Gujarati News

Gujarati News

News of Friday, 29th June 2018

બાળચોર ટોળકીની અફવા ફેલાવતો વિડીયો વાયરલ કરવાનું ભારે પડયું: અમદાવાદના સુરેશ પ્રજાપતિ સામે ગુન્હો દાખલઃ ગુજરાતમાં પ્રથમ કિસ્સો

અમદાવાદના એડીશ્નલ પોલીસ કમિશ્નર અશોકકુમાર યાદવે 'વાતોના વડા' કરવાના બદલે અફવાખોર સામે અમલ કરી બતાવ્યો

રાજકોટ, તા. ૨૯ :. ગુજરાતભરમાં બાળકચોર ટોળકી ફરી રહ્યાની પાકિસ્તાન વિડીયો આધારે સૌરાષ્ટ્રમાંથી વાયરલ થયેલી અફવાઓ ગુજરાતભરમાં આગની જેમ પ્રસરી જવાના પગલે અમદાવાદમાં એક મહિલાનું બાળચોર ટોળી સમજી ટોળા દ્વારા ઢોરમાર મરાતા મોત નિપજવા સાથે નિર્દોષો વ્યાપક પ્રમાણમાં ગુજરાતભરમાં ભોગ બની રહ્યાનું બહાર આવતા જ રાજ્ય સરકાર ચોંકી ઉઠી છે. રાજ્યના ઈન્ચાર્જ અને અનુભવી પોલીસ વડા મોહન ઝાએ આ અફવાખોરોને શોધી શોધીને ગુન્હા દાખલ કરવા તાકીદના આદેશ કરતા રાજ્યભરની પોલીસ આવા અફવાખોરોને પકડવા ટેકનીકલ સર્વેલન્સ કામે લગાડયા છે ત્યારે અમદાવાદમાં એક યુવાનને બાળચોર ટોળકી સંદર્ભેનો વિડીયો વાયરલ કરવા સામે સૌ પ્રથમ વખત ગુજરાતમાં ગુન્હો દાખલ થયો છે.

અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં શિવમ રો હાઉસીસમાં રહેતા સુરેશ પ્રજાપતિ નામનો યુવાન રામોલ વિસ્તારના સુર્ય મરીન નજીક બાળક ચોર ટોળકીનો વિડીયો ફોરવર્ડ કરવા સાથે આ પ્રકારની ગેમો ગ્રુપમા મોકલી રહ્યાનું અને આને કારણે ટોળા એકઠા થયાની માહિતી અમદાવાદના એડી. પોલીસ કમિશ્નર અશોક યાદવને મળતા જ તેમણે રામોલ વિસ્તારની પેટ્રોલીંગ ટીમને એલર્ટ કરી તાકીદે આવા અફવાખોરને ઝડપી લેવા સૂચના આપવા સાથે તેની સામે ગુન્હો પણ દાખલ કરવા સૂચના આપી હતી. પેટ્રોલીંગ ટીમ પહોંચી ત્યારે સુરેશ પ્રજાપતિ ગ્રુપમાં વિડીયો શેર કરી રહ્યાનું ખુલતા ગુન્હો દાખલ થયો હતો.

ઉકત બાબતે અમદાવાદના એડી. પોલીસ કમિશ્નર અશોકકુમાર યાદવનો સંપર્ક સાધતા તેઓએ અકિલા સાથેની વાતચીતમાં અફવાખોર સામે ગુન્હો દાખલ થયાની બાબતને સમર્થન આપેલ. અકિલા સાથેની વાતચીતમાં તેઓએ જણાવેલ કે, આવી અફવાઓને કારણે નિર્દોષ મહિલાઓ, બાળકો અને દિવ્યાંગો ભોગ બને તે બાબત કોઈ ર ીતે ચલાવી લેવાય નહિં. તેઓએ જણાવેલ કે, તેઓએ આ બાબતે શરૂઆતથી જ ચીમકી આપી હતી. પોતાના વિસ્તારના તમામ પીએસઆઈને આવા અફવાખોરોને ઝડપી લેવા માટે ખાસ ટાર્ગેટ આપ્યા છે અને દરરોજ કયા પીએસઆઈએ શું કામગીરી કરી ? તે બાબતે રીપોર્ટ આપવા તમામ ડીસીપીઓ, એસપીઓ અને પીઆઈને આદેશો આપ્યા છે.

દરમિયાન અમદાવાદના વિવિધ ભિક્ષુક વિસ્તારોનો ખાસ પોલીસ ટીમે સંપર્ક કરી આવા ભિક્ષુકોને હાલતૂર્ત અજાણ્યા વિસ્તારોમાં ભિક્ષા માગવા નવા સાથે કેટલીક કાળજીઓ રાખવા સૂચનાઓ આપ્યાનુ પણ જણાવવા સાથે ટેકનીકલ સર્વેલન્સ ટીમો પણ વિવિધ વિસ્તારોમાં ઉતારી હોવાનું અશોકકુમાર યાદવે જણાવેલ.

અમદાવાદના વાડજ વિસ્તારમાં બાળચોર ટોળીની અફવાને કારણે ટોળાએ એક રીક્ષા ઉંધીવાળી તેમા રહેલી ચાર મહિલાઓને ઢોરમાર મારતા શાંતા નામની એક મહિલાનું મોત નિપજ્યુ હતું. પોલીસે આ મામલાની સઘન તપાસ ચલાવી મકવાણા નામના એક શખ્સની ધરપકડ કર્યા બાદ વધુ ચારની ધરપકડ કર્યાનું પણ પોલીસ સૂત્રો જણાવે છે.

(12:59 pm IST)