Gujarati News

Gujarati News

News of Wednesday, 29th April 2020

શુક્રવારથી તુવેર, ચણા, રાયડાની ખરીદી શરૂ થશે : પીવાનાં પાણીની અછત ન સર્જાય તે સુનિશ્ચિત કરવા કલેક્ટરોને સૂચના

સતત પાંચમી વખત વિડીયો કોન્ફરન્સથી યોજાયેલી રાજ્યની કેબિનેટ બેઠકમાં મુખ્યમંત્રી રૂપાણીએ લીધા અનેક મહત્વપૂર્ણ નિર્ણયો

અમદાવાદ : કોરોના વાયરસની પ્રવર્તમાન સ્થિતીમાં રાજ્ય મંત્રીમંડળની સતત પાંચમી વિડીયો કોન્ફરન્સીંગ કેબિનેટ બેઠક યોજાઈ હતી. જેમાં મુખ્યમંત્રી રૂપાણીએ ખેડૂતલક્ષી નિર્ણયો લીધા હતા. એ મુજબ આગામી શુક્રવાર તા. ૧ લી મે થી તા. પ મે સુધી સોશિયલ ડિસ્ટન્સ વગેરેની પૂરેપૂરી તકેદારી સાથે નાગરિક પુરવઠા નિગમના ૧૦૩ ગોડાઉન ખાતે તુવેરની ખરીદીનો પ્રારંભ થશે, ગુજકોમાસોલ દ્વારા તા. ૧લી મે થી ચણા-રાયડાની ખરીદી શરૂ થશે. રાજ્યના તમામ જિલ્લા કલેકટરોને સ્પષ્ટ સૂચનાઓ આપી છે કે, ઊનાળાની ઋતુમાં રાજ્યમાં પીવાના પાણીની કોઇ મુશ્કેલી ઊભી ન થાય.

             એ માટે જિલ્લા કલેકટરે સ્વયં દેખરેખ રાખે.મુખ્યમંત્રીએ એવી પણ તાકીદ કરી કે, અત્યારે રાજ્યમાં પીવાના પાણીનો જથ્થો પૂરતી માત્રામાં ઉપલબ્ધ છે ત્યારે વિતરણ વ્યવસ્થાની કોઇ ખામી ન સર્જાય તે કલેકટરો સુનિશ્ચિત કરે. CM રૂપાણીએ જિલ્લાઓના ગ્રામીણ ક્ષેત્રોમાં કે અન્યત્ર જ્યાં હેન્ડપંપ બગડી ગયા હોય કે પાણી ઊંડું ગયું હોય ત્યાં રિપેરીંગ ગેંગ મોકલીને સત્વરે ચાલુ કરાવી દેવા પણ સૂચનાઓ આપી છે. કોરોના વાયરસનો વ્યાપ વધુ ફેલાય નહિ તેની તકેદારીઓ રાખવાની સ્પષ્ટ સૂચનાઓ મુખ્યમંત્રીએ આપી હતી. તેમણે જ્યાં વધુ પ્રમાણમાં લોકો આવતા-જતા હોય તેવા APMC, માર્કેટયાર્ડ, જાહેર સ્થળો, બજારો વગેરે સ્થળે જિલ્લાતંત્ર દ્વારા થર્મલગન, સેનીટાઇઝર વગેરેના ઉપયોગ માટે જિલ્લા કલેકટરોને સુચનાઓ આપી હતી.

(8:53 pm IST)