Gujarati News

Gujarati News

News of Monday, 29th July 2019

અક્ષરધામ કેસ : ત્રાસવાદી ભાટ વિરૂદ્ધ વધુ એક ગુનો

એટીએસ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો : ફરાર થઇ જવાના કારણે તેની સામે ગુનો : સકંજો મજબૂત

અમદાવાદ, તા.૨૮ : અક્ષરધામ મંદિર પર ૨૦૦૨માં કરવામાં આવેલા હુમલાના મુખ્ય સૂત્રધાર અને તોઇબાના ત્રાસવાદી મોહમ્મદ યાસીન મોહઉદ્દીન ભાટની સામે એટીએસ દ્વારા વધુ એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે તે ફરાર રહ્યો હોવાથી તેની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ મામલામાં પણ તેની સામે ઉંડી તપાસનો દોર ચાલનાર છે. અમદાવાદમાં અન્ય એલઈટી આતંકવાદીઓ સાથે મળીને તેઓએ અક્ષરધામ હુમલાને અંજામ આપ્યો હતો.

           વર્ષ ૨૦૦૩ માં ચાંદખાન પકડાઈ જતાં યાસીન ભાટ તેને પોતાની અક્ષરધામ હુમલામાં કોઈપણ પ્રકારની સંડોવણી વિષેનો ઉલ્લેખ ન કરવા જણાવ્યું હતું અને જો તે એમ કરશે તો તેને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ આરોપી હુમલા પછી પીઓકે (પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર)માં નાસી ગયેલ હતો. ગુજરાત એટીએસ આ આરોપીની શોધ-ખોળમાં હતી અને આ દરમ્યાન જાણકારી મળતા કે આ આરોપી અનંતનાગમાં આવેલ છે. જેથી એટીએસ અને એસઓજી-અમદાવાદની સયુંક્ત ટીમ અનંતનાગ રવાના થઈ હતી અને ત્યાંથી તેને પકડી પાડ્યો હતો અને ગુજરાત લાવવામાં આવ્યો હતો.

        અક્ષરધામ હુમલામાં ત્રાસવાદીઓને હથિયારો આ શખ્સ દ્વારા જ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા હતા. ઘણા વર્ષો સુધી તે ફરાર હતો. અક્ષરધામમાં ૨૫મી સપ્ટેમ્બર ૨૦૦૨ના દિવસે હુમલો કરાયો હતો જેમાં ૩૨ શ્રદ્ધાળુઓના મોત થયા હતા. બે ત્રાસવાદીઓ દ્વારા આ હુમલો કરાયો હતો. આતંકવાદીઓને હથિયારનો જથ્થો આ શખ્સ દ્વારા ઉપલબ્ધ કરાવાયો હતો. હાલમાં અક્ષરધામ હુમલાના સુત્રધાર ભાટને બીજી ઓગસ્ટ સુધી રિમાન્ડ પર રાખવામાં આવ્યો છે જેથી રિમાન્ડની અવધિ દરમિયાન તેની આકરી પુછપરછ કરીને તેની પાસેથી ખુટતી કડીઓ અંગે માહિતી મેળવવામાં આવશે જેના આધાર પર અન્ય સફળતા પણ હાથ લાગી શકે છે.

(9:24 pm IST)