર ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. સુરતના ઉમરપાડામાં ૯૬ મીમી, વલસાડના કપરાડામાં ૮૧ મીમી, ડાંગમાં ૭૯ મીમી, સાબરકાંઠાના હિંમતનગરમાં ૬૩ મીમી અને ભરૂચના નેત્રાંગમાં ૫૧ મીમી એટલે કે બે ઇંચથી વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે. બનાસકાંઠા જિલ્લાના લાખણીમાં ૪૫ મીમી, તાપીના સોનગઢમાં ૪૨ મીમી, કચ્છના ભચાઉમાં ૩૯ મીમી, સાબરકાંઠાના પોસીનામાં ૩૬ મીમી, બનાસકાંઠાના ભાભરમાં ૩૫ મીમી અને કાંકરેજમાં ૩૪ મીમી, ડાંગના વઘઇમાં ૩૧ મીમી, જૂનાગઢના કેશોદ અને નર્મદાના તિલકવાડામાં ૩૦ મીમી, અરવલ્લીના મેઘરજ, ભરૂચના વાલીયા અને નમર્દાના ગરૂડેશ્વરમાં ૨૯ મીમી, અંકલેશ્વરમાં ૨૮, વિજાપુર, કવાંટ અને ઉચ્છલમાં ૨૭, સુરત શહેરમાં ૨૬, ઇડર અને ડેડીયાપાડામાં ૨૪ મીમી એમ મળી કુલ ૧૮ તાલુકાઓમાં એક ઇંચથી વધુ અને બે ઇંચથી ઓછો વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.

રાજ્યના ૨૮ તાલકાઓમાં અડધા ઇંચથી એક ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે જેમાં દાહોદ, સાગબારા, વાલોદ, સતલાસણા, ધરમપુર, સૂઇગામ, લીમખેડા, બારડોલી, વડગામ, ખેરાલુ, માંડવી(સુરત), વંથલી, હાંસોટ, કામરેજ, બોડેલી, માંગરોળ, ખેરગામ, વાંકાનેર, વિસાવદર, વ્યારા, ચોટીલા, જાંબુઘોડા, વાગરા, ડિસા, જામનગર, ભેંસાણ, ખાંભા, નડિયાદ અને ઝગડિયા તાલુકાનો સમાવેશ થાય છે. જ્યારે રાજ્યના ૧૧૦ તાલુકાઓમાં અડધા ઇંચથી ઓછો વરસાદ વરસ્યો હોવાનો સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા જણાવવામાં આવ્યું છે.

ક્યાં કેટલો વરસાદ.....

અમદાવાદ, તા. ૨૯ : રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ થયો છે. ૨૪ કલાકમાં ક્યા કેેટલો વરસાદ થયો તે નીચે મુજબ છે.

સ્થળ........................................... વરસાદ (ઇંચમાં)

વાવ................................................................ ૧૦

થરાદ................................................................ ૭

દિયોદર............................................................. ૪

ઉંમરપાડા.......................................................... ૪

કપરાડા............................................................. ૪

ડાંગ.................................................................. ૩

હિંમતનગર........................................................ ૨

નેત્રાંગ............................................................... ૨

આહવા.................................................... ૩થી વધુ

સુબીર................................................................ ૪

સાપુતારા........................................................... ૪

સોનગઠ.................................................. ૨થી વધુ

કલાકોમાં જળબંબાકાર

અમદાવાદ, તા. ૨૯ : ગુજરાતના અનેક વિસ્તારોમાં આજે કલાકોના ગાળામાં જ ભારે વરસાદ થતાં ચારેબાજુ પાણી ભરાઈ ગયા હતા. સવારે છ વાગ્યાથી લઇને મોડી સાંજ સુધીમાં ચારેબાજુ જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી. ક્યાં સૌથી વધુ વરસાદ થયો તે નીચે મુજબ છે.

સ્થળ........................................... વરસાદ (ઇંચમાં)

ધરમપુર........................................................ ૪.૬

પારડી.............................................. ૩ ઇંચથી વધુ

વલસાડ............................................................. ૨

વાપી................................................................. ૨

આહવા......................................... એક ઇંચથી વધુ

વધઈ........................................... એક ઇંચથી વધુ

સાપુતારા……………………………………………………૩

(8:21 pm IST)