Gujarati News

Gujarati News

News of Monday, 29th July 2019

શાહીબાગ : લક્ઝરી બસની અડફેટે બાઇકચાલકનું મોત

દાદાના મોતનું અન્યને કહેવા જતા પૌત્રને અકસ્માત : માર્ગ અકસ્માતમાં ઘાયલ થયેલા અન્ય યુવકને સિવિલમાં ખસેડાયો : નમસ્તે સર્કલ પાસે સપ્તાહમાં બીજો અકસ્માત

અમદાવાદ, તા.૨૮ : શહેરના શાહીબાગ પાસેના નમસ્તે સર્કલ નજીક લકઝરી બસ દ્વારા એક બાઈકને અડફેટે લેવાતાં સર્જાયેલા ગંભીર અકસ્માતમાં બાઇક પર સવાર પૈકીના એક યુવકનું કરૂણ મોત નીપજયુ હતું. અકસ્માતને પગલે ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા. રોષે ભરાયેલા આસપાસના લોકોએ લકઝરી બસના કાચ તોડ્યા હતા. યુવકના મોતને લઇ સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટીની લાગણી પ્રસરી ગઇ હતી. આઘાતજનક વાત તો એ છે કે,

            બાઇક પર જઇ રહેલો આ યુવક તેના જ દાદાનું આઠ વાગ્યે મોત નીપજયુ હોવાના સમાચાર અન્ય સંબંધીને કહેવા જતો હતો તે દરમ્યાન જ આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો અને તેનું પણ કરૂણ મોત નીપજયુ હતું. યુવકના મોતને લઇ પરિવારજનોમાં બમણો વજ્રાઘાત વાગ્યો હતો અને પરિવારમાં શોકનો માતમ પથરાઇ ગયો હતો. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, ૨૧ વર્ષીય શુભમ પિયુશભાઈ ભુનીયા (રાવત) ૮ વાગ્યે તેના દાદાનું મોત થતા અન્ય સંબંધીઓને કહેવા જતો હતો ત્યારે શાહીબાગના નમસ્તે સર્કલ પાસે આરજે ૨૦ પીએ ૯૪૫૭ નંબરની લકઝરી બસે તેને અડફેટે લેતા તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું.

           દાદાની પાછળ પૌત્રનું પણ આકસ્મિક મોત નીપજતાં સમગ્ર પરિવારમાં ભારે શોકનો માતમ પથરાઇ ગયો હતો. બીજીબાજુ, ઘટનાસ્થળે ઉમટેલા લોકોએ રોષે ભરાઇને લક્ઝરી બસના કાચ તોડી તોડફોડ મચાવી હતી. બીજીબાજુ, અકસ્માતમાં ઘવાયેલા અન્ય યુવકને સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસે ઘટનાસ્થળે જઈને તપાસ હાથ ધરી હતી. લોકોએ આરોપ લગાવ્યો હતો કે, અકસ્માત સર્જનાર બસનો ડ્રાઈવર દારૂના નશામાં ચૂર હતો. તેથી પોલીસે તે દિશામાં પણ તપાસનો દોર આગળ ધપાવ્યો છે.

        ઉલ્લેખનીય છે કે, ગત સપ્તાહે જ શાહીબાગના નમસ્તે સર્કલ પાસે ધોરણ-૧૧ની વિદ્યાર્થીનું ટ્રક નીચે કચડાઇ જવાથી કરૂણ મોત નીપજયુ હતું. ત્યારબાદ આ બીજો અકસ્માત સર્જાયો, જેમાં યુવકનું મોત નીપજયું છે, સ્થાનિક લોકોએ આ મુદ્દે પોલીસ, તંત્રને યોગ્ય પગલાં લેવા માંગ ઉઠાવી હતી.

(8:48 am IST)