Gujarati News

Gujarati News

News of Friday, 29th June 2018

અમદાવાદમાં રથયાત્રા પૂર્વે હથિયારોનો જંગી જથ્થો ઝડપાયો : બે લોકોની ધરપકડ : 10 લોકો વિરુદ્ધ ગુન્હો

ક્રાઇમ બ્રાન્ચે નરોડા કેનાલ પાસેથી 6 પિસ્તોલ, 2 રિવોલ્વર, 4 મેગેઝીન અને 101 કારતુસ સાથે બે શખ્શોને દબોચી લીધા

અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની ૧૪૧મી રથયાત્રાની જોરશોરથી તૈયારી થઇ રહી છે તૈયારીના ભાગરૂપે જળયાત્રા યોજાઈ હતી પોલીસે સઘન પેટ્રોલીગ અને તપાસ શરૂ કરી દીધી છે ત્યારે ક્રાઈમ બ્રાંચે પૂર્વ વિસ્તાર નરોડા કેનાલ પાસેથી હથિયારોનો જંગી જથ્થો ઝડપ્યો છે અને બે વ્યકિતની ધરપકડ કરી છે.

 અમદાવાદ ક્રાઈમ બ્રાંચે જપ્ત કરેલા હથીયારોમાં ૬ પિસ્તોલ, ૨ રિવોલ્વર, ૪ મેગેઝિન અને ૧૦૧ જેટલા કારતૂસોનો સમાવેશ થાય છે. અમદાવાદ ક્રાઈમ બ્રાંચે સમગ્ર મામલે બે વ્યક્તિની ધરપકડ કરીને 10 લોકો સામે ગુનો નોંધ્યો છે પકડાયેલા શખ્સો પાસેથી ૧.૨૭ લાખનો મુદ્દામાલ  જપ્ત કર્યો છે. તેમજ આ સમગ્ર ઘટનાની તપાસ પણ આદરી દીધી છે.

  અમદાવાદ ક્રાઈમ બ્રાંચ દ્વારા રથયાત્રાના રૂટ પર નાઈટ ફૂટ પેટ્રોલિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. આ વર્ષે પણ દર વર્ષની જેમ લોખંડી સુરક્ષા વ્યવસ્થા તેનાત રાખવામાં આવશે. પોલીસ સુરક્ષાના ચુસ્ત બંદોબસ્ત માટે ડ્રોન, સીસીટીવી કેમેરા, હાઈટેક વાન સહિતના યાંત્રીક સાધનો વડે શહેર રથયાત્રા પૂર્વે શંકાસ્પદ ગતિવિધિ અને હિલચાલ પર નજર રાખી રહી છે

   ઉલ્લેખનીય છે કે, અમદાવાદના ૧૪ જુલાઈના રોજ જમાલપુર સ્થિત જગન્નાથ મંદિરમાંથી અષાઢી બીજના રોજ ભગવાન નગરયાત્રાએ નીકળશે અને રથયાત્રા નીકાળવામાં આવશે.અમદાવાદની રથયાત્રા પુરીની રથયાત્રા પછીની દ્વિતિય ક્રમની સૌથી મોટી અને સૌથી જૂની રથયાત્રા છે. અમદાવાદના જમાલપુરમાં આવેલાં ૪૦૦ વર્ષ જૂના જગન્નાથ મંદિરમાંથી સવારે રથયાત્રાનો પ્રારંભ થાય છે અને કુલ ૧૪ કિ.મી.નું અંતર કાપી સાંજે ફરી મંદિરે આવે છે.

(12:00 pm IST)