Gujarati News

Gujarati News

News of Monday, 29th July 2019

ચરસ-બ્રાઉન સુગર અને ગાંજાનો જથ્થો ઠલવાતા તંત્ર દ્વારા ખાસ અભિયાન

ગુજરાતમાં ગેરકાયદે ઘુસતા શરાબ પર કડક કાયદાઓ દ્વારા નિયંત્રણ કરવા માટે ઝઝુમતા તંત્ર માટે નવો પડકાર ઉભો થયોઃ અમદાવાદ એસઓજી ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી ડો.હર્ષદ પટેલની ટીમે ચરસનો મોટો જથ્થો ઝડપ્યો, માંડવીમાં ૧ કરોડનું બ્રાઉન સુગર એટીએસે કબ્જે કર્યુઃ વડોદરામાં પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોત દ્વારા ભાવી પેઢીને નશાની ગર્તામાં ધકેલાતી રોકવા યુરોપથી ખાસ કીટ મંગાવી પડી, આ બધુ ગુજરાતમાં હવે નશીલા પદાર્થોના સોદાગરો સક્રિય થયાની ચાડી ખાઇ રહી છે

રાજકોટ, તા., ૨૯: ગુજરાતમાં ગેરકાયદેસર રીતે ઘુસાડાતા કરોડો રૂપીયાના  ભારતીય બનાવટના ઇંગ્લીશ દારૂને રોકવા માટે રાજય સરકાર દ્વારા કડક કાયદાઓ અને રાજયના પોલીસ વડા શિવાનંદ ઝા દ્વારા જેમના વિસ્તારમાંથી ગેરકાયદે શરાબ અન્ય એજન્સી ઝડપે ત્યારે કસુરવાનોને ઘેર બેસાડવાના પગલે થોડુ નિયંત્રણ આવ્યું પરંતુ હવે ગુજરાતના પોલીસ તંત્ર સામે ગુજરાતમાં નશીલા પદાર્થો ઘુસાડવાનું જોરશોરથી શરૂ થયું છે તેને રોકવા માટે ખાસ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.

ઉકત અભિયાનના ભાગરૂપે અમદાવાદના પોલીસ કમિશ્નર એ.કે.સિંઘ તથા ઇન્ચાર્જ જોઇન્ટ પોલીસ કમિશ્નર ક્રાઇમ બ્રાન્ચ જે.આર.મોથલીયા તથા એસઓજી ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી ડો.હર્ષદ પટેલના માર્ગદર્શનમાં એસઓજીની ટીમે એક કિલો  ૭પ૦ ગ્રામ ચરસનો જથ્થો ઝડપી લઇ અમદાવાદ સહિત ગુજરાતમાં ચરસનું નેટવર્ક ચલાવતા એજન્ટો અંગે ડો.હર્ષદ પટેલે ખાસ અભિયાન શરૂ કર્યુ છે.

ચરસ સાથે ઝડપાયલ શખ્સનંુ નામ રાજન દંતાણી (દેવીપુજક) છે તેના કબ્જામાંથી આ માલ મળી આવતા તેની ધરપકડ કરી  પીએસઆઇ વી.વી.ત્રિવેદી, બી.એમ.પટેલ વિ. એ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

દરમિયાન માંડવી નજીકથી પણ એક કરોડની કિંમતનું બ્રાઉન સુગર એટીએસ દ્વારા ઝડપવામાં આવેલ છે. દેવભુમી દ્વારકાના નાયબ પોલીસ અધિક્ષક મીલાપ પટેલને મળેલી બાતમીના આધારે આખી કાર્યવાહી કરવામાં આવી હતી. સુત્રોમાંથી સાંપડતા નિર્દેશ મુજબ દ્વારકામાંથી ઝડપાયેલ એક શખ્સની ધરપકડ આધારે કચ્છ-માંડવીનું કનેકશન મળ્યું હતું.

એ વાત જાણીતી છે કે વડોદરાના શિક્ષણ વિદ્યાલયો નજીક યુવા પેઢીને નશાની ગર્તામાં ધકેલવા માટે કેફી પદાર્થોનું વેચાણ કરનારાઓને ઝડપી લીધા બાદ આવા વિદ્યાર્થીઓને આવા વ્યસનોથી મુકત રાખવા માટે વડોદરાના પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતે યુરોપથી ખાસ કીટ મંગાવી છે. વડોદરા પોલીસની આ કાર્યવાહીની નોંધ કેરળ હાઇકોર્ટે લઇ કેરળ સરકારને વડોદરા પોલીસ જેવી કાર્યવાહી કરવા સુચવ્યું છે.

(12:53 pm IST)