Gujarati News

Gujarati News

News of Friday, 29th March 2024

આવતા અઠવાડિયે EVMનું રેન્‍ડેમાઇઝેશન : કુલ ૧૦૦૬૭ EVM વીવીપેટની ફાળવણી કરાશે : ગુજરાતમાં ૧૧ લાખ નવા મતદારો

રાજકોટ તા. ૨૯ : ભારતમાં ચૂંટણી પંચની રચના ૨૫ જાન્‍યુઆરી, ૧૯૫૦ના રોજ કરવામાં આવી હતી. આ દિવસને રાષ્‍ટ્રીય મતદાતા દિવસ' તરીકે ઉજવવામાં આવે છે. વર્ષ ૧૯૫૨માં ચૂંટણી કમિશનરશ્રી સુકુમાર સેનની અધ્‍યક્ષતામાં સૌપ્રથમ ચૂંટણી યોજાઈ ત્‍યારે મતદાન માટે મતપેટી અને બેલેટ પેપરનો ઉપયોગ કરવામાં આવતો હતો. દેશમાં સંસદીય સામાન્‍ય ચૂંટણી, રાજ્‍ય વિધાનસભાની ચૂંટણી, સ્‍થાનિક સ્‍વરાજયની સંસ્‍થાઓની ચૂંટણી સહિતની ચૂંટણીઓનું આયોજન કેન્‍દ્રીય ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવે છે. સમયાંતરે ભારતની ચૂંટણી પ્રક્રિયામાં વિવિધ ફેરફારો કરવામાં આવ્‍યા હતા. ચૂંટણી પ્રક્રિયામાં મતદાન માટે મુક્‍ત સરળ, પારદર્શી અને ઓછી ખર્ચાળ ટેકનોલોજી તરીકે ઈલેક્‍ટ્રોનિક વોટિંગ મશીન'નો ઉપયોગ કરવામાં આવે છે.

વર્ષ ૨૦૨૪ની લોકસભાની ચૂંટણીનિ વાત કરીએ તો, ગુજરાત રાજ્‍યમાં ચાર કરોડથી વધુ મતદારો છે, જેમાં ૧૧ લાખથી વધુ નવા મતદારો પ્રથમ વખત ઈ.વી.એમ.નો અનુભવ મેળવશે અને ગુજરાતમાં ૨૯,૦૦૦થી વધુ પોલિંગ સ્‍ટેશનમાં ૮૭ હજારથી વધુ બેલેટ યુનિટ અને ૭૧ હજારથી વધુ કંટ્રોલ યુનિટથી મતદાન કરવામાં આવશે. રાજકોટમાં બેલેટ યુનિટની સંખ્‍યા ૩૬૦૨, સી.યુ. ૨૯૭૬ અને વી.વી.પેટની સંખ્‍યા ૩૪૮૯ છે. વિધાનસભા દીઠ બી.યુ. ૧૦, સી.યુ. ૧૦ અને વી.વી.પેટ ૧૦ તાલીમ અને નિદર્શન માટે ફાળવવામાં આવે છે.

ઈલેક્‍ટ્રોનિક વોટિંગ મશીન(ઈ.વી.એમ.)ની વિગતવાર વાત કરીએ તો આ મશીનનો ઉપયોગ મત રેકોર્ડ કરવા અને કાગળનો વપરાશ ઘટાડવા માટે કરવામાં આવે છે. ભારતમાં બેંગલુરુ સ્‍થિત ભારત ઈલેક્‍ટ્રોનિક્‍સ લિમિટેડ અને હૈદરાબાદ સ્‍થિત ઈલેક્‍ટ્રોનિક્‍સ કોર્પોરેશન ઓફ ઈન્‍ડિયા લિમિટેડ ઈ.વી.એમ. બનાવવાનું કામ કરે છે. કંટ્રોલ યુનિટ, બેલેટ યુનિટ અને વોટર વેરીફાઈડ પેપર ઓડીટ ટ્રેલ (વી.વી.પેટ) ત્રણ એકમો સાથે ઈ.વી.એમ. સંકળાયેલા હોય છે. વી.વી.પેટ સાથે પ્રિન્‍ટર ડિવાઈસ અને સ્‍ટેટ્‍સ ડિસ્‍પ્‍લે યુનિટનો સમાવેશ થાય છે.

સ્‍ટેટ્‍સ ડિસ્‍પ્‍લે યુનિટ અને બેલેટ યુનિટ વી.વી.પેટ સાથે અને વી.વી.પેટને કંટ્રોલ યુનિટ સાથે કેબલના માધ્‍યમથી જોડવામાં આવે છે. સ્‍ટેટ્‍સ ડિસ્‍પ્‍લે યુનિટ અને કંટ્રોલ યુનિટ પ્રિસાઈડીંગ ઓફિસર અથવા પોલિંગ ઓફિસર પાસે મૂકવામાં આવે છે. બેલેટ યુનિટ અને પ્રિન્‍ટર ડિવાઈસ વોટિંગ કમ્‍પાર્ટમેન્‍ટમાં મૂકવામાં આવે છે.

આ પ્રક્રિયા બાદ મતદાર બેલેટ યુનિટમાં હાજર ઉમેદવારના ચૂંટણી ચિન્‍હની સામે વાદળી બટન દબાવીને મતદાન કરે છે. બેલેટ યુનિટમાં નોટા સહીત ૧૬ ઉમેદવારોના ચૂંટણી ચિન્‍હોનો સમાવેશ થઇ શકે છે. આમ, ચાર બેલેટ યુનિટથી કુલ ૬૪ ઉમેદવારોના ચિન્‍હોનો સમાવેશ કરી શકાય છે.

ઈ.વી.એમ. સામાન્‍ય બેટરી પર ચાલે છે, જેને વીજળીની જરૂર પડતી નથી. જયારે ઈ.વી.એમ.કામ કરવાનું બંધ કરી દે ત્‍યારે નવા ઈ.વી.એમ. સાથે બદલવામાં આવે ત્‍યાં સુધી કંટ્રોલ યુનિટની મેમરીમાં મત સુરક્ષિત રહે છે. જ્‍યાં સુધી ડેટા ડિલીટ અથવા ક્‍લિયર ન થાય ત્‍યાં સુધી કંટ્રોલ યુનિટ પરિણામને તેની મેમરીમાં સ્‍ટોર કરી શકે છે.

આ ઈલેક્‍ટ્રોનિક વોટિંગ મશીનનો સૌપ્રથમ ઉપયોગ વર્ષ ૧૯૮૨માં કેરળ વિધાનસભા ચૂંટણી માટે કરાયો હતો. આ ઇ.વી.એમ.ના સ્‍ક્રીન પર દેખાતા પોતાની પસંદગીના ઉમેદવારના ચૂંટણી ચિની સામેનું વાદળી બટન દબાવીને મતદાર પોતાનો મત આપી શકે છે.      

ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ મતવિસ્‍તાર માટે બનાવેલા સ્‍ટ્રોંગ રૂમમાં ઈ.વી.એમ. જમા કરવામાં આવે છે. જે દરેક સ્‍ટ્રોંગ રૂમની જવાબદારી રિર્ટનિંગ ઓફિસરને સોંપવામાં આવે છે, જે મતગણતરી શરૂ કરતા પહેલા ઉમેદવાર અથવા તેના પ્રતિનિધિની હાજરીમાં ઈ.વી.એમ.નું સીલ ખોલે છે. જે હોલમાં મત ગણતરી થાય છે ત્‍યાં ઉમેદવારો તેમના કાઉન્‍ટિંગ એજન્‍ટો અને ચૂંટણી એજન્‍ટો સાથે પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્‍યાં સુધી હોલમાં હાજર રહે છે. મત ગણતરી થયા બાદ તમામ ડેટા કંટ્રોલ યુનિટ મેમરી સિસ્‍ટમમાં સેવ થાય છે. આ ડેટા ડિલીટ ન થાય ત્‍યાં સુધી કંટ્રોલ યુનિટમાં સાચવવામાં આવે છે.

વિશ્વની સૌથી મોટી લોકશાહીની ચૂંટણી પ્રક્રિયામાં ઈલેક્‍ટ્રોનિક વોટિંગ મશીનનો ઉપયોગ આ સ્‍થિતિમાં ચોક્કસ એકમાત્ર અને અનન્‍ય વિકલ્‍પ કહી શકાય.

(10:51 am IST)