Gujarati News

Gujarati News

News of Friday, 29th May 2020

૨૦ થી વધુ બેડવાળી ખાનગી હોસ્પિટલમાં અડધા ભાગની બેડ કોરોના દર્દીઓ માટે

અમદાવાદ,તા.૨૯ : ગુજરાતમાં અત્યારે કોરોનાની ચિંતાજનક સ્થિતી ઉભી થઇ છે. કોરોનાના કેસો રોકેટગતિએ વધી રહ્યા છે. મૃત્યુદર પણ અન્ય રાજ્યની સરખામણીમાં  ગુજરાતમાં વધુ છે. આ પરિસ્થિતીને જોતા રાજ્ય આરોગ્ય વિભાગ સક્રિય થયુ છે.

રાજ્ય આરોગ્ય વિભાગે ધ એપિડેમિક ડિસિઝ એકટ- ૧૮૯૭ મુજબ પરિપત્ર જાહેર કર્યો છે. જેમાં એવો આદેશ કરાયો છે. રાજ્યની તમામ ખાનગી હોસ્પિટલ અને નર્સિંગ હોમ્સ કે જ્યાં ૨૦ થી વધુ પથારી હોય. આ બધીય હોસ્પિટલમાં કોરોના દર્દીઓને સારવાર મળી રહે તે માટે ૫૦ ટકા અલગ બેડ રાખવાના રહેશે. એટલુ જ નહીં, આ ૫૦ ટકા બેડમાં દર્દીઓ સરકારી દરે સારવાર મેળવી શકશે. આ વિશે આયોજન કરવા જિલ્લા આરોગ્ય અધિકારીઓને જાણ કરી દેવામાં આવી છે.

અમદાવાદમાં ૪૨ ખાનગી હોસ્પિટલોમાં સરકારી દરે બેડ

ઉલ્લેખનીય છે કે, અમદાવાદ શહેરમાં ૪૨ ખાનગી- કોર્પોરેટર હોસ્પિટલમાં સરકારી દરે બેડ નક્કી કરીને કોરોનાના દર્દીઓને સારવાર મળી રહે તે માટે આખુય આયોજન કરાયુ છે પણ એવી ફરીયાદો ઉઠી છે કે, ખાનગી હોસ્પિટલોમાં સરકારી દરે કેટલા બેડ ખાલી છે તે વિશે લોકોને જાણકારી જ નથી.

રાજ્યમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે. કોરોનાના કેસની સંખ્યા વધીને ૧૫,૫૭૨ થઇ ગઇ છે. સારવાર બાદ ૮૦૦૩ લોકો સાજા થયા છે. રાજ્યમાં ૬૫૯૯ એકિટવ કેસ છે. કોરોનાથી રાજ્યમાં કુલ ૯૬૦ લોકોના મૃત્યુ થયા છે.

(1:02 pm IST)