Gujarati News

Gujarati News

News of Friday, 29th May 2020

કોંગ્રેસ નામને બદલે હાર્દ પકડે: મા અન્નપૂર્ણા’’ યોજના રાજયમાં કોઇ ભૂખ્યું ના રહે તે ભારતીય સંસ્કૃતિને અનુરૂપ છે : ભરતભાઈ પંડયા

( પ્રભુદાસ પટેલ દ્વારા ) મોટી ઇસરોલ: પ્રદેશ પ્રવકતા ભરતભાઈ પંડયાએ જણાવ્યું હતું કે રાજય સરકાર દ્વારા ગઇકાલે “મા અન્નપૂર્ણા” યોજના પ્રારંભ થઇ છે ત્યારે કોંગ્રેસ સતત - સદાય તેમના ભૂતપૂર્વ નેતાઓના નામકરણવાળી યોજનાઓની ભરમાર જોવા ટેવાયેલી હોવાથી “મા અન્નપૂર્ણા”નું નામ કોંગ્રેસના પેટમાં દુઃખે છે. ઇન્દીરાજીએ ૧૭ વર્ષ, પંડિત નહેરુએ ૧૭ વર્ષ અને રાજીવ ગાંધીએ પાંચ વર્ષ શાસન કર્યુ હતું. જે કુટુંબે ૩૮ વર્ષ રાજ કર્યું છે .
  તેઓ સ્વાતંત્રતા બાદ સૌથી વધુ શાસન કરનાર એક સમૂહ છે અને તેમના નામના સૌથી વધુ રસ્તા, ચોક, ગલી, હોસ્પિટલ, સ્કુલ, કોલેજ અને યુનિવર્સીટી તેમજ પ્રતિમાઓ હોય. એટલું જ નહીં દેશમાં કોઇપણ યોજના હોય, નહેરૂ, ઇન્દીરા અને રાજીવ ગાંધીના એટલે કે કુટુંબના નામ સૌથી વધુ હોય. એક સર્વે પ્રમાણે ૪ .૫ લાખથી પણ વધુ સંસ્થાઓ, ટ્રસ્ટો, સરકારી બિલ્ડીંગોના નામો તેમના કુટુંબ સાથે સંકળાયેલા હશે.
 પંડયાએ જણાવ્યું હતું કે, કોઈ ભૂખ્યુ ન સૂવે તે ભારતીય સંસ્કૃતિમાં “મા અન્નપૂર્ણા” ભોજનની દાત્રિ છે. આથી રાજય સરકાર દ્વારા ગરીબ અને મધ્યમવર્ગ માટે અમલી બનાવાયેલી “મા અન્નપૂર્ણા” યોજનાનું હાર્દ કોંગ્રેસ પકડે અને રાજયની ૩.૮૨ કરોડ નાગરિકોને આનો લાભ મળવાનો છે ત્યારે મા અન્નપૂર્ણા નામનો વિરોધ કરવાને બદલે ભાજપ સરકારની લોકકલ્યાણની લાગણીને સમજે.
 પંડયાએ “મા અન્નપૂર્ણા” યોજના કોંગ્રેસ સમયની યુપીએની યોજનાની સરખામણી કરતા વધુ વ્યાપક અને ઉપકારક છે તેમ જણાવી કહ્યું હતું કે, ભારત સરકારે અન્ન સલામતી કાયદો બનાવ્યો છે તે પહેલાથી ગુજરાત રાજયના બીપીએલ કુટુંબોને લગભગ ૪૬ ટકા જથ્થો રાહત ભાવે વિતરણ કરતી હતી. ઉલટુ રાજય સરકાર ૨૫ લાખ કુટુંબોને અનાજનું વિતરણ કરતી હતી. ભાજપા સરકારની કટિબદ્ધતા છે કે રાજયમાં કોઇ નાગરિક અન્ન વિના ન રહે આથી સાચા લાભાર્થીઓની ઓળખ માટે કુલ ૩૮૨.૮૪ લાખ વસ્તીને આવરવા માટે હયાત રેશનકાર્ડ ધારકોનું મેપીંગ, ડોર ટુ ડોર ની સર્વેની કામગીરી અને કુટુંબની ઓળખ માટેની સઘન કામગીરી હાથ ધરેલ છે. વાજબી ભાવની ૯૬ ટકા દુકાનોનું કમ્પ્યુરાઇઝેશન કરેલ છે.
 પંડયાએ અંતમાં ઉમેર્યું હતું કે, પ્રજાની સુવિધાની બાબતોમાં પણ કોંગ્રેસ રાજકીય મુદ્દા બનાવવાનું બંધ કરે, રોટલો આપવાનું કાર્ય થતુ હોય તેમાં રાજકીય રોટલો શેકવાનું બંધ કરે.

(7:34 pm IST)