Gujarati News

Gujarati News

News of Monday, 29th July 2019

મહિસાગર જિલ્લાના આદિવાસી વિસ્‍તારોમાં મેઘરાજાને રીઝવવા પરંપરાગત ધાડ પાડવાની પ્રથાની ઉજવણી

મહીસાગર :મહીસાગર જિલ્લામાં મેઘરાજાના રિષામણા પૂરા થતા જ નથી. જેને કારણે ખેડૂતો મુશ્કેલીમાં મૂકાઈ ગયા છે. પોતાનો મહામૂલો પાક બચાવવા માટે ખેડૂતો ચિંતામાં મૂકાયા છે. ત્યારે મહીસાગરના સ્થાનિક લોકો હાલ મેઘરાજાને રિઝવવાના પ્રયાસો કરી રહ્યાં છે. પોતાની પરંપરાગત રીતથી તેમણે મેઘરાજાને મનાવ્યા હતા.

મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના ઉત્તર ભાગમાં આવેલ જાંબુનાળા, રેલવા, પછેત સહિતના વિસ્તારો આદિવાસી વિસ્તારો છે. આદિવાસીઓમાં મેઘરાજાને મનાવવાની ખાસ પરંપરા હોય છે, જેને ધાડ પાડવી કહેવાય છે. આ ગામોની આદિવાસી મહિલાઓ દ્વારા મેઘરાજાને મનાવવા પ્રાચીન કાળથી ધાડ પાડવાની પ્રથા ચાલે છે. તે આજે ઉજવવામાં આવી હતી, જેના દ્વારા વરસાદને બોલાવવામાં આવે છે.

શું છે આ પ્રથા

આ પ્રથા મુજબ મહિલાઓ પુરુષોનો વેષ ધારણ કરે છે. હાથમાં તીર-કામઠાં, ધારીયા, લાકડી, દાતરડા જેવા ઓજારો લઈને આદિવાસી લોકગીતો અને ભજનો લલકારતી મહિલાઓ મહાકાળી મંદિરે જઈને પૂજા અર્ચના કરે છે. પરંપરા મુજબ વરુણદેવને રીઝવવા માટેના પ્રયાસો કરવામાં આવે છે. આ મહિલાઓ માનતા રાખી ધાડપાડુ બની ગામમાં નીકળે છે, ત્યારે સામે કોઈ પણ માણસ મળે તો તેની પાછળ પડી તેને ભગાડી મૂકવામાં આવે છે. અને જે માણસો જોરજોરથી સામે આવી જાય તો તેની પાસેથી દંડ પેટે ધાડ પાડી રૂપિયાની ઉઘરાણી કરવામાં આવે છે. પુરુષો પાસેથી જે રૂપિયા મળે તેનાથી માનતા પૂરી કરવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં આ વર્ષે વરસાદ પાછો ઠેલાતા અનેક લોકોએ પરંપરાનો રસ્તો અપનાવ્યો હતો. મેઘરાજાને મનાવવા અને વરસાદ લાવવા માટે વિવિધ પ્રયાસો હાથ ધરાયા હતા.

(5:12 pm IST)