Gujarati News

Gujarati News

News of Tuesday, 29th May 2018

અમદાવાદની ૫૬ બેકરીઓમાં દરોડાઃ ત્રણ સીલ, પીણો ખોરાકનો નાશ

અમદાવાદ, તા.૨૯: શહેરમાં કેરીનાં રસનું ઉત્‍પાદન અને વેચાણ કરતાં વેપારીઓ બાદ મ્‍યુનિ. હેલ્‍થ ખાતાએ હવે વિવિધ વિસ્‍તારોમાં ધમધમતી બેકરીઓ ઉપર તવાઇ ઉતારતાં બિનઆરોગ્‍યપ્રદ વાતાવરણમાં બ્રેડ અને ટોસ્‍ટ વગેરે બનાવતી ૩ બેકરીને સીલ મારી દીધા હતા.

મ્‍યુનિ. હેલ્‍થ ઓફિસર ડો. ભાવિન સોલંકીએ જણાવ્‍યું હતું કે, શહેરમાં ચાલતાં ખાણીપીણી બજારોમાં તથા ખાદ્યપદાર્થોનાં ઉત્‍પાદન કરતાં એકમોમાં આરોગ્‍યનાં નિયમો પાળવામાં બેદરકારી દાખવવામાં આવતી હોવાની ફરિયાદો પ્રાપ્ત થઇ રહી છે. તેના પગલે સૌપ્રથમ ખાદ્યપદાર્થોના ઉત્‍પાદકોને ત્‍યાં તપાસ કરવાનો નિર્ણય લેવાયો હતો.

જેમાં છેલ્લા કેટલાક સમયથી બ્રેડ-ટોસ્‍ટ જેવી ચીજવસ્‍તુઓનું ઉત્‍પાદન કરતી બેકરીઓમાં આરોગ્‍યના ધારાધોરણ જાળવવામાં આવતા નથી તેમજ હલકી ગુણવત્તાનુ મટીરિયલ વાપરવામાં આવતું હોવાનું કહેવાય છે. અમુક બેકરીઓમાં તો રેશનિંગના ઘઉં-ચોખાનો ઉપયોગ થતો હોવાનું તેમજ દ્યી-તેલની જગ્‍યાએ પામોલીન અને અન્‍ય પ્રકારના તેલનો ઉપયોગ થતો હોવાનું કહેવાય છે. પરંતુ કોઇ કારણોસર બેકરીઓમાં આ બધી ચીજવસ્‍તુની તપાસ કરવામાં આવતી નથી તે અલગ વાત છે.

મ્‍યુનિ. હેલ્‍થ ખાતાએ આજે શહેરના જુદા જુદા વિસ્‍તારોમાં આવેલી બેકરીઓમાં તપાસ હાથ ધરી હતી  ત્રણ બેકરી લાઈસન્‍સ વગર ધમધમતી અને સ્‍વચ્‍છતાનાં ધોરણોનું કોઇ પાલન નહિ કરતી હોવાનુ જણાતાં સીલ મારી દેવાયાં હતા. આ બેકરીઓમાંથી ૭૦૦ કિલો બિનઆરોગ્‍યપ્રદ બેકરી પ્રોડક્‍ટ્‍સ જપ્ત કરી નાશ કરવામાં આવ્‍યો હતો અને બેકરી સંચાલકો પાસેથી રૂ. ૭૫ હજાર વહીવટી ચાર્જ વસૂલ કરાયો હતો. અગાઉ છ બેકરીમાંથી ટોસ્‍ટ વગેરેનાં નમૂના લેવાયાં હતા તે અપ્રમાણિત જાહેર થયાં હતા. તેની સામે હવે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે.

૬ બેકરીમાંથી લીધેલા નમુના મિસબ્રાંન્‍ડેડ આવ્‍યાં નુ પ્રતિધ્‍ધ થયુ છે જેમા એશિયન બેકરી, દાણીલીમડા  (મિલ્‍ક ટોસ્‍ટ)આનંદ બેકરી, કાલુપુર (બન)મહેક બેકરી, સરખેજ  (નાન)જે.કે બેકરી, નરોડા રોડ  (સ્‍પેશ્‍યલ ટોસ્‍ટ)ન્‍યુ ડિલાઇટ બેકરી, બહેરામપુરા (સ્‍પે.બન)પ્રિન્‍સ બેકરી, દાણીલીમડા(ભાજીપાંઉ પેકેટ) નો સમાવેશ થાય છે.

(3:22 pm IST)