Gujarati News

Gujarati News

News of Saturday, 29th May 2021

કરિયાણાના વેપારી હવે GSTના ટાર્ગેટ પર

કરિયાણાના હોલસેલના વેપારી પાસેથી વધુમાં વધુ જીએસટી વસૂલવા કવાયત : બિલ વિના પણ વેપલો થતો હોવાની ફરિયાદ બાદ શરૂ કરવામાં આવેલી તપાસ

સુરત,તા. ૨૯: કરિયાણા વેપારીઓ પાસેથી વધુમાં વધુ જીએસટી વસુલી શકાય તે માટે જીએસટી દ્વારા કવાયત હાથ ધરાઈ છે. કરિયાણા ના કેટલાક હોલસેલ વેપારીઓ માલ બારોબાર વેચી દેવાતો હોય છે તેનુ બિલ બનાવાતું નહીં હોવાના લીધે જીએસટીની આવક પર પણ તેની અસર જોવા મળી રહી છે. તેના કારણે જીએસટી વિભાગ દ્વારા કરિયાણાના રીટેઇલ અને હોલસેલ વેપારીઓને ત્યાં તપાસ કરવાનુ શરુ કર્યુ હોવાની વિગતો જાણવા મળી છે.

કરિયાણાના વેપારીનુ વાર્ષિક ટર્ન ઓવર ૧.૫ કરોડ અથવા તેનાથી ઓછુ હોય તો લમસમ ટેકસનો લાભ લઇને એક ટકા જીએસટી ભરપાઇ કરતો હોય છે. જયારે જે વેપારીનુ ટર્ન ઓવર તેના કરતા વધુ હોય તેણે પાંચ ટકા સુધીનો જીએસટી ભરવાનો હોય છે. પરંતુ કેટલાક વેપારીઓ જીએસટી ચોરી કરવા માટે બિલ બનાવ્યા વિના જ સમગ્ર વેપલો કરતો હોવાની ફરીયાદ જીએસટીના અધિકારીઓને મળતા અલગ અલગ વિસ્તારમાં ટીમ બનાવીને તપાસ શરુ થઇ છે. તેમાં વેપારી પાસે કેટલો જથ્થો છે, સપ્તાહમાં કેટલો માલ આવે છે, તે માલ કોને કોને આપવામાં આવી રહ્યો છે તે સહિતની વિગતો એકત્ર કરવામાં આવી રહી છે. આ વિગતોના આધારે કરિયાણાના વેપારીના જીએસટી નંબરના આધારે ભરવામાં આવતા રીટર્નમાં ઉલટ તપાસ કરવામાં આવનાર છે. જેથી આગામી દિવસોમાં કરિયાણા ના વેપારીઓ પાસેથી પણ જીએસટી વધુ વસુલી શકાય તે માટે કવાયત હાથ ધરી છે.

કોરોનાની મહામારીને કારણે મોટાભાગના વેપારને અસર પડી છે. તેમજ અનેક વેપારીઓના તો ટર્ન ઓવરમાં પણ દ્યટાડો થયો છે. જોકે કરિયાણાના વેપારમાં ઘટાડો થવાની શકયતા ઓછી હોવાના કારણે જીએસટીના અધિકારીઓએ હવે તેના પર નજર દોડાવી છે. તેમાંથી વધુમાં વધુ આવક રળી શકાય સાથે સાથે બિલ વિના કરવામાં આવતા વેપલાને અટકાવવા માટે પણ ટીમને સુચના આપી હાલ તો વોચ રાખવામાં આવી રહી છે.

કોરોનાના લીધે ગત વર્ષે જાહેર કરવામાં આવેલા લોકડાઉનમાં ટોબેકોના વેપારીઓએ ધુમ કાળાબજાર કર્યા હતા. જેથી લોકડાઉન ખુલ્યા બાદ જીએસટી વિભાગે સમગ્ર રાજયવ્યાપી ઝુંબેશ શરૂ કરી હતી.તેમાં સમગ્ર રાજયમાં ૫૦થી વધુ સ્થળો પર દરોડા પાડીને કરોડો રુપિયાની જીએસટી ચોરી ઝડપી પાડી હતી. તેજ માણે હવે કરિયાણા વેપારીઓ પાસેથી પણ વસુલાત કરવા માટેની કવાયત હાથ ધરવામાં આવી છે.

(10:13 am IST)