Gujarati News

Gujarati News

News of Friday, 29th March 2019

સોશ્યલ મીડીયા પર ફાયરીંગ કરતો ફોટો મુકનારને પાસામાં ધકેલી દેવાયોઃ ગુજરાતની પ્રથમ ઘટના

માત્ર ચેતવણી આપી બેસી રહેવાના બદલે સોશ્યલ મીડીયા પર હથીયાર સાથેનો ફોટો મુકનાર સામે અશોક કુમાર યાદવ દ્વારા આકરૂ પગલું : રાજુલા પંથકન ઘટનાઃ લોકો હિંમતપુર્વક આવા માથાભારે શખ્સો વિષે માહીતી આપશે તો વધુમાં વધુ ગુન્હેગારો જેલમાં ધકેલાશેઃ ભાવનગર રેન્જ વડા સાથે અકિલાની વાતચીત

રાજકોટ, તા., ૨૯: ભાવનગરના રેન્જ વડા અશોકકુમાર યાદવ દ્વારા લોકસભાની ચુંટણી સમયે જ સોશ્યલ મીડીયામાં હથીયારો સાથેના ફોટાઓ મુકવા અંગે અપાયેલ ચેતવણીને હળવાશથી લેનાર રાજુલા પંથકના અજય નામના શખ્સને પાસામાં ધકેલી દઇ  ગુજરાતમાં સૌ પ્રથમવાર સોશ્યલ મીડીયામાં  હથીયાર સાથેનો ફોટો મુકવા બદલ આકરી કાર્યવાહી કરતા ખળભળાટ મચી ગયો છે.

અત્રે યાદ રહે કે રાજુલા પંથકના એક શખ્સે ડાયરામાં તમંચા વડે ફાયરીંગ કરવાનો વિડીયો વાયરલ થતા જ ડીઆઇજી અશોકકુમાર યાદવે આ અંગે તાકીદે તપાસ કરી અને કડક પગલા લેવાનો આદેશ કરતા ફાયરીંગ કરનાર શખ્સને શોધી કઢાયો હતો.

ચેતવણીની અવગણના કરનાર સામે આકરા પગલા લઇ અન્ય માથાભારે શખ્સો પર દાખલો બેસાડવાના હેતુથી સંબંધક શખ્સની ધરપકડ કરી કાયદાકીય પગલા લેવા સાથે તાકીદે પાસામાં ધકેલી દેતો હુકમ  કર્યો હતો. જેમની સામે પાસાની કાર્યવાહી થઇ છે. તેવા શખ્સ સામે ભુતકાળમાં પણ ગુન્હા નોંધાયાનું પોલીસ સુત્રો જણાવે છે.

ઉકત બાબતે ભાવનગરના રેન્જ વડા અશોક કુમાર યાદવે અકિલા સાથેની વાતચીતમાં હથીયાર સાથેનો ફોટો (વિડીયો) સોશ્યલ મીડીયા પર વાયરલ કરનાર શખ્સ સામે પાસા થયાની બાબતને સમર્થન આપ્યું હતું.

અશોક કુમાર યાદવે અકિલા સાથેની વાતચીતમાં વિષેશમાં એવું પણ જણાવેલ કે અમોને આ બાબતે લોકોમાંથી પણ સહકાર મળી રહયો છે. વધુમાં વધુ લોકો આવા અસામાજીક તત્વો કે જેઓ સોશ્યલ મીડીયામાં હથીયાર સાથેના ફોટા મુકી લોકોને ડરાવવા માંગે છે, તેઓ વિષે અમને માહીતી આપે તો આવા તત્વોને જેલ ભેગા કરી શકાય. તેઓએ ખુલ્લી ચેતવણી આપતા જણાવ્યું છે કે સોશ્યલ મીડીયા પર હથીયારો સાથે ફોટા મુકનારને કોઇ પણ સંજોગોમાં છોડવામાં નહી આવે.

(4:10 pm IST)