Gujarati News

Gujarati News

News of Monday, 29th July 2019

ગાંધીનગરના શિવપુરા કંમ્પાના ત્રણ ગામોની મુલાકાત સૂક્ષ્મ સિંચાઈથી મેળવેલ પાકને નિહાળતા મુખ્યમંત્રી

સામુહિક ખેતીની આ પહેલ રાજ્યના અન્ય કિસાનો માટે પ્રેરણાદાયી બનશે

ગાંધીનગર : મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી રાજ્ય વિધાનસભાનું સત્ર પૂરું થયાના બીજા જ દિવસે કૃષિકારો પ્રત્યેની પોતાની સહજ સંવેદના પ્રગટ કરતા રવિવારે સવારે ગાંધીનગર નજીકના શિવપૂરા કમ્પા ગામે પહોંચ્યા હતા.

  ગાંધીનગર જિલ્લાના મહૂન્દ્રા હલીસા, ઘણપ અને શિવપૂરા કમ્પાના ૫૯ ખેડૂત પરિવારોએ ૧૫૦ હેક્ટર વિસ્તારમાં સામૂહિક ખેતીનો અભિનવ પ્રયોગ કર્યો છે.   આ પરિવારો ૧૦૦ ટકા સૂક્ષ્મ પિયત અને ટપક પદ્ધતિ અપનાવીને ખેતી કરે છે એટલું જ નહિ મગફળી અને બટાકાના પાક ઉપરાંત હવે ખારેકની ખેતી પણ કરતા થયા છે.
  મુખ્યમંત્રીએ આ પરિવારોની મુલાકાત લઇને તેમના સામૂહિક ખેતી પ્રયોગને બિરદાવ્યો હતો. ખેડૂત અગ્રણી શાંતિભાઈએ મુખ્યમંત્રીને વિગતો આપતા જણાવ્યું કે, મગફળી-બટાકાના પાકમાં વેલ્યુએડિશન અને સો ટકા કોન્ટ્રાક્ટ ફાર્મિંગથી તેમને બધાને બહુધા લાભ થયો છે.  બટાકાની વેફર્સ અને અન્ય ઉત્પાદનો પણ તેઓ વેચે છે.
    શ્રી વિજયભાઈ રૂપાણી સસ્ટેનેબલ એગ્રીકલ્ચર પ્રોજેક્ટ અન્વયે ક્રોપ પ્રોટક્શનનો પાયલોટ પ્રોજેક્ટ આ કિસાનોએ અપનાવીને  પેસ્ટિસાઈડ્ઝના  ખાલી કન્ટેનર્સ એકત્ર કરી
તે પુનઃવપરાશ માટે સંબંધિતોને આપી દેવાનો જે રાહ અપનાવ્યો છે તેનાથી પણ પ્રભાવિત થયા હતા.

  મુખ્યમંત્રીએ આ સામુહિક ખેત પદ્ધતિનું પ્રત્યક્ષ રસપૂર્વક નિરીક્ષણ કર્યા બાદ ખેડૂત પરિવારોને પ્રેરણા આપતા કહ્યું કે શિવપુરા કમ્પાનો આ સામૂહિક ખેતી પ્રયોગ રાજ્યના અન્ય વિસ્તારોના ખેડૂતો પણ અપનાવે તે જરૂરી છે.
  તેમણે અહીં સો ટકા સૂક્ષ્મ પિયત પદ્ધતિએ થઈ રહેલી ખેતી માટે અભિનંદન પાઠવતા ઉમેર્યુ કે, હવે વરસાદની અનિયમિતતાના  વાતાવરણમાં ઓછા પાણીએ મહત્તમ ખેતી માટે ટપક અને સૂક્ષ્મ પિયત શ્રેષ્ઠ વિકલ્પ છે. 
   મુખ્યમંત્રીએ ઈઝરાયલના પોતાના પ્રવાસ દરમિયાન મેળવેલી વિગતો વર્ણવતા કહ્યું કે, ઈઝરાયેલમાં પાણીની તીવ્ર અછત વચ્ચે પણ સ્પ્રીન્કલર પદ્ધતિ અને ખારા  પાણીને મીઠા બનાવી તેનો પીવામાં સિંચાઇમાં ઉપયોગ કરી ઈઝરાયેલ કૃષિ ક્રાંતિનું ઉદીપક બન્યું છે. શ્રી વિજયભાઈ રૂપાણીએ આ પદ્ધતિઓનો વિનિયોગ રાજ્યના કિસાનોના   વ્યાપક હિતમાં કરવાની રાજ્ય સરકારની પ્રતિબધ્ધતા પણ વ્યક્ત કરી હતી.તેમણે રાજ્ય માં જેટલા ડિસેલીનેશન પ્લાન્ટસ સ્થાપી દરિયા ના ખારા પાણી મીઠા કરવાના પ્રોજેક્ટ્સ  ની વિગતો પણ આપી હતી.
મુખ્યમંત્રીશ્રીના ગ્રામજનો સાથેના સંવાદ અને કૃષિકારોની મુલાકાત દરમિયાન ધારાસભ્ય શંભુજી ઠાકોર, કૃષિના અધિક મુખ્ય સચિવ સંજય પ્રસાદ, ખેતી નિયામક  ભરત ભાઈ મોદી, જીલ્લા સમાહર્તા લાંગા, DDOશ્રી તથા અન્ય અધિકારીઓ  ઉપસ્થિત રહ્યાં હતા

(8:23 pm IST)