Gujarati News

Gujarati News

News of Monday, 29th July 2019

ગુજરાતનો કુલ સરેરાશ વરસાદ ૩૩.૯૦ ટકાઃ ૪૦ તાલુકાઓમાં ૫ ઈંચથી ઓછો

૧૦૭ તાલુકાઓમાં ૫ થી ૧૦ ઈંચઃ ૧૩ તાલુકાઓમાં માત્ર અડધા ઈંચની અંદર વરસાદઃ વાવમાં આજે સવારે વધુ અડધો ઈંચ

રાજકોટ, તા. ૨૯ :. ગુજરાતમાં તા. ૨૮થી ૩૦ ભારે વરસાદની આગાહીના પગલે તંત્ર એલર્ટ છે. મોસમમાં સૌથી ઓછો વરસાદ મેળવનાર ઉત્તર ગુજરાતમાં ગઈકાલથી મેઘસવારી આવી છે. બનાસકાંઠા જિલ્લાના વાવમાં અનરાધાર વરસ્યા બાદ આજે સવારે વધુ અડધો ઈંચ વરસાદ થયો છે. રાજ્યમાં મોસમના કુલ સરેરાશ વરસાદ પૈકી આજ સવાર સુધીમા ૨૭૬.૫૯ મી.મી. એટલે કે સરેરાશ ૧૧ ઈંચ જેટલો વરસાદ થયો છે. તે ટકાવારીની દ્રષ્ટિએ ૩૩.૯૦ ટકા ગણાય છે. જો કે હજુ મેઘરાજાએ એકેય વિસ્તારમાં જરૂર જેટલી મહેરબાની કરી નથી.

૧૩ તાલુકાઓ એવા છે જ્યાં અત્યાર સુધીમાં ૨ ઈંચ સુધીનો વરસાદ થયો છે. ૪૦ તાલુકાઓમાં ૨ થી ૫ ઈંચ વરસાદ થયો છે. ૫ થી ૧૦ ઈંચ વરસાદ ધરાવતા તાલુકાઓની સંખ્યા ૧૦૭ છે. ૯ તાલુકાઓમાં ૪૦ ઈંચ આસપાસ વરસાદ પડી ગયો છે.

આજે સવારે ૬ થી ૮ વચ્ચે ધરમપુરમાં પોણો ઈંચ, બનાસકાંઠાના ભાભરમાં અડધો ઈંચ વરસાદ પડયો છે. વિરમગામ, તાલાળા, ધ્રોલ, સાવરકુંડલા, રાજુલા, વધઈ, વલસાડ વગેરેમાં ઝાપટા પડયા છે. મોરબી, ગણદેવી, સમી, અમદાવાદ શહેર, જોડીયા, સુબીર, નવસારી વગેરેમાં આજે સવારે વરસાદે માત્ર છાંટાથી હાજરી પુરાવી છે. વરસાદ આ વર્ષે મોડો છે છતા પીવાના પાણીની દ્રષ્ટિએ રાહતરૂપ છે. હજુ બે દિવસ ભારે વરસાદની આગાહી આશાના કિરણરૂપ છે.

(12:14 pm IST)