Gujarati News

Gujarati News

News of Monday, 29th July 2019

ગુજરાત આયુર્વેદિક યુનિ.ની ચૂંટણીમાં રસાકસી રહી શકે

ભાજપ સામે ભાજપ સમર્થિત જૂથ રહેતા રોમાંચ : ડોકટર સેલે ઉમેદવારો જાહેર કર્યા બાદથી ભાજપના એક જૂથે પણ ઉમેદવાર ઉતારતાં સ્થાનિક રાજકારણ ગરમાયુ

અમદાવાદ, તા.૨૮ : ગુજરાત આયુર્વેદિક યુનિવર્સિટીની ચૂંટણીમાં ભાજપ વિરૂધ્ધ ભાજપ સમર્થિત જૂથના જ ઉમેદવારો મેદાનમાં ઉતારાતાં હવે સ્થાનિક રાજકારણ ગરમાયું છે. ભાજપ ડોક્ટર્સ સેલ દ્વારા ઉમેદવારોના નામ જાહેર કર્યા બાદ ભાજપના એક જૂથ દ્વારા પણ ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે. આયુર્વેદ બોર્ડના ચેરમેને દાવો કર્યો હતો કે આ મામલે ભાજપ મોવડી મંડળ શિસ્તભંગનાં પગલાં લેશે. એક તરફ દેશભરમાં ભારતીય જનતા પાર્ટી વધુને વધુ કાર્યકરોને પક્ષમાં જોડવા માટે કમ્પેઈન ચલાવી રહી છે. જ્યારે બીજી તરફ અલગ અલગ પક્ષના કાર્યકરો અને નેતાઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે. ત્યારે ભાજપમાં આંતરિક વિખવાદ ખુલીને બહાર આવ્યો છે. ગુજરાત આયુર્વેદિક યુનિવર્સિટીની સેનેટ ચૂંટણીમાં આજે મતદાન થઇ રહ્યું છે.

          જેમાં ભારતીય જનતા પાર્ટીએ ૧૩ ઉમેદવારોની યાદી ડોક્ટર્સ સેલ દ્વારા તા.૧૬મી જૂલાઇના રોજ જાહેર કરવામાં આવી હતી. જો કે, તેની સામે ડો. કમલેશ રાજગોરે પણ ભારતીય જનતા પાર્ટીના સમર્પિત ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરી મતદારોને મત આપવા અપીલ કરી હતી, જેને લઇને આંતરિક કલહ સપાટી પર આવ્યો હતો. રાજ્યભરમાં વિવિધ જગ્યાએ ૨૨ જેટલા મતદાન મથકો પર આજે આયુર્વેદ સેનેટની ચૂંટણીનું મતદાન યોજાયું હતું.

      સવારે આઠ વાગે શરૂ થયેલું મતદાન સાંજે પાંચ વાગે પૂર્ણ થયુ હતુ. આ ચૂંટણીમાં ૭ સેનેટ સભ્યો માટે ભાજપના બે જૂથ દ્વારા બે પેનલ ઉભી રાખવામાં આવી છે. ૭ બેઠક માટે કુલ ૨૩ ઉમેદવારોએ ચૂંટણીમાં ઝંપલાવ્યું છે. જેમાં ભાજપ પ્રેરિત ડોક્ટર્સ સેલના ૧૩ ઉમેદવારો જ્યારે ભાજપ સમર્પિત પેનલ ૭ ઉમેદવારો મેદાને છે. આજે અમદાવાદમાં ૭૫૦ જેટલા મતદારો મતદાન કરશે. જયારે રાજ્યભરમાં ૫૮૦૦ જેટલા મતદાર સેનેટ માટે મતદાન કરશે. જેની મતગણતરી ૧લી ઓગસ્ટના રોજ જામનગર ખાતે હાથ ધરવામાં આવશે. અત્ર ઉલ્લેખનીય છે કે પાંચ વર્ષ અગાઉ સેનેટની ૭ બેઠકો ભાજપના ઉમેદવારો બિનહરિફ જાહેર થયા હતા. એક તરફ ભાજપ ડોક્ટર સેલ ત્યારે બીજી તરફ ભાજપના નેતા ડો. અનિલ પટેલનું એક જૂથ આયુર્વેદ સેનેટ ચૂંટણીમાં આમને-સામને આવ્યું છે. બન્ને દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે તેઓ સાચા છે.

ગુજરાત બોર્ડ ઓફ આયુર્વેદિક એન્ડ યુનાની સિસ્ટમ ઓફ મેડિસિનના ચેરમેનનું માનીએ તો જે ભાજપ સમર્પિત ૭ ઉમેદવાર લડી રહ્યા છે, તેઓ બળવો કરીને લડી રહ્યા છે. સાતેય સામે શિસ્તભંગના પગલા લેવા રજૂઆત કરાઈ છે. ૧૩ ઉમેદવાર ભાજપ સમર્થિત છે તે પાર્ટીએ નક્કી કરીને લડાવ્યા છે. જ્યારે ભાજપ સમર્પિત પેનલના ડો. કમલેશ રાજગોરનું માનીએ તો સંકલનના અભાવે આ સ્થિતિ ઊભી થઇ છે. ત્યારે હવે આ સમગ્ર વિખવાદમાં ભાજપના મોવડીમંડળ દ્વારા શું કાર્યવાહી કરાય છે તે જોવાનું રસપ્રદ બની રહેશે.

(9:30 pm IST)