Gujarati News

Gujarati News

News of Saturday, 29th June 2019

અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાની તડામાર તૈયારીઃ ભગવાન જગન્નાથજી બહેન સુભદ્રા અને ભાઇ બલરામ સાથે મામાના ઘરે સરસપુરમાં

અમદાવાદ :જલયાત્રાની વિધિ બાદ ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા અને ભાઈ બલરામ સાથે મામાના ઘરે સરસપુર ગયા છે અને 14 દિવસ સુધી ભગવાન મામાના ઘરે રોકવાના છે. પરંતુ 14 દિવસમાં ભગવાનને મામાના ઘરે સરસપુરમાં ભારે લાડ લડાવવામાં આવે છે

ભગવાન જગન્નાથ હાલમાં સરસપુર સ્થિત મોસાળમાં છે. અહીં ભક્તો અને શ્રધ્ધાળુઓ દ્વારા ભાણેજને રોજ ભજન ધૂન સાથે અવનવા મિષ્ઠાન પીરસી લાડ લડાવાઇ રહ્યા છે. મામાના ઘરે આવેલા ભાણેજ ભગવાનને સરસપુરવાસીઓ અનેક પ્રકારના ભોગ જમાડે છે. સવારે ભગવાનની મંગળા આરતી કરવામાં આવે છે. તેમજ સવારે અને સાજે મહિલાઓ ભજનના તાલે ઝૂમે છે અને રાત્રે આનદંનો ગરબો રાખવામાં આવે છે.

સરસપુરના વાસીઓનું કહેવું છે કે, જ્યારે ભગવાન મામાના ઘરે એટલે કે સરસપુરથી નિજ મંદિર પરત ફરે છે, ત્યારે તેમને એક પ્રકારનો ખાલીપો લાગે છે. જાણે કંઈ ખોવાઈ ગયું હોય તેવું લાગે છે. ભગવાન હાલ તો મોસાળમાં છે, પરંતુ જ્યારે નગરચર્યાં કરીને રથયાત્રા દ્વારા ફરી સરસપુર આવશે ત્યારે પણ મામાના ઘરે સરસપુરમાં ભગવાનનું ભવ્ય સ્વાગત કરવામાં આવે છે.

મગના પ્રસાદની તૈયારી

ભગવાન જગન્નાથજીની 142મી રથયાત્રાની તૈયારીઓ પૂર જોશમાં ચાલી રહી છે. ત્યારે ભક્તોને રથયાત્રા દરમિયાન હજારો કિલો મગનો પ્રસાદ વહેંચવામાં આવે છે. તે મગની સફાઈની તૈયારી મહિલાઓ દ્વારા શરુ કરી દેવાઈ છે. ભગવાન જગન્નાથના ભક્તિમય ગીતો ગાતી મહિલાઓ રથયાત્રાની તૈયારીમાં લાગી છે. રથયાત્રામાં ભક્તજનોને હજારો કિલો મગની પ્રસાદીનું વિતરણ કરવામાં આવે છે. ત્યારે હાલ રથયાત્રાની તૈયારીઓના ભાગરૂપ મગને સાફ કરવાનું પણ શરુ થઈ ગયું છે. શહેરના ઓઢવ, બાપુનગર, સરસપુર, બહેરામપુરા, રબારીકોલોની જેવી વિવિધ જગ્યાએથી મોટી સંખ્યામાં મહિલાઓ આવે છે અને મગ સાફ કરવાની તૈયારીમાં લાગી જાય છે. એક ભક્તજને કહ્યું કે, એવું કહેવાય છે કે મગ ચલાવે પગ. લાખો શ્રદ્ધાળુઓ પગપાળા રથયાત્રામાં જોડાય છે. મગને સ્વાસ્થ્ય માટે ખુબ અસરકારક માનવામાં આવી રહ્યાં છે અને તેથી ભક્તોને ફણગાવેલા મગનો પ્રસાદ વહેંચવામાં આવે છે. એક તરફ ભગવાન જગન્નાથજીના ભજન, ભક્તિગીતો સાથે મગની સફાઈની તૈયારીઓ ચાલી રહી છે ત્યારે જગન્નાથજી મંદિરનું વાતાવરણ જાણે જગન્નાથમય બની ગયું છે.

(4:48 pm IST)