Gujarati News

Gujarati News

News of Monday, 29th July 2019

હિન્દુ જાગરણ મંચની બે મહિલા ઉપર હુમલો : અરબાઝની ચુંગાલમાંથી છોડાવેલ કિશોરીનું કાઉન્સીલીંગ કરતી હતી

વડોદરા, તા. ૨૯ : વડોદરાથી ફિઝિયોથેરાપીની સગીર વિદ્યાર્થિનીનું અપહરણ કરીને ભાગી જનાર ઝાલોદના અરબાઝ મહેબુબ પઠાણની ફતેગંજ પોલીસે દિલ્હી, નિઝામુદ્દિન રેલવે સ્ટેશન નજીકથી ધરપકડ કરી હતી અને વિદ્યાર્થિની સાથે અરબાઝને વડોદરા પરત લાવી છે. આ મામલે ગત રાત્રે હિન્દુ જાગરણ મંચની બે મહિલા સભ્યો યુવતીનું કાઉંન્સલિંગ કરવા પોલીસ સ્ટેશન ગઇ હતી અને ત્યાંથી પરત ફરી રહી હતી ત્યારે તેના પર બાઇક પર આવેલા બે યુવકોએ હુમલો કર્યો હોવાનો બનાવ બન્યો છે. આ ઘટનાને પગલે વડોદરાના હિન્દુ સંગઠનોમાં ભારે રોષ ભભૂકી ઉઠયો છે.

અરબાઝ પઠાણ અને સગીરાને કાલે દિલ્હીથી વડોદરા લવાયા હતા. તેમને ફતેગંજ પોલીસ સ્ટેશનમાં રખાયા હતા ત્યારે ગઈકાલે શનિવારે રાત્રે હિન્દુ જાગરણ મંચની મહિલા સભ્યો મેદ્યા પુરોહિત (ઉ.૩૫) અને સુષ્મા સોલંકી (ઉ.૨૯) કિશોરી અને તેના પરિવારજનોને હિમ્મત આપવા માટે અને કિશોરીનુ કાઉંન્સલિંગ કરવા માટે ફતેંગેજ પોલીસ સ્ટેશન પહોંચી હતી. જયાં કિશોરી સાથે વાત કર્યા બાદ મેઘા અને સુષ્મા મોપેડ પર પરત ફરી રહ્યા હતા. મેઘા મોપેડ ચલાવતી હતી અને સુષ્માં પાછળ બેઠી હતી.

તેઓ આશરે ૧૦.૫૦ વાગ્યાના અરસામાં ફતેગંજ પોલીસ સ્ટેશનથી નીકળ્યા બાદ પોલીસ સ્ટેશનથી ૫૦૦ મીટર દૂર શાસ્ત્રી બ્રિજ પહેલા પાછળથી બાઇક પર આવેલા બે યુવકોએ તેમના પર હુમલો કરી દીધો હતો. પહેલા તો મોપેડ ચલાવતી મેદ્યાના મોઢા પર પંચ માર્યો હતો તે પછી લાત મારતા મોપેડ બેકાબુ બન્યુ હતુ અને બન્ને યુવતીઓ મોપેડ પરથી પટકાઇ હતી. જે બાદ બન્ને યુવકોએ લાતો મારી હતી અને પછી સુષ્માના પર્સને આંચકીને જતા રહ્યા હતાં જેમાં રોકડ રકમ અને બે આઇ ફોન હતા. બન્ને યુવતીઓને ગંભીર ઇજાઓ થઇ છે અને હાલમાં એસએસજી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. બાઇકમાં પાછળ બેઠેલા યુવકને મૂછ નહતી પણ દાઢી હતી

પોલીસ સ્ટેશનથી નીકળ્યા ત્યારથી જ કોઇ પીછો કરતું હતું, ઘટનાને લૂંટમાં ખપાવવા માટે પર્સ ખેંચી ગયા

એસએસજી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ મેઘા પુરોહિત અને સુષ્માં સોલંકી સાથે વાત કરતા તેમણે ઘટનાનું વર્ણન કર્યુ હતું કે અમે પોલીસ સ્ટેશનથી નીકળ્યા ત્યારથી જ અમને એવુ લાગી રહ્યું હતું કે કોઇ અમારો પીછો કરી રહ્યું છે. અમે હજુ તો પોલીસ સ્ટેશનથી માંડ ૫૦૦ મીટર દુર પહોંચ્યા હતા તેવામાં પાછળથી આવતી બાઇક અમારી નજીક આવી ગઇ હતી.

મેઘા પુરોહિત કહે છે કે અમે કશુ વિચારીએ તે પહેલા તો બાઇક પર પાછળ બેઠેલા યુવકે મારા માથામાં ફેંટ મારી હતી જેથી મોપેડનું બેલેન્સ બગડયુ હતુ. હું મોપેડને હજુ તો બેલેન્સ કરૂ તે પહેલા તો તેણે બે ત્રણ લાતો મારી દીધી હતી એટલે અમે બન્ને પડી ગયા હતા. તે પછી બન્ને યુવકોએ લાતોથી મારીને સુષ્માં પાસેનું પર્સ ઝુંટવી ભાગી ગયા હતા. સુષ્માં સોલંકીએ કહ્યું હતું કે બાઇક પર આવેલા બન્ને યુવકો ૩૦ થી ૩૫ વર્ષના હતા પાછળ બેઠેલા યુવકને દાઢી હતી પરંતુ મૂછ નહતી. અમને એવી શંકા છે કે પ્લાન સાથે જ અમારા પર હુમલો કરાયો છે. વડોદરામાં આ પ્રકારની ઘટના બને તે આઘાતજનક છે

(4:30 pm IST)