Gujarati News

Gujarati News

News of Monday, 29th May 2023

મહેમદાવાદના રૂદણ ગામે ખેતરમાંથી આધેડનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામ્યો

નડિયાદ : મહેમદાવાદના રૂદણ ગામના એક આધેડ પુરુષનો રવિવારે સવારે ગામની સીમમાં આવેલ એક ખેતરમાંથી મૃતદેહ મળી આવતા ગામમાં ભારે ચકચાર મચી જવા પામી છે. હત્યા થઇ હોવાનું હાલ અનુમાન લગાવાઇ રહ્યું છે.  આ બનાવ અંગે મહેમદાવાદ પોલીસે હત્યાનો ગુનો નોધી વધુ તપાસ શરૂ કરી છે. મહેમદાવાદ તાલુકાના રૂદણ ગામના સરદાર પુરામાં રમેશભાઈ પ્રતાપભાઈ સોલંકી (ઉ.વર્ષ ૪૫) પત્ની સજ્જનબેન તેમજ બે દીકરા યુવરાજ અને જયેશ સાથે રહેતા હતા. દરમિયાન તેમના મનમાં ચારેક દિવસથી પત્નીને કોઈની સાથે આડા સંબંધ હોવાનો ખોટો વહેમ હતો. જેથી રમેશભાઈ છેલ્લા ચારેક દિવસથી પત્ની સાથે રોજ ઝઘડા કરતા હતા જે અંગે પત્ની અને બે પુત્રોએ તેમને ઠપકો આપ્યો હતો.

આ દરમિયાન રમેશભાઈ એ ખોટો વહેમ રાખી પત્ની સાથે ઝઘડો કર્યો હતો. ત્યારબાદ રાત્રે ઘેરથી જતા રહ્યા હતા. પતિએ કરેલ ઝઘડાથી ફ્ફડી ઉઠેલ પત્ની સજ્જનબેન શનિવાર રાત્રિના સમયે બંને દીકરાને લઈ ઘર નજીક આવેલ પોતાના ખેતરના સેઢા પર સુઈ ગયા હતા. જ્યારે રમેશભાઈ રાત્રિના સમયે ઘર નજીક આવેલ કુટુંબીના ઘેર જઈ સુઈ ગયા હતા. આ દરમિયાન રાત્રીના કોઈપણ સમયે કોઈએ અગમ્ય કારણસર ઘસઘસાટ ઊંઘી રહેલ રમેશભાઈનુ માથામાં લાકડું ફટકારી ઢીમ ઢાળી દીધું હતું. રવિવારે સવારે રમેશભાઈનો હત્યા કરાયેલ હાલતમાં મૃતદેહ ઘર નજીક આવેલ ગામના દિનેશભાઇ ચિમનભાઈ પટેલના ખેતરમાંથી મળી આવ્યો હતો. જેની જાણ થતાં ગ્રામજનોના ટોળેટોળા ઉમટી પડયા હતા. આ બનાવની જાણ મહેમદાવાદ પોલીસને થતાં મહેમદાવાદના પી.આઇ. ખાંટ અને પોલીસ ટીમદોડી ગઈ હતી. બાદમાં પોલીસે રમેશભાઈનો મૃતદેહ કબજે કરી પીએમ અર્થે સી.એચ.સી. મહેમદાવાદ મોકલી આપ્યો હતો. પોલીસ ટીમ આ હત્યાના ગુનાને અંજામ આપનાર આરોપી હત્યારા સુધી પહોંચી ગઈ હોવાનું અને ખૂટતી કડીઓ મેળવી ટૂંક સમયમાં હત્યાનો ગુનાનો ભેદ ઉકેલાઈ જશે તેમ જણાય રહ્યું છે.

(6:43 pm IST)