Gujarati News

Gujarati News

News of Wednesday, 29th April 2020

ગુજરાતમાં મળેલા ૮૦ ટકા દર્દીઓમાં કોરોનાના લક્ષણો દેખાતા જ નથીઃ આઇસોલેશન માટે સરકાર દ્વારા નવી ગાઇડલાઇન્સ જાહેર

અમદાવાદ: મહારાષ્ટ્ર બાદ ગુજરાત કોરોનાના પ્રકોપને ઝેલનારું બીજું રાજ્ય છે. સરકારના આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ હાલ રાજ્યમાં કોરોનાના 3774 કેસ છે. જેમાંથી 181 લોકોના મૃત્યુ થયા છે જ્યારે 434 લોકો સાજા થયા છે. રાજ્યમાં અમદાવાદ અને સુરતમાં કોરોનાના સૌથી વધુ કેસ જોવા મળ્યાં છે. અમદાવાદમાં 2543 જ્યારે સુરતમાં 570 કોરોનાના કેસ છે. ચિંતાજનક વાત એ પણ છે કે રાજ્યમાં જોવા મળી રહેલા દર્દીઓમાં 80 ટકા દર્દીઓ એવા છે જેમનામાં કોરોનાના લક્ષણો દેખાતા નથી. આ બાજુ હવે કોરોનાના પોઝિટિવ દર્દીઓ જેમને સાવ સાધારણ લક્ષણો દેખાય તેઓ શરતોને આધીન પોતાના ઘરે રહીને સારવાર લઈ શકશે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે આ માટે હોમ આઈસોલેશનની નવી ગાઈડલાઈન્સ બહાર પાડી છે જે મુજબ જે કોરોના દર્દીઓ સામાન્ય લક્ષણો ધરાવતા હશે તેઓ હોમ આઈસોલેશનમાં રહી શકશે પરંતુ આ શરતોનું પાલન કરવું જરૂરી રહેશે. આ ઉપરાંત ઘરમાં દર્દીનું ધ્યાન રાખનાર કોઈ વ્યક્તિ 24 કલાક હાજર રહેવી જરૂરી છે.

આ 6 શરતોનું પાલન થવું જરૂરી

સાવ માઈલ્ડ કેટેગરીમાં હોય તથા દર્દીના ઘરમાં સેલ્ફ આઈસોલેશનની તથા પરિવારના સભ્યોને ક્વોરન્ટાઈન કરવાની સુવિધા હોવી જરૂરી છે.

2 દર્દીમાં 24 કલાક દેખભાળ માટે કોઈ વ્યક્તિ હોવી જરૂરી છે. દર્દી આઈસોલેશનમાં હોય ત્યાં સુધી દેખભાળ લેનાર અને હોસ્પિટલ વચ્ચે સંપર્કનું કોઈ માધ્યમ હોવું જરૂરી છે.

3. દર્દીએ તેના ફોનમાં આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવી જરૂરી છે અને તેને બ્લ્યુટૂથ, વાયફાય દ્વારા એક્ટિવ રાખવી.

4. દર્દીની દેખભાળ કરનાર વ્યક્તિ અને દર્દીના નજીકના સંપર્કોએ ડોક્ટરની સલાહ પ્રમાણે હાઈડ્રોક્સીક્લોરોક્વીન દવા લેવાની રહેશે.

5. દર્દીએ તેના સ્વાસ્થ્ય અંગે ડિસ્ટ્રિક્ટ સર્વેલાન્સ ઓફિસરને નિયમિત ધોરણે માહિતી પૂરી પાડવાની રહેશે.

6. દર્દીએ આ તમામ ગાઈડલાઈન્સ ચુસ્તપણે પાળવાની ખાતરી આપવાની રહેશે.

 અત્રે જણાવવાનું કે ઘોડાસરનો એક કેસ તો એવો છે કે 21 વર્ષના યુવકને કોરોનાના લક્ષણો દેખાયા તેના 30 કલાકમાં જ તેનું મોત નિપજ્યું. વસ્ત્રાલમાં 6 વર્ષની બે બાળકી સહિત એક જ પરિવારના 7 લોકો કોરોના પોઝિટિવ આવ્યાં છે. જ્યારે પાલડીમાં એક સોસાયટીમાં એક જ પરિવારના 6 સભ્યો કોરોના પોઝિટિવ આવતા તંત્ર દોડતું થયું છે. કોરોનાના કેસ હવે હોટસ્પોટ વિસ્તારની બહાર જોવા મળી રહ્યાં છે અને તે પણ લક્ષણો વગર જે ચિંતાજનક છે.

(5:02 pm IST)