Gujarati News

Gujarati News

News of Monday, 29th July 2019

પોલીસ કર્મીઓ ગણવેશમાં વીડિયો બનાવશે તો કાયદેસર કાર્યવાહીઃ થરાદ ડી.વાય.એસ.પી.ની તાકિદ

બનાસકાંઠાઃ સોશ્યલ મીડિયામાં પોલિસ કર્મીઓના વાયરલ થઈ રહેલા વીડિયો મામલે બનાસકાંઠાના થરાદમાં પોલીસ અધિક્ષકે કડક વલણ અપનાવ્યું છે. અને એક પરિપત્ર જાહેર કરી કોઈપણ પોલીસ કર્મીએ ગણવેશ માં કોઈ વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ કર્યો તો તેની સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું છે.
છેલ્લા કેટલાક સમયથી પોલીસકર્મીઓ સોશિયલ મીડિયા પર ખુબ જ છવાયેલા રહે છે. એમાં પણ ખાસ કરીને મહેસાણામાં મહિલા પોલીસ કર્મી નો વીડિયો ટિકટોક પર વાયરલ થતા પોલીસ ઓફિસરોમાં જાણે એક્ટિંગનો ક્રેઝ જોવા મળી રહ્યો છે.
બનાસકાંઠાના થરાદમાં નાયબ પોલીસ અધિક્ષક અજિત રાજ્યાણે પરિપત્ર જાહેર કર્યો છે. અને જાહેર કરેલા પરિપત્રમાં કોઈપણ પોલીસ કર્મચારીએ ગણવેશમાં ટિકટોક માં અન્ય કોઈ પણ પ્રકારના ગણવેશમાં વીડિયો બનાવવા નહીં તેવો આદેશ કરાયો છે.

તેમજ આ પ્રકારે વીડિયો બનાવી વાયરલ કરનાર પોલીસ કર્મચારી સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. જો કોઈ પોલીસ કર્મી કોઈ મનોરંજનમાં ખાસ રસ કે પ્રતિભા ધરાવતા હોય તો તેમને પોલીસ ઇન્સ્પેક્ટરને જાણ કરવી જેથી પ્રતિભા ધરાવતા કર્મચારીઓને યોગ્ય કાર્યક્રમોમાં તક આપવામાં આવશે તેમ જણાવ્યું છે, ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી ગુજરાતી માં ટિકટોક પર વીડિયો વાયરલ કરનાર ત્રણ પોલિસ કર્મચારીઓને સસ્પેન્ડ કરાયા છે.

(11:20 pm IST)