Gujarati News

Gujarati News

News of Friday, 29th May 2020

પાંચ ધારાસભ્યોના રાજીનામાથી ખાલી પડેલ બેઠકોની પેટાચૂંટણી પાછી ઠેલાવાના સંજોગો

સપ્ટેમ્બર મધ્ય સુધીમાં ચૂંટણી થઈ જવા પાત્ર પણ કોરોના અને ચોમાસુ પડકારરૂપઃ બેઠક ૬ મહિનાથી વધુ ખાલી રહે તો ગુજરાતમાં અભૂતપૂર્વ ઘટના

રાજકોટ, તા. ૨૯ :.  રાજ્યમાં ગયા માર્ચ મહિનાની ૧૫મી તારીખે કોંગ્રેસના ૫ ધારાસભ્યોએ ધારાસભ્ય પદેથી રાજીનામુ આપતા ખાલી પડેલ બેઠકોની પેટાચૂંટણી ૬ મહિનામાં થવા પાત્ર છે પરંતુ હાલના સંજોગોમાં આ સમય મર્યાદા જળવાઈ તેવુ દેખાતુ નથી. કોરોના, વરસાદની મોસમ વગેરેને અનુલક્ષીને બેઠક ખાલી રહેવાની મુદત વધે તેવા એંધાણ છે. સામાન્ય રીતે બેઠક ખાલી પડયા પછી ૬ મહિનામાં પેટાચૂંટણી થઈ જતી હોય છે. અત્યારે કુદરતી આફતના સંજોગો જોતા આ સમય મર્યાદા (૧૪ સપ્ટેમ્બર સુધીમાં) જાળવવી અત્યંત કઠીન છે. રાજ્યમાં કુદરતી કારણસર બેઠક ૬ મહિનાથી વધુ સમય ખાલી રહે તો તે પ્રથમ ઘટના બનશે.

ગયા માર્ચમાં ગઢડાના પ્રવીણ મારૂ, ધારીના જે.કે. કાકડીયા, લીંબડીના સોમાભાઈ પટેલ, અબડાસા કચ્છના પ્રદ્યુમનસિંહ જાડેજા અને ડાંગના મંગળભાઈ ગામીતે રાજીનામુ આપતા બેઠક ખાલી પડી છે. પેટાચૂંટણી પૂર્વે ઈવીએમની ચકાસણી સહિતની પ્રક્રિયા દોઢ-બે મહિના અગાઉ શરૂ થઈ જતી હોય છે. હાલ ચૂંટણી પંચમાં આવી કોઈ હિલચાલ દેખાતી નથી. રાજ્યમાં કોરોનાની પરિસ્થિતિ વકરેલી છે. અત્યારે ઉમેદવારો સમુહ ભેગો કરીને પ્રચાર કરી શકે તેવી સ્થિતિ નથી. મતદાનમાં પણ સોશ્યલ ડીસ્ટન્સીંગ હાલની વ્યવસ્થા મુજબ જળવાઈ શકે તેમ નથી. વહીવટી તંત્ર અને પોલીસ કોરોનાની વ્યવસ્થામાં રોકાયેલ છે. ચોમાસુ માથે આવી રહ્યુ છે. સામાન્ય રીતે જુલાઈ-ઓગષ્ટમાં ચૂંટણી થતી નથી. મતદાનના ૨૧ દિવસ અગાઉ જાહેરનામુ બહાર પાડવુ પડતુ હોય છે. આ બધા સંજોગો જોતા આવતા બે-ત્રણ મહિનામાં ચૂંટણી થાય તેવુ લાગતુ નથી.

ચૂંટણી પંચ જે તે વખતની સ્થિતિને ધ્યાને રાખીને આખરી નિર્ણય લેશે. કુદરતી આફતના અસામાન્ય સંજોગોમાં ચૂંટણી પાછી ઠેલવાનો ચૂંટણી પંચને અધિકાર હોવાનું જાણકાર વર્તુળો જણાવે છે. ગુજરાતની ૫ બેઠકોની પેટાચૂંટણી અમુક મહિનાઓ માટે અથવા અનિશ્ચિત મુદત માટે પાછી ઠેલાય તેવો નિર્દેશ આધારભૂત વર્તુળો કરી રહ્યા છે.

કઈ બેઠકો ખાલી ?

પ્રવીણ મારૂ - ગઢડા

જે.કે. કાકડિયા - ધારી

સોમાભાઈ પટેલ - લીંબડી

પ્રદ્યુમનસિંહ જાડેજા - અબડાસા

મંગળભાઈ ગામિત - ડાંગ

(11:48 am IST)
  • કર્ણાટકના દક્ષિણ ભાગમાં સર્વત્ર ૩ થી ૪ ભારે વરસાદ : બેંગ્લુરૃઃ કર્ણાટકના દક્ષિણના આંતરીક ભાગોમાં ૩ થી ૪ ઇંચ જેવો ભારે વરસાદ પડયો છે. મૈસુરમાં ૩ ઇંચ, માંડયામાં ૩ાા ઇંચ અને ચામરાજનગર જીલ્લામાં ધમધોકાર ૪ ઇંચ વરસાદ ખાબકયો છે. access_time 11:51 am IST

  • ભારતમાં કોરોનાએ ફૂફાડો માર્યો : છેલ્લા 24 કલાકમાં આજે અત્યાર સુધીના સૌથી વધુ 8101 કેસ વધ્યા: રાત્રે 12-30 વાગ્યા સુધીમાં દેશમાં કોરોનાના કુલ 1, 73,458 કેસ નોંધાયા : 85,840 એક્ટિવ કેસ : રિકવરીમાં જબરો વધારો :11,729 દર્દીઓ રિકવર થયા જબરો વધારો : કુલ 82,627 દર્દીઓ રિકવર થયા :વધુ 269 દર્દીના મોત સાથે કુલ મૃત્યુઆંક 4980 થયો :મહારાષ્ટ્રમાં સૌથી વધુ નવા 2682 કેસ સાથે કુલ સંક્રમિતની સંખ્યા 62,228 થઇ : તામિલનાડુમાં નવા 874 કેસ :દિલ્હીમાં 1105 નવા કેસ નોંધાયા access_time 12:53 am IST

  • મોદી - શાહ વચ્ચે મહત્વની બેઠક : લોકડાઉન-૫ પૂર્વે આજે અત્યારે ૧૧ાા વાગે ગૃહપ્રધાન અમિતભાઇ શાહ વડાપ્રધાનને મળી રહયાનું જાણવા મળે છે. આ પૂર્વે અમિતભાઇએ તમામ રાજયોના મુખ્યમંત્રીઓ સાથે મંત્રણા કરી લોકડાઉન અંગે તેમના મન જાણ્યા હતા. ૩૧ મે પછી કોરોના અંગે શું રણનીતી અમલમાં મુકવી તેની અંતિમ ચર્ચા ચાલી રહી છે. access_time 11:51 am IST