Gujarati News

Gujarati News

News of Monday, 29th July 2019

સુરત અગ્નિકાંડની તપાસ દરમિયાન એ.સી.બી.એ જુનિયર ઇજનેર હરેરામસિંહની ૪ર લાખની બેનામીમીલ્કત ઝડપીઃ ઇજનેરની ધરપકડ

સુરત તક્ષશિલા અગ્નિકાંડના દોષી એવા પાલિકાના અધિકારીઓની બેનામી મિલકતની તપાસ કરનાર ACBએ વધુ એક અધિકારીને આવક કરતા વધુ મિલકત હોવાના મામલે ધરપકડ કરી છે.જુનિયર ઈજનેર હરેરામ સિંહની 42.62 લાખની બેનામી મિલકતનો ચોંકાવનારો ખુલાસો થયો ઉપરાંત ફરજ પર બેદરકારી મામલે હરેરામને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. એટલું જ નહીં અગાઉ 2 હજારની લાંચ મામલે આજ એન્ટી કરપ્શનના છટકામાં પણ ઝડપાઇ ચુક્યો છે.(કિર્તેશ પટેલ, સુરત)

સુરત મહાનગર પાલિકાના વધુ એક કર્મચારીની આવક કરતા વધારે સંપત્તિ મળી આવતા સુરત લાંચ રૂશ્વત શાખામાં ફરિયાદ નોંધી ધરપકડ કરવામાં આવી છે. આ વખતે ફરી પાલિકાના જુનિયર ઈજનેર હરેરામ સિંહ સામે ગુનો નોંધાયો છે. ACBની તપાસમાં બહાર આવ્યું છે કે હરેરામ સિંહની કાયદેસરની આવક કરતા 47.88 ટકા મિલકત અપ્રમાણસર છે.

અગાઉ હરેરામસિંહ સામે વર્ષ 2012માં પણ લાંચ લેવા અંગેનો ગુનો નોધાઈ ચુક્યો છે. હાલ સુરત લાંચ રૂશ્વત શાખા દ્વારા તક્ષશિલા અગ્નિકાંડના દોષીત અધિકારીઓની સંપત્તિની તપાસ કરવામાં આવી રહી છે. ACBએ અગાઉ પાલિકાના ડેપ્યુટી ઈજનેર વિનુ પરમાર પર આવક કરતા વધુ 1 કરોડની મિલકત હોવા મામલે ધરપકડ કરી હતી અને હવે આ મામલે વધુ એકની ધરપકડ કરવામાં આવી છે.

તક્ષશિલા અગ્નિકાંડ પહેલા એક ઓનલાઈન ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જેમાં તક્ષશિલામાં ગેરકાયદેસર બાંધકામ અને તેનાથી થતી ટ્રાફિક સમસ્યા અંગે ફરિયાદ કરવામાં આવી હતી, પરંતુ આરોપી જુનિયર ઈજનેર હરેરામસિંહે 'necessary action will be taken' ની જાણ ફરિયાદીને ઓનલાઈન કરી હતી સાથે ગેરકાયદેસર બાંધકામનો ઉલ્લેખ હોવા છતાં હરેરામે આ ફરિયાદ સંબધિત ઝોન કચેરીના શહેર વિકાસ ખાતામાં ફરજ બજાવતાં અધિકારીઓને ટ્રાન્સફર કરી ન હતી. જે મોટી બેદરકારી હતી. આ માટે આરોપીને સસ્પેન્ડ પણ કરાયો છે.

હાલ સુરત એસીબી દ્વારા આરોપી હરેરામસિંહની ધરપકડ કરી સુરત કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવા અંગેની તજવીજ શરૂ કરવામાં આવી છે. આરોપી વિરુદ્ધ અન્ય મિલકત સંબંધી તપાસ પણ સુરત એસીબી કરે તેવી શકયતા છે.

જો કે સુરત એસીબીની કાર્યવાહી બાદ મનપા અધિકારીઓમાં સોપો પડી ગયો છે. ખાસ કરીને તક્ષશિલા અગ્નિકાંડ કેસ સાથે જોડાયેલ જવાબદાર અધિકારીઓમાં પણ હવે રીતસરનો ફફડાટ વ્યાપી ગયો છે. ત્યારે આગામી દિવસોમાં અન્ય અધિકારીઓ સામે સુરત એસીબી તપાસનો ગાળ્યો ફિટ કરે તો નવાઇ નહીં.

(11:22 pm IST)