Gujarati News

Gujarati News

News of Friday, 29th March 2024

ગાંધીનગર:ખોરજ ગામમાં ઉભરાતી ગટરના ત્રાસથી ત્રાહિમામ પોકારી ઉઠેલ લોકોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી આપી

ગાંધીનગર :  ગાંધીનગર શહેર અને જિલ્લાના વિવિધ વિસ્તારોમાં  ગટરલાઇનો સમારકામના અભાવે બિસ્માર હાલતમાં મુકાઇ ગઇ છે. જેના પગલે અવાર-નવાર ગટર ચોકઅપ થઇ જવાના કારણે દુર્ગંધયુક્ત પાણી વહેતું હોય છે.જેથી સ્થાનિક રહીશોને અવરજવર કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તંત્ર સમક્ષ રજૂઆતો કરવા છતાં સમસ્યાનું નિરાકરણ લાવવામાં નહીં આવતા ગ્રામ્ય વિસ્તારના લોકોને રોગચાળાનો ભય સતાવી રહ્યો છે.ત્યારે ખોરજમાં છેલ્લા ઘણા સમયથી આ પ્રકારની સમસ્યાનો સામનો કરી રહેલા ગ્રામજનોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે. ગાંધીનગર કોર્પોરેશન વિસ્તારમાં સમાવિષ્ટ ખોરજ ગામમાં રહેણાંક વિસ્તાર નજીકમાં પાણી અને ગટરની પાઇપલાઇન નાખવાની કામગીરી અંતર્ગત યોગ્ય રીતે નહીં કરાતા ગટરના ગંદા પાણી છેલ્લા ઘણા દિવસોથી ઉભરાઈ રહ્યા છે.તો બીજી તરફ છેલ્લા ઘણા સમયથી  ગટરો ચોકઅપ થઇ ગઇ છે.સતત દુર્ગંધયુક્ત પાણી વહેતું હોવાના કારણે ઘરની બહાર પણ નીકળવું મુશ્કેલ બન્યું છે. તો સ્થાનિક રહીશો અવરજવર કરતા હોય છે. તેમને પણ દુર્ગંધનો સામનો કરીને પસાર થવું પડે છે.આ અંગે તંત્ર તેમજ સ્થાનિક નગરસેવકોને ગ્રામજનો દ્વારા ફરિયાદો કરવા છતાં કોઇ ધ્યાન આપવામાં આવ્યું નથી. ઉપરાંત કાયમી ફરીયાદનો નિરાકરણ લાવવા માંટે ઉગ્ર રજુઆત કરવામાં આવી છતાં કામગીરી કરવામાં આવતી નથી.ત્યારે વસાહત વિસ્તાર નજીક ગટરો બેક મારી ગંદુ પાણી આવતા ખુબજ દુર્ગંધ મારે છે અને વાતાવરણ દુષિત થાય છે. આથી પાણીજન્ય રોગચાળાનો વસાહતીઓ ભોગ બને તે પહેલાં આ વિસ્તારમાં ઉભરાતી ગટરોની સમસ્યાઓનો કાયમી ઉકેલ લાવવાની માંગ કરવામાં આવી છે. ઘણા સમયથી ગટરો ઉભરાવાના કારણે દુર્ગંધયુક્ત પાણી વચ્ચે વસવાટ કરતા રહીશોની હાલત કફોડી બની જવા પામી છે.ત્યારે હાલમાં ગટરના ગંદા પાણી સ્થાનિકો માટે આફત બન્યા છે. તો બીજી તરફ રહીશોને રોગચાળાનો ભય પણ સતાવી રહ્યો છે.ગંદા પાણીના કારણે ગંદકીમાં વધારો થઈ રહ્યો છે. તંત્ર દ્વારા યોગ્ય રીતે સાફ-સફાઈ કરવામાં આવે તેવી માંગ પણ ઉઠવા પામી છે.મચ્છરોનો ઉપદ્રવ વધી જવાના કારણે રહીશોની હાલત કફોડી બની ગઈ છે.આમ આ સમસ્યાનું સત્વરે નિરાકરણ લાવવામાં નહીં આવે તો આગામી દિવસોમાં યોજાનાર લોકસભા ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી પણ ગ્રામજનો દ્વારા ઉચ્ચારવામાં આવી છે.

(6:08 pm IST)