Gujarati News

Gujarati News

News of Friday, 29th March 2019

શહેરમાં ૪ દિન આનંદમૂર્તિ ગુરુમાના સત્સંગનો કાર્યક્રમ

૧૮-૨૧ વચ્ચે કન્વેન્શનલ હોલમાં સત્સંગ કાર્યક્રમઃ સંત આનંદમૂર્તિ ગુરુમાના કાર્યક્રમને લઇને શ્રદ્ધાળુ ઉત્સુક

અમદાવાદ, તા.૨૯: ગુજરાતમાં આકરો ઉનાળો બેસી ગયો છે. વાતાવરણનો તાપ શરીરને તકલીફ આપે છે. પણ આધુનિક માનવીના મનમાં ચિંતા, તનાવ, વ્યાધિ અને ઉપાધિનો તાપ તો બારેમાસ દઝાડતો રહે છે. આ સંતપ્ત મન પર શીતળતાનો છંટકાવ કરવા જાણીતા મહિલા સંત આનંદમૂર્તિ ગુરુમા અમદાવાદ આવી રહ્યા છે. તેમના ચાર દિવસીય સત્સંગનું આયોજન અમદાવાદમાં જીએમડીસી ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન સેન્ટરના ગેટ નંબર ૫, ૧૩૨ ફૂટ રીંગ રોડ ખાતેના કન્વેનશન હોલમાં તા.૧૮ એપ્રિલથી ૨૧ એપ્રિલ, ૨૦૧૯ સવારે આઠથી દસ દરમ્યાન કરવામાં આવ્યું છે. આ સત્સંગમાં ગમે તે ધર્મ, સંપ્રદાય, જાતિ કે વર્ગની વ્યક્તિ હાજર રહી શકે છે અને દરેક વ્યક્તિ માટે પ્રવેશ નિઃશુલ્ક છે.

સંત આનંદમૂર્તિ ગુરુ માના આ ભવ્ય સત્સંગ કાર્યક્રમમાં અમદાવાદ સહિત રાજયભરમાંથી શ્રધ્ધાળુઓ અને ભાવિકભકતો ખૂબ મોટી સંખ્યામાં ઉમટવાની શકયતા છે. બહારની ગરમી પર તો આપણો કોઈ કાબુ નથી પણ ભીતર શીતળતા જાળવી રાખવાની યુક્તિ તો સંતો જ આપી શકે છે. આનંદમૂર્તિ ગુરુમા એક એવા જ્ઞાની સંત છે, જેઓ આધુનિક માનવીની વિંટબણાઓને સમજે છે અને શાસ્ત્રો, પુરાણો, યોગ અને વેદનું તલસ્પર્શી જ્ઞાન ધરાવે છે. વાતાવરણની ઠંડી-ગરમી હોય, સામાજિક કે રાજકીય વિષમતાઓ હોય એ બધામાં આધુનિક માનવી પોતાનું સંતુલન કઈ રીતે જાળવી શકે એનું વિજ્ઞાન અને કળા તેઓ શીખવે છે. આવા આ મહિલા સંત આનંદમૂર્તિ ગુરુમા અમદાવાદીઓ માટે અજાણ્યું નામ નથી જ. તેમની યોગ, જ્ઞાન અને ભક્તિની અમૃત વર્ષામાં તરબોળ થવા ઈચ્છતા સૌને આ જ્ઞાનગંગાનો લાભ લેવા આયોજકોએ ખાસ અનુરોધ કર્યો છે.

(10:10 pm IST)