Gujarati News

Gujarati News

News of Monday, 29th July 2019

સિંહે આઠ ફુટ ઉંચી દિવાલને કૂદી પાડાનુ મારણ કરી દીધું

સિંહ જંગલ વિસ્તારમાંથી ગ્રામ્ય વસ્તીમાં આવ્યો : બનાવને લીધે વનવિભાગના બધા અધિકારીઓએ સમગ્ર વિસ્તારમાં પેટ્રોલીંગ તેમજ સતર્કતા વધારી દીધી : રિપોર્ટ

અમદાવાદ, તા.૨૮ : અમરેલીના ખાંભા તાલુકાના ત્રાકુડા ગામે ગઈકાલે એક સિંહ અનામત જંગલ વિડી છોડી મારણ અને પાણીની શોધમાં વહેલી સવારે ગામમાં આવી  એક ગ્રામજનના આંગણામાં બહાર ખુલ્લામાં બાંધેલી ભેંસના પાડાનો અવાજ સાંભળી આઠ ફુટ ઉંચી દિવાલ કૂદીને સિંહ પાડાનું મારણ કર્યું હતું. પાડાની ચીસો સાંભળી ઘરના માલિકે ત્યાં દોડી આવી બૂમો પાડી અને હાકલા પડકારા કરતાં સિંહ દિવાલ કૂદીને ભાગી ગયો હતો. જો કે, સ્થાનિક ગ્રામજનોની વસ્તી સુધી સિંહ આવી પહોંચતા સ્થાનિક ગ્રામજનોમાં ફફડાટની લાગણી ફેલાઇ ગઇ હતી. આ ઘટના અંગે સ્થાનિક વનવિભાગના અધિકારીઓને જાણ કરવામાં આવતાં તેમણે પણ આ વિસ્તારમાં ભારે સતર્કતા અને પેટ્રોેલીગ વધારી દીધા હતા.

       આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, ખાંભા તાલુકાના ત્રાકુડા ગામમાં ગઇકાલે એક ભૂખ્યો સિંહ મારણ અને પાણીની શોધમાં ગામની માનવ વસાહતમાં આવી ચડ્યો હતો. જ્યારે સિંહ શેરીઓ, ગલીઓમાં મારણ માટે આંટાફેરા કરતો હતો ત્યારે વિનુભાઈ બાલુભાઈ કલસરિયાના ઘરની બાજુમાંથી પસાર થયો હતો. ત્યારે ઘરના આંગણામાં બહાર ખુલ્લામાં બાંધેલા ભેંસના પાડાનો અવાજ સાંભળી જતાં સિંહે ઘરની આઠ ફૂટની દીવાલ કૂદી પાડાનું મારણ કરી નાખ્યું હતું. પાડાની મરણચીંસ સાંભળી ઘરના તમામ સભ્યો જાગીને ઘરની બહાર દોડી આવ્યા હતા અને જોયું તો સિંહ પાડાની માથે ચડી બેઠો હતો.

       બધા સભ્યોએ એકસાથે હાકલા પડકારા કરતા સિંહ જે દીવાલ કૂદી ઘરમાં ઘૂસ્યો હતો તે દીવાલ કૂદી મારણ મૂકી ભાગ્યો હતો. બાદમાં વનવિભાગના રેસ્ક્યુ ટીમના સાહિદખાન પઠાણને જાણ થતાં તેઓ દોડી આવ્યા હતા અને મારણને ઘરની બહાર સહી સલામત અનમાત જંગલમાં મૂકી આવ્યા હતા. સાથે સાથે આ પ્રકારની અન્ય કોઇ ઘટના ના ઘટે તે માટે વનવિભાગના અધિકારીઓએ સમગ્ર વિસ્તારમાં પેટ્રોલીંગ અને સતર્કતા વધારી દીધા હતા.

(9:29 pm IST)