Gujarati News

Gujarati News

News of Monday, 29th July 2019

ડાંગ જિલ્લામાં એક સપ્તાહથી સતત વરસતા વરસાદના કારણે સૌંદર્ય સોળે કળાએ ખીલ્યુઃ ગીરા ધોધ રમણીય માહોલ વચ્ચે જીવંત થયો

ડાંગ :ગુજરાતમાં ચોમાસુ બેસી ગયું છે, અને વરસાદને કારણે ગુજરાતના કેટલાક સ્થળો ખુશનુમા માહોલમાં ખીલી ઉઠ્યા છે. જંગલ, ધોધ, પર્વતો પરના માહોલ સોહામણા થઈ જાય છે. આવામાં લોકોની ભીડ આ નજારો માણવા ઉમટી પડે છે. આ લિસ્ટમાં ગુજરાતના અનેક સ્થળોનું નામ છે. જ્યાં મોન્સૂન ટુરિઝમ જોવા મળે છે.

ડાંગ જિલ્લામાં છેલ્લા એક સપ્તાહથી સતત વરસતા વરસાદને પગલે સૌંદર્ય સોળે કળાએ ખીલ્યું છે. પ્રાકૃતિક સૌંદર્યને માણવા પ્રવાસીઓ દૂર દૂરથી આવી રહ્યા છે. બીજી તરફ ડાંગમાં પ્રવાસન વિભાગ દ્વારા મોન્સૂન ફેસ્ટિવલની તૈયારી થઇ પણ થઈ રહી છે. ડાંગમાં વરસતા વરસાદને પગલે જિલ્લાની બધી નદીઓ જીવંત થઈ ગઈ છે. અંબિકા, પૂર્ણાં, ગીરા અને ખાપરી બે કાંઠે વહેવા લાગે છે. જેને કારણે અનેક વોટરફોલ સક્રિય બને છે. આવામાં ડાંગનો પ્રખ્યાત ગીરા ધોધ રમણીય માહોલ વચ્ચે જીવંત થયો છે. તેના ધસમસતા નીર જોવાનો લ્હાવો જ કંઈક અલગ છે. તેથી જ તે ગુજરાતના ફેમસ વોટરફોલમાંનો એક ગણાય છે.

વઘઇ નજીક ગીરા ધોધ અને ઝરણા જોવા લોકો દૂરદૂરથી ડાંગ જિલ્લાની મુલાકાત લઈ રહ્યા છે. અને સાથે અનેક સ્થળોની મુલાકત લઇ લોકો કુદરતી સૌંદર્ય માણી રહ્યા છે. ત્યારે ડાંગના વઘઈ ખાતે આવેલ ગીરાધોધનું આહલાદક દ્રશ્ય ડ્રોન દ્વારા કેદ કરાયુ હતું. આ આકાશી નજારામાં જોઈ શકાય છે કે, લીલીછમ વનરાજી વચ્ચેથી કેવી રીતે ગીરા ધોધ વહી રહ્યો છે.

ડાંગનો વધુ એક ધોધ ચોમાસામાં રમણીય બની જતો હોય છે. સુબિરના સિંગાણા ગામે આવેલ ગિરમાળ ધોધ હાલ રૌદ્ર સ્વરૂપમાં જોવા મળ્યો છે. જોકે, તેનું રૌદ્ર સ્વરૂપ પણ આંખોને ટાઢક આપે તેવા દ્રશ્યો સર્જે છે. ગિરિમાળ ધોધ ગુજરાતના સૌથી મોટા ધોધ તરીકે જાણીતો છે. ગિરમાળ ધોધના આહલાદક દ્રશ્ય જોવા પ્રવાસીઓ ઉમટ્યા છે.

(5:14 pm IST)