Gujarati News

Gujarati News

News of Monday, 29th July 2019

અ-ધ-ધ સંપત્તિ ધરાવતા હરેરામસિંઘ ભૂતકાળમાં રેકડીવાળા પાસે લાંચ લેતા ઝડપાયેલા

સુરતના તક્ષશિલા અગ્નિકાંડમાં ભ્રષ્ટાચાર કરનાર બીજા ઇજનેર પણ એસીબીની ઝપટેઃ ભ્રષ્ટાચારીઓની બેનામી સંપત્તિ શોધવા રાજયવ્યાપી અભિયાનઃ કેશવકુમાર : નવા કાયદા મુજબ સુવો મોટો લઇ એસીબી દ્વારા એન્જીનીયર વી.કે.પરમાર સામે કાર્યવાહી બાદ ધરપકડ સુધીના પગલા લેવાયા

રાજકોટ, તા., ૨૯: સમગ્ર ગુજરાતમાં ચકચાર જગાવનાર સુરતના તક્ષશીલા અગ્નિકાંડ કે જેમાં રર જેટલા માસુમ બાળકોના બિલ્ડીંગ પરથી કુદી પડવા તથા  આગથી બળી જવાથી કરૂણ મૃત્યુ નિપજેલ  તેવા આ મામલામાં મોટી રકમના તોડ કરી પરવાનગી આપવામાં સુરતના એન્જીનીયર  હરેરામસિંઘ સામે ક્રાઇમ બ્રાન્ચે જવાબદારી ફિકસ કર્યા બાદ આ મામલામાં થયેલ ભ્રષ્ટાચાર સંદર્ભે એસીબીએ નવા કાયદા મુજબ ગુન્હો દાખલ કરી તપાસ કરતા જુનીયર એન્જીનીયર હરેરામસિંઘની મિલ્કત તેની આવક કરતા ૪૭.૮૮ ટકા જેવી વધુ જણાતા એસીબી વડા કેશવકુમારની સુચના મુજબ એસીબી સુરત દ્વારા ધરપકડ કરી લેવામાં આવી છે.

અત્રે યાદ રહે કે આ ચકચારી મામલામાં  એસીબી વડા કેશવકુમાર દ્વારા સુવો મોટો  કોગ્નીઝન્સ લઇ ડે.એન્જીનીયર વિનુભાઇ કરશનભાઇ પરમાર સામે પણ અપ્રમાણસરની મિલ્કતની તપાસ કરતા તેમની મિલ્કત પણ અધધ હોવાનું એસીબી તપાસમાં જણાતા તેઓની સામે પણ એસીબીના મદદનીશ એન.ડી. ચૌહાણ દ્વારા તપાસ હાથ ધરવામાં આવેલ છે.

એસીબી સુત્રોમાંથી સાંપડતા નિર્દેશ મુજબ સુરત મ્યુ. કોર્પોરેશનના તત્કાલીન એન્જીનીયર હરેરામસિંઘની પ્રોપર્ટીની વેલ્યુ હાલ કરોડો રૂપીયામાં છે. સરથાણામાં ૩ ફલેટ, ઉધનામાં ર દુકાનો, પલસાણમાં એક પ્લોટ, એક ફોરવ્હીલર, ૩ ટુ વ્હીલર, એલઆઇસીમાં રોકાણ, બેંક બેેલેન્સ અને સોનાના ઘરેણા મળ્યા હતો. ઉકત અધિકારીએ ર૦૦૪થી પ્રોપર્ટીઓ વસાવવાનું શરૂ કરી દીધેલ.

એસીબી સુત્રોમાંથી સાંપડતા નિર્દેશ મુજબ આરોપી જુનીયર એન્જીનીયર હરેરામસિંઘ ર૦૦રમાં પણ લીંબાયત ઝોનમાં જગ્યા રોકાણ ખાતામાં ફરજ બજાવતા હતા તે સમયે રેકડીવાળાઓ પાસેથી ર૦૦૦ની લાંચ લેતા તેઓ ઝડપાયા હતા. તે સમયે પણ સસ્પેન્ડ થયેલ. હાલ પણ આ કેસ કોર્ટમાં ચાલે છે.

ઉકત બાબતે એસીબી વડા કેશવકુમારનો સંપર્ક સાધતા તેઓએ અકિલા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ગુજરાતભરમાં ચોક્કસ ભ્રષ્ટ અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા જે બેનામી સંપતીઓ છે તે સંપતીઓને શોધવા માટે વિશેષ ટીમો રચવા સાથે કેટલાક પ્રોપર્ટી દલાલો તથા રજીસ્ટ્રી કચેરી વિ.માં તપાસ ચાલી રહી છે. તેઓએ લોકોને પણ અપીલ કરતા જણાવ્યું છે કે કોઇ અધિકારી કે કર્મચારીઓ પાસે અપ્રમાણસર મિલ્કતો સ્થાવર કે જંગમ હોવાની સચોટ માહીતી હોય તો એસીબી કચેરીના ટોલ ફ્રી નંબર ૧૦૬૪, વોટસએપ નં. ૯૦૯૯૯ ૧૧૦પપ પર મોકલી આપી અત્રે રૂબરૂ પણ સંપર્ક કરવા તથા સીડી અને પેન ડ્રાઇવ દ્વારા માહીતી મોકલી આપવા પણ ભારપુર્વક અપીલ કરી છે. (૪.૧૦)

(12:53 pm IST)