Gujarati News

Gujarati News

News of Friday, 29th March 2019

કાલે અમિત શાહનો ભવ્ય રોડ શો : શકિત પ્રદર્શન : ઉમેદવારી નોંધાવશે

ઉધ્ધવ ઠાકરે - ગડકરી - રાજનાથ - પાસવાન - બાદલ - વિજય રૂપાણી - નિતીન પટેલ - જીતુ વાઘાણી વગેરે હાજર રહેશે : વિજયના સંકલ્પ સાથે ગાંધીનગર કલેકટર કચેરી ખાતે ઉમેદવારી પત્ર ભરશે : ઐતિહાસિક ક્ષણને વધાવવા ભાજપના કાર્યકરો - નેતાઓમાં અનેરો થનગનાટ

અમદાવાદ તા. ૨૯ : ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ આજથી બે દિવસની ગુજરાતની મુલાકાતે છે તેઓ રાત્રે અમદાવાદ આવશે. ત્યારે એરપોર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. અમિત શાહ જીતના સંકલ્પ સાથે ગાંધીનગર કલેકટર કચેરી ખાતે આવતી કાલે ૩૦મીએ ઉમેદવારી પત્ર ભરશે ત્યારે ચાર કિલોમીટર સુધીનો ભવ્ય રોડ શો અમદાવાદમાં યોજાશે અમિત શાહ ઉમેદવારી પત્ર ભરતા હોય તે ઐતિહાસિક ક્ષણને વધાવવા ભાજપના રાષ્ટ્રીય અને પ્રાદેશિક નેતાઓ સહિત હજારો કાર્યકર્તાઓ, ધર્મગુરુઓ અને સમાજના પ્રતિષ્ઠિત આગેવાનોની ઉપસ્થિતિમાં સવારે ૯.૦૦ કલાકે મેગા રોડ શો યોજાશે. પક્ષના દિગ્ગ્જ નેતાઓની સાથે શિવસેના અધ્યક્ષ ઉદ્ઘવ ઠાકરે પણ હાજરી આપશે.

અમિત શાહ તેમના નારણપુરા ખાતે આવેલ જૂનાં નિવાસસ્થાન પાસેની સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમાને ફુલહાર કરી વિશાળ જન સમુદાય સાથે આ મેગા રોડ શોની શરૂઆત કરશે. ત્યાંથી પલ્લવ ચાર રસ્તા – શાસ્ત્રીનગર – પ્રભાત ચોક થઇ પાટીદાર ચોક સુધી આશરે ૪ કિલોમીટર લાંબો રોડ શો યોજાશે. આ રોડ-શોના સમાપન બાદ અમિત શાહ ગાંધીનગર મુકામે પહોંચશે. જયાં સેકટર-૬/૭ના બસસ્ટેન્ડથી પથિકાશ્રમ સુધી ભાજપાના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિતિ રહી માનવ સાંકળનું નિર્માણ કરી અમિત શાહને વધાવશે. જયાં અલગ અલગ કલાકારો સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરશે. અમિત શાહ જવલંત વિજયના સંકલ્પ સાથે કલેકટર કચેરી ખાતે ઉમેદવારી પત્ર દાખલ કરશે.

ગાંધીનગરથી ઉમેદવારી ફોર્મ ભરતાં પહેલાં અમિત શાહના રોડ-શોમાં શિવસેના અધ્યક્ષ ઉદ્ઘવ ઠાકરે, કેન્દ્રીયપ્રધાન નીતિન ગડકરી, ગૃહપ્રધાન રાજનાથસિંહ, નાગરિક અન્ન અને પુરવઠા પ્રધાન રામવિલાસ પાસવાન, પંજાબના પૂર્વ મુખ્યપ્રધાન પ્રકાશસિંહ બાદલ, પૂર્વ પ્રદેશ પ્રભારી ભૂપેન્દ્ર યાદવ, હાલના ગુજરાત પ્રદેશ પ્રભારી, ઓમ માથુર, મુખ્ય પ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ, પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી સહિતના નેતાઓ રોડ-શોમાં જોડાશે. અમદાવાદના નારણપુરામાં સરદાર પટેલના બાવલા પાસે વિવિધ જ્ઞાતિ-સમાજને સાથી રાખીને અમિત શાહ સવારે ફોર્મ ભરવા જતાં પહેલાં સભા સંબોધિત કરશે.

શિવસેના અધ્યક્ષ ઉદ્ઘવ ઠાકરે અનેક વાર ભાજપ માટે ટીકાઓ કરી ચુકયા છે લોકસભાની ચૂંટણી જાહેર થયા પૂર્વે શિવસેના અને ભાજપ મહારાષ્ટ્રમાં અલગ અલગ ચૂંટણી લડે તેવો માહોલ સર્જાયો હતો. જો કે ત્યાર બાદ બને પક્ષે આ મુદ્દે સહમતી સધાતાં હવે સાથે મળીને ચૂંટણી લડી રહ્યા છે. આવતી કાલે અમદાવાદ આવી રહેલા ઉદ્ઘવ ઠાકરેની હાજરી પણ સૂચક ગણાય છે.

અમિત શાહ આજે રાત્રે અમદાવાદ આવશે અને ત્યાર બાદ આવતી કાલની તૈયારીઓની સમીક્ષા ઉપરાંત સ્થાનિક નેતાગીરી સાથે લોકસભાના બાકી રહેલા ઉમેદવારો બાબતે તેમજ ચૂંટણી લક્ષી ચર્ચા બેઠક કરશે. આવતી કાલે અમિત શાહ ઉમેદવારી ફોર્મ ભરશે ત્યારે રાજયના ભાજપના તમામ ઉમેદવારો હાજર રહેશે. આ દિવસે ભાજપના અન્ય કોઈપણ ઉમેદવાર ફોર્મ ભરશે નહીં. અમિત શાહનો મેગા રોડ શો નારણપુરા સરદાર પટેલ કોલોનીથી શરૂ થશે અને ઘાટલોડિયા પાટીદાર ચોક સુધી પગપાળા રોડ શો થશે. અમિત શાહ સરદાર પટેલના સ્ટેચ્યૂને નમન કરીને રોડ-શોની શરૂઆત કરશે. તમામ તૈયારીઓનું કાઉન ડાઉન શરૂ કરી દેવામાં આવ્યું છે.

૩૦ માર્ચે ભાજપ અધ્યક્ષ અમિત શાહ લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરશે. ત્યારે ગુજરાત ભાજપે અમિત શાહ ઉમેદવારી પત્ર ભરે તે પહેલા મેગા રોડ શોનું આયોજન કર્યું છે. ૩૦ માર્ચે અમિત શાહનો મેગા રોડ શો થવાનો છે એવામાં ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી એસ મુરલી ક્રિષ્નાએ અમદાવાદ અને ગાંધીનગર જિલ્લાના કલેકટરોને સૂચના આપી છે કે, રોડ શો દરમિયાન સામાન્ય લોકોને હાલાકી ન થાય તેવી વ્યવસ્થા કરવામાં આવે.

અમિત શાહની ગાંધીનગર બેઠકમાં આવતા અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા યોગી આદિત્યનાથની જાહેરસભા હતી. આ દરમિયાન લોકોને ઘણી પરેશાની ઊભી થઈ હતી. મુખ્ય ચૂંટણી અધિકારીને આ જાહેરસભા બાદ ૧૦ જેટલી ફરિયાદો મળતાં આ વખતે સામાન્ય જનતાને પરેશાની ન થાય તે માટે નિર્દેશો આપવામાં આવ્યા છે. મુખ્ય ચૂંટણી અધિકારીએ કહ્યું, 'નાગરિકો તરફથી અગવડ થતી હોવાની ફરિયાદ મળ્યા બાદ તમામ કલેકટરોને સૂચના આપી છે કે રેલી કે રોડ શોની મંજૂરી આપતાં પહેલાં સામાન્ય જનતાને પરેશાની ન થાય તેની ખાતરી કરી લેવી.'

ગાંધીનગર લોકસભા બેઠકમાં કુલ સાત વિધાનસભા બેઠકોનો સમાવેશ થાય છે. જેમાંથી બે ગાંધીનગરમાં છે જયારે પાંચ અમદાવાદ જિલ્લામાં છે. અમિત શાહ ૩૦ માર્ચે ગાંધીનગર જિલ્લા કલેકટર કચેરીમાં ઉમેદવારી ફોર્મ ભરશે. ૩૦ માર્ચની સવારે ભાજપ દ્વારા ૪ કિલોમીટર લાંબા રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગાંધીનગર લોકસભા બેઠકમાં આવતી નારણપુરા અને ઘાટલોડિયા વિધાનસભા બેઠકને પણ આવરી લેવાશે. સવારે સાડા આઠ વાગ્યે રોડ શો શરૂ થશે. ભાજપે અમદાવાદ શહેર અને જિલ્લાના તમામ ધારાસભ્યોને ૨૫ જેટલા સ્થળોએ હાજર રહેવા સૂચના આપી છે.

અમિત શાહનું શાનદાર સ્વાગત : લોકો ઉમટ્યા

અમદાવાદ, તા. ૨૯ : ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અમદાવાદ આવી પહોંચ્યા બાદ તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ભાજપના કાર્યકરો અને વરિષ્ઠ નેતાઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. ગુલાબની પંખડીઓ સાથે તેમનું સ્વાગત કરવાં આવ્યું હતું. તેમના અમદાવાદ આગમનને લઇને પહેલાથી જ તૈયારીઓ ચાલી રહી હતી. કાર્યકરો પણ ઉત્સાહિત હતા. આવતીકાલે અમિત શા ગાંધીનગર લોકસભા બેઠક પરથી ઉમેદવારીપત્ર દાખલ કરશે.

(8:29 pm IST)