Gujarati News

Gujarati News

News of Saturday, 29th May 2021

સુરતના ડો. સારોશની ફરજનિષ્ઠ સેવાઃ શરીર ૮૦ ટકા બેવડ વળ્યુ છતાં નિઃશુલ્ક સેવા આપે છે

સુરત: કોરોનાકાળમાં ડોક્ટરો અથાગ મહેનત કરીને તેમના દર્દીઓની સેવા કરી રહ્યાં છે. કોરોનાકાળમાં કોરોના વોરિયર્સે કરેલી કામગીરી લાજવાબ છે. રાતદિવસ જોયા વગર તેઓ દર્દીઓની સેવામાં જોડાયેલા છે. ત્યારે સુરતમાં એક એવા ડોક્ટર છે જેમનું શરીર 80 ટકા વળી ગયુ છે તેમ છતાં તેઓ તેમની સેવા અને દર્દીઓને પ્રાધાન્ય આપે છે. કોરોનાની ગંભીર પરિસ્થિતિમાં પણ તેઓ આર્થિક પરિસ્થિતિ નબળી હોય તેવા દર્દીઓને તેઓ નિઃશુલ્ક દવા આપીને મદદ કરી રહ્યા છે.

સુરતના સૈયદપુરા વિસ્તારમાં ક્લિનિક ધરાવતા ડો.સારોશ સેમ ભક્કાએ તેમની ચાર પેઢીનો વારસો જાળવ્યો છે. ન્યૂરોસર્જન હોવા છતાં તેઓએ પોતાની હોસ્પિટલ ખોલવાને કે અન્ય કોઈ મોટી હોસ્પિટલમાં ફરજ બજાવવાને બદલે તેમના માતા-પિતા, દાદા, પરદાદા જે રીતે ક્લિનિક ચલાવતા હતા તે જ રીતે ચલાવવાનું શરૂ રાખ્યું છે. સૈયદપુરા વિસ્તારમાં પારસી અને મુસ્લિમ કમ્યુનિટીના લોકો મોટી સંખ્યામાં વસે છે, ત્યારે તેઓ પણ તેમના પૂર્વજોની જેમ જ ભક્કા પરિવાર પાસે સારવાર કરાવવા માટે આવે છે અને તેમનો વિશ્વાસ ડો.સારોશ પર અતૂટ છે.

મુંબઈથી ન્યૂરોસર્જનની ડિગ્રી લીધી હોવા છતાં પણ તેઓ આજે તેમની વારસાગત પદ્ધતિથી જ લોકોની સારવાર કરે છે. તેઓ માત્ર રૂપિયા 20 જેટલો નજીવો ચાર્જ લઇને દર્દીઓને દવા આપે છે અને તેમાં પણ જો દર્દીની પરિસ્થિતિ આર્થિક રીતે સારી ન હોય તો તેઓને નિ:શુલ્ક દવા પણ આપે છે. ડો.સારોશે સુરતની સરકારી મેડિકલ કોલેજ (જીએમસી) થી સર્જરીમાં એમબીબીએસ અને પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યુ હતું. તેઓ બીએચઆઈએમએસથી ન્યુરોસર્જરીનો અભ્યાસ કરવા ગયા અને વડોદરાની મેડિકલ કોલેજમાં ફેકલ્ટી સભ્ય તરીકે જોડાયા હતા.

અકસ્માતમાં કમરની તકલીફ થઈ

વર્ષ 1997 માં બોમ્બે હોસ્પિટલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલમાં ન્યુરોસર્જરીનો અભ્યાસ કરતી વખતે તેમના બાઈકને ટેક્સી ચાલકે ટક્કર મારતા મોટો અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતે તેમને કાયમી વિકલાંગતા આપી હતી. જેના કારણે આજે પણ તેમનું શરીર લગભગ 80 ટકા વળી ગયું છે. જોકે તેઓ બેન્ડ થઈને પણ દર્દીઓની સારવાર કરવાનું ચૂકી રહ્યા નથી.

 તેમની પાસે મોટાભાગના દર્દીઓ એવા કુટુંબોમાંથી આવે છે જેમની ઘણી પેઢીઓ મેડિકલ ઈમરજન્સી માટે ડો.ભક્કા પર વિશ્વાસ કરી રહી છે. મહત્વની વાત એ છે કે, દર્દીઓ માત્ર સુરત જ નહિ, પરંતુ હથોડા, બારડોલી, બીલીમોરા, બલેશ્વર અને બરબોધન જેવા ગામમાંથી પણ સારવાર માટે આવે છે. ડો.સારોશ ભક્કા જણાવે છે કે, ડોક્ટર તરીકે લોકોની સેવા કરવી મારી ફરજ છે. મારા માતાપિતાનું નિધન થયા પછી મેં આ ક્લિનિક સંભાળ્યું છે. હું છેલ્લા ચાર પેઢીના મારા કુટુંબના વારસાને આગળ વધારવા માંગુ છું. મારા પિતાએ એક વખત કહ્યું હતું કે, પહેલા લોકોની સારવાર કરવી એ એક સેવા હતી, હવે તે વ્યવસાય છે અને તે ભવિષ્યમાં ઉદ્યોગ બનશે. તેમના શબ્દો આજે સાચા પડ્યા છે. પરંતુ હું તેને સેવા તરીકે માનતો રહીશ અને મારા કુટુંબનો વારસો આગળ વધારીશ.

(4:50 pm IST)