Gujarati News

Gujarati News

News of Monday, 29th July 2019

ગળતેશ્વર તાલુકા નજીક બાઈક સ્લીપ થતા સર્જાયેલ અકસ્માતમાં મહિલાનું મોત: ચાલકને ગંભીર ઇજા

ગળતેશ્વર: તાલુકાના થર્મલ ચોકડીથી નર્મદા કેનાલ રોડ પર વરસાદને કારણે માટી ફેલાઈ છે. જેને કારણે માર્ગ પર અક્સ્માતો થઈ રહ્યાં છે. બાલાસિનોરમાં રહેતો એક પરિવાર માર્ગ પરથી મોટર સાયકલ લઈ પસાર થતો હતો. તે વખતે માર્ગ પરથી માટીને કારણે બાઈકનું ટાયર રેલાતા ચાલકે સ્ટેયરીંગ પરનો કાબુ ગુમાવતા બાઈક પલ્ટી ખાઈ ગયું હતું. અક્સ્માતમાં બાઈક ચાલકનો પુત્ર ઈજાગ્રસ્ત બન્યો હતો. જ્યારે પત્નિનું મોત નિપજ્યું હતું

અંગે મળતી માહિતી મુજબ બાલાસિનોર જીઆઈડીસીમાં રહેતાં દિલીપભાઈ નટુભાઈ નાયક ગત શનિવારના રોજ પત્ની ચંપાબેન અને પુત્ર રિયાનને લઈ નદીસર ખાતે આવેલ પત્નિના પિયરમાં ગયા હતાં. જ્યાં ચંપાબેને પિયરીયાઓ સાથે આખો દિવસ વિતાવ્યા બાદ મોડી સાંજે નાયક પરિવાર બાલાસિનોર જવા પરત ફર્યા હતા. પતિ-પત્નિ અને પુત્ર બાઈક નં. જીજે-૧૭ એપી-૦૩૪૮ પર સવાર થઈ રાત્રિના નવ વાગ્યાના અરસામાં ગળતેશ્વર તાલુકાના થર્મલ ચોકડીથી નર્મદા કેનાલ રોડ પર સાંગોળ નજીકથી પસાર થઈ રહ્યાં હતા. તે વખતે માર્ગ પર ફેલાયેલી માટીને કારણે બાઈક ચાલક દિલીપભાઈએ સ્ટેયરીંગ પરનો કાબુ ગુમાવતા બાઈક સ્લીપ ખાઈ ગયું હતું. જેથી બાઈક પર પાછળ બેઠેલા દિલીપભાઈના પત્નિ ચંપાબેન અને પુત્ર રિયાન બાઈક પરથી ફંગોળાઈ જમીન પર પટકાતાં ઈજાગ્રસ્ત બન્યા હતા. ચંપાબેનને માથાના ભાગમાં ગંભીર ઈજાઓ થઈ હોવાથી ૧૦૮ એમ્બ્યુલન્સની મદદથી તેઓને તાત્કાલિક બાલાસિનોર સરકારી દવાખાનામાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ચંપાબેન દિલીપભાઈ નાયકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. બનાવ અંગે સેવાલિયા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી

(6:43 pm IST)