Gujarati News

Gujarati News

News of Saturday, 29th May 2021

અમદાવાદ RTOમાં કારનો ૧ નંબર ૪.૦૧ લાખમાં વેચાયો

૧૧૧૧ નંબરના રૂ.૨.૧૭ લાખ અને ૯ નંબરના રૂ. ૧.૬૫ લાખ ઉપજયાઃ ચોઈસ નંબર મેળવવા ક્રેઝ યથાવત : કારની નવી સિરિઝ માટે થયેલી હરાજીમાં ૬૯૮ નંબરો વેચાયા

અમદાવાદ, તા.૨૯: અમદાવાદ આરટીઓમાં વાહનોની નવી સિરીઝમાં નંબરોના ઈ-ઓકશન યોજવામાં આવ્યું હતું. જેમાં ૧ નંબરના સૌથી વધુ રૂ. ૪.૦૧ લાખ ઉપજયા હતા. આ ઉપરાંત ૧૧૧૧ નંબર પણ રૂ.૨.૧૭ લાખમાં વેચાયો હોવાનું જાણવા મળે છે. આમ, લોકો હજુ પણ પસંદગીના નંબર પાછળ તોતિંગ ખર્ચ કરી રહ્યાં હોવાનું સામે આવ્યું છે. આ ઓકશનમાં કુલ ૬૯૮ નંબર અરજદારોને ફાળવવામાં આવ્યા હતા. જેમાંથી મોટાભાગના નંબર બેઝ પ્રાઈઝ પર જ વેચાયા હતા. જયારે અમુક નંબરો પર એક કરતા વધુ દાવેદારો હોવાથી હરાજી દ્વારા વધુ બોલી લગાવનારને નંબર ફાળવવામાં આવ્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદ આરટીઓ કચેરી ખાતે કારની જૂની સિરિઝ પૂર્ણ થતી હોવાથી નવી  સિરીઝમાં પસંદગીના નંબરો માટે ઈ-ઓકશન કરવાનું નક્કી કરાયું હતું. નવી સિરીઝ GJ-1-WC માટે અરજદારો પાસેથી ઓનલાઈન અરજી મંગાવવામાં આવી હતી. જેમાં આરટીઓ સમક્ષ ૬૯૮ જેટલા લોકોએ પસંદગીનો નંબર મેળવવા માટે ઓનલાઈન અરજી કરી હતી.ત્યારબાદ સ્ક્રુટિની કરવામાં આવી હતી અને તેમાં અમુક નંબરો માટે એક કરતા વધુ અરજદારો હોવાથી તે નંબર માટે ઓનલાઈન હરાજી યોજવામાં આવી હતી. હરાજી દરમિયાન જેમણે નંબર માટે સૌથી ઊંચી બોલી લગાવી હતી તેમને નંબર ફાળવવામાં આવ્યો હતો.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે કારની નવી સિરીઝ માટે સૌથી વધુ કિંમતે ૧ નંબર વેચાયો હતો. જયદીપ નામના વ્યકિતએ આ નંબર હરાજીમાં રૂ. ૪.૦૧ લાખમાં ખરીદી લીધો હતો. જયારે બીજા ક્રમે સૌથી મોંદ્યો નંબર ૧૧૧૧ વેચાયો હતો. આ નંબર ધર્મિષ્ઠાબા નામની વ્યકિતએ ડ્ડ ૨.૧૭ લાખમાં લીધો હતો.આ ઉપરાંત હરાજીમાં ૯ નંબરના રૂ. ૧.૬૫ લાખ ઉપજયા હતા. જયારે ૭ નંબર રૂ.૧.૫૯ લાખમાં વેચાયો હતો. આ ઉપરાંત અન્ય ઘણા નંબરો પણ રૂ. ૧ લાખથી ઓછી કિંમતમાં વેચાયા હતા. જેમાં ૭૦૦ નંબરના રૂ.૫૦ હજાર, ૮ નંબરના રૂ. ૪૫ હજાર, ૯૯૯ નંબરના રૂ. ૮૦ હજાર, ૯૯૯૯ નંબરના રૂ.૭૯ હજાર, ૭૦૦૭ નંબરના રૂ.૪૫ હજાર, ૩૭ નંબરના રૂ.૫૨ હજાર અને ૧૩૧૫ નંબરના રૂ. ૪૧ હજાર ઉપજયા હતા.

પસંદગીના નંબરો માટે લોકોમાં હજુ પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે, પરંતુ સિલ્વર અને ગોલ્ડન નંબરની બેઈઝ પ્રાઈઝમાં વધારો કરાયા બાદ હવે લોકો આ નંબરો સિવાય બાકી રહેલા નંબરોમાંથી પસંદગીનો નંબર મેળવી રહ્યાં છે. ફોર વ્હીલર માટે ગોલ્ડન નંબરની કિંમત રૂ.૪૦ હજાર અને સિલ્વર નંબરની કિંમત રૂ. ૧૫ હજાર નક્કી કરવામાં આવેલી છે. જયારે તે સિવાયના બાકી રહેલા નંબરો માટે રૂ. ૮ હજાર નક્કી કરવામાં આવ્યા છે. જયારે ટુ વ્હીલરમાં ગોલ્ડન નંબરના રૂ. ૮ હજાર, સિલ્વર નંબરના રૂ.૩૫૦૦ અને અન્ય નંબરના રૂ.૨ હજાર નક્કી કરવામાં આવ્યા છે.

(4:20 pm IST)