Gujarati News

Gujarati News

News of Monday, 29th July 2019

નીતિનભાઈ પટેલના નિવેદનનો વિવાદ ગરમાયો ;માફી માંગે નહિ તો ગામમાં પ્રવેશબંધી કરશું ;આવેદન આપ્યું

ક્ષત્રિય દરબાર અને ઠાકોર સમાજના સંગઠનો દ્વારા મહેસાણા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું

મહેસાણા : વિધાનસભામાં પ્રશ્નોત્તરીકાળ દરમિયાન સિંહોના રક્ષણ મામલે પ્રશ્નો પુછાઈ રહ્યા હતા. આ દરમિયાન ઠાકોર અને ક્ષત્રિયની કોમેન્ટ કરી નિતીન પટેલે ભેદરેખા ઉભી કરતા વિવાદ વધતો જાય છે. ક્ષત્રિય દરબાર અને ઠાકોર સમાજના સંગઠનો દ્વારા મહેસાણા કલેકટરને આવેદનપત્ર પાઠવી ચીમકી ઉચ્ચારી હતી. જેમાં સમાજની ટિપ્પણી સામે નિતીન પટેલ માફી માંગે નહિ તો ગામમાં પ્રવેશબંધી કરવાની તૈયારી દર્શાવી છે

      નીતિનભાઈ પટેલે વિધાનસભામાં કોંગ્રેસના ભરતસિંહ સોલંકીનું નામ લઈ ક્ષત્રિય અને ઠાકોર સમાજની ભેદરેખા અંગે સવાલ ઉભો કર્યો હતો. આગેવાનના નામ પાછળ સિંહ લાગતું હોવાથી તેઓ ક્ષત્રિય છે કે ઠાકોર છે તેવો સવાલ ઉભો કરી પડકાર ફેંકતા સામાજીક નારાજગી ઉભી થઈ છે. સમગ્ર મામલે ક્ષત્રિય ઠાકોર અને દરબાર સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડયા છે. સોમવારે સમાજના વિવિધ યુવાનોએ ભેગા થઇ મહેસાણા કલેકટર કચેરી દોડી ગયા હતા

   યુવા ક્ષત્રિય સેના-ગુજરાત, ક્ષત્રિય ઠાકોર સમાજ-મહેસાણા અને કરણી સેના ઘ્વારા વહીવટી તંત્ર મારફત નિતીન પટેલને માફી માંગવા જણાવ્યુ છે. આવેદનપત્રમાં નિતીન પટેલના અગાઉના નિવેદનો ટાંકી સમાજનું અપમાન કરતા હોવાનો ઉલ્લેખ કર્યો છે. જેમાં સાંબરકાંઠા જિલ્લામાં બનેલ ઢુંઢર પ્રકરણમાં ક્ષત્રિય ઠાકોર સમાજને નાયબ મુખ્યમંત્રીએ અસામાજીક તત્વો કહીને સમાજનું અપમાન કરેલ હતું. જેથી જ્યાં જ્યાં ક્ષત્રિય ઠાકોર સમાજની વાત આવે છે ત્યાં હરહંમેશ નિતિનભાઇ પટેલનો વ્યવહાર વ્યક્તિગત શત્રુતા હોય તેવો જણાય છે.

  ક્ષત્રિય ઠાકોર સમાજ ઉપર કરેલ ટીપ્પણી અંગે નાયબ મુખ્યમંત્રી નિતિનભાઇ પટેલ માફી નહી માંગે તો સમગ્ર ક્ષત્રિય સમાજ નિતિનભાઇ પટેલના દરેક કાર્યક્રમનો વિરોધ કરશે અને ગામમાં પ્રવેશબંધી જાહેર કરવામાં આવશે. જો માફી નહિ માંગે તો સમગ્ર ક્ષત્રિય સમાજ ગાંધીચીધ્યા માર્ગે વિરોધ કાર્યક્રમો કરવાની ફરજ પડશે તેવી ચીમકી ઉચ્ચારી છે.

(8:48 pm IST)